Get The App

સુરત: ભાજપના પ્રદેશ પ્રમુખે કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર માટે જાહેરાત કરી પણ સ્કૂલમાં મધ્યાહન ભોજન બંધ

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
સુરત: ભાજપના પ્રદેશ પ્રમુખે કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર માટે જાહેરાત કરી પણ સ્કૂલમાં મધ્યાહન ભોજન બંધ 1 - image

- સરકારે સ્કૂલ શરૂ કરી પણ એન.જી.ઓ. નક્કી નહીં કરતા સુરતની સ્કૂલમાં મધ્યાહન ભોજન બંધ

- સુરતમાં  સરકારી સ્કૂલો શરૂ થઈને એક મહિનો થઈ ગયો મધ્યાહન ભોજન બંધ છતાં વિપક્ષનું ફરી એક વાર ભેદી મૌન 

સુરત,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

કોરોનાનું જોર ઘટી જતાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં શાળા સરકારે શરૂ કરાવી દીધી છે. સરકારે શાળા તો શરૂ કરાવી દીધી પરંતુ ગરીબ બાળકોને  મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે યોજના હજી શરૂ કરાવી નથી. સુરતમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી શાળા ચાલે છે અને મધ્યાહન ભોજન બંધ છે તેના માટે શાસકો અને અધિકારીઓ સાથે સાથે ફરી એક વાર વિરોધ પક્ષ પણ ચૂપ થઈ ગયો છે. શાસક-વિપક્ષ ભાઈ ભાઈ હોવાથી છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી બાળકોને મધ્યાહન ભોજન મળતું ન હોવા છતાં વિરોધ પક્ષ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ  દોઢેક માસથી શરૂ થઈ ગઈ છે.  સમિતિની શાળામાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે તેના માટે મધ્યાહન ભોજન યોજના ચાલે છે. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને અનાજ ની કુપન આપવામાં આવતી હતી તે કુપન પણ આપવાનું હાલ બંધ છે. તેની સાથે શાળાઓ ચાલુ છે પરંતુ મધ્યાહન ભોજન માટે જે એન.જી.ઓ. નક્કી કરવાની હોય છે તે એન.જી.ઓ. સરકારે નક્કી કરી ન હોવાથી હાલ એક લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહે છે. 

સરકાર કુપોષણ અટકાવવાની વાત કરે છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મ દિવસે કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર આપવા માટે યોજના પણ જાહેર કરવામાં આવી છે પરંતુ સમિતિની શાળામાં હજી સુધી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી. આ અંગે ભાજપ કે આમ આદમી પાર્ટીએ કોઈ રજૂઆત કરી નથી. શિક્ષણ સમિતિના કોંગ્રેસના માજી સભ્યએ મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. પરંતુ મોટી મોટી વાત કરતાં પાલિકાના વિરોધ પક્ષ કે શિક્ષણ સમિતિના વિરોધ પક્ષ દ્વારા એક મહિનાથી મધ્યાહન ભોજન અપાતું નથી તેના મુદ્દે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. શાસક- વિપક્ષ ભાઈ ભાઈની ભૂમિકા હોવાથી સમિતિના દોઢેક લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણ યુક્ત આહાર મળતો નથી તેવા આક્ષેપ થઈ રહ્યો છે.