સુરત: બીઆરટીએસના બસચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું કરુણ મોત નીપજ્યું

સુરત, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર
સુરતના પાંડેસરા પ્રમુખ પાર્ક અને ડીંડોલીને જોડતા બ્રિજ ઉપર મુસાફરોથી ભરેલી BRTSની બસ અને બાઇક સવાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇકસવારનું મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મંગળવારની મોડી સાંજે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલ શૈલેષ નિકમ ત્રણ સંતાનનો પિતા તેમજ ઘરનો આર્થિક સહારો હતો.
આ અંગે મૃતકના ભાઈ કિરણ નિકમે કહ્યું કે"મારો ભાઈ શૈલેષભાઇ વિઠ્ઠલભાઈ નિકમ (ઉ.વ. 40) ને પરિવારમાં બે દીકરીઓ ,એક દીકરો અને પત્ની છે. પાંડેસરાની મિલમાં સાડી ફોલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારની રાત્રે તે નોકરી પરથી ઘરે પરત ફરતા કાળ મુખી બસની અડફેટે આવ્યા બાદ સિવિલમાં મોતને ભેટ્યો હતો. અકસ્માતના બે કલાક બાદ જ મારા ભાઈએ દુનિયા છોડી ગયો હોવાની જાણ થતાં મારુ આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયુ છે.
અકસ્માતને નજરે જોનાર ચિરાગ વાગલેકરએ કહ્યું કે ડીંડોલી પ્રમુખ પાર્ક પાસે આવેલ રોડ પર રિપેરીંગના કામકાજને લઈ વન-વે હોવા છતાં બસ 50-60ની સ્પીડમાં દોડતી હતી. બસ ચાલકને છોડતા નહિ. એક પરિવારની આર્થિક સહારો છીનવી લીધો છે. હું કહેશે ત્યાં સાક્ષી બનીશ અને નિવેદન આપીશ.




