Gujarat

રક્તદાન અને વૃક્ષારોપણનો સંદેશ આપવા પશ્ચિમ બંગાળનો યુવક સાઇકલ પર 6363 કિમીનું અંતર કાપીને સુરત પહોંચ્યો

By GS Team
28 Nov 20212 mins read
This article was originally published on 28 Nov 2021
રક્તદાન અને વૃક્ષારોપણનો સંદેશ આપવા પશ્ચિમ બંગાળનો યુવક સાઇકલ પર 6363 કિમીનું અંતર કાપીને સુરત પહોંચ્યો

સુરત, તા. 28 નવેમ્બર 2021 રવિવાર

ઔદ્યોગિકરણ અને વિકાસના કારણે આજે સમગ્ર વિશ્વમાં પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પ્રદૂષણ સમસ્યા દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. લોકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા માટે ઘણી સંસ્થાઓ અને લોકો દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી જ એક અનોખી પહેલ બંગાળના 23 વર્ષના વિદ્યાર્થીએ હાથ ધરી છે.

રક્તદાન અને વૃક્ષારોપણનો સંદેશ આપવા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના લાલગુલા ગામનો યુવક સાઇકલ પર 6363 કિમીનું અંતર કાપીને સુરત પહોંચ્યો હતો. સુરત પહોંચ્યા બાદ તેમણે કાપડના વેપારીઓને વધુમાં વધુ રક્તદાન કરી પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.

પર્યાવરણ માં પ્રદૂષણની માત્રામાં ઘટાડો થાય અને લોકો પર્યાવરણ ને લઈને જાગૃત થાય તે માટે હવે યુવાવર્ગ કામ કરી રહ્યું છે. આવી જ એક પહેલ બંગાળના વિદ્યાર્થીએ કરી છે પશ્ચિમ બંગાળથી 94 દિવસની 6363 કિમીની સાઇકલ યાત્રા કરીને સુરત પહોંચ્યો હતો. પ્રશાંતજીત દાસ ઉર્ફે જોજોએ કહ્યું કે તેમના પિતા સામાજિક વલણમાં પહેલાથી જ આગળ હતા અને તેમની પાસેથી પ્રેરણા લઈને જ આ કાર્ય શરૂ કર્યું હતું. 

પ્રથમ વખત વૃક્ષારોપણના સંદેશ સાથે વર્ષ 2019માં મારા જિલ્લાથી દાર્જિલિંગ સુધી 450 કિમી સાઇકલ ચલાવીને લોકો સુધી વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. જેમાં તેને 15 દિવસ લાગ્યા હતા. આજે આખું વિશ્વ પર્યાવરણની સમસ્યા સામે લડી રહ્યું છે તેવામાં યુવાનોએ આગળ આવવાની ખુબ જરૂર છે. મારો પ્રયાસ ભલે નાનો હશે. પણ તે થોડા વ્યક્તિઓ સુધી પણ પહોંચી શકે તો મારી મહેનત સાકાર થશે.

પર્યાવરણ બચાવવા અને લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવા માટે 20 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરીને 25 ઓગસ્ટે લાલગુલાથી સાયકલ ચલાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશાંતજીત દાસ બીએ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે. તેણે ઝારખંડથી પાછા ફરતા પહેલા તેના જિલ્લામાંથી સાયકલ ચલાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ બિહાર, યુપી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો. જેમાં ગુજરાતમાં પ્રથમ દિવસે શામળાજી પછી ગાંધીનગર, આણંદ, ભરૂચ થઈને શુક્રવારે સુરત પહોંચ્યા હતા. 

આજે તેઓ સુરતમાં સામાજિક સંસ્થાઓને મળ્યા બાદ દમણ અને મહારાષ્ટ્ર જશે. દરરોજ 120 કિમી સાઇકલ ચલાવીને આ યાત્રા 94 દિવસમાં કરવામાં આવી છે અને આ યાત્રા 4 મહિના સુધી ચાલશે. સુરતના સારોલી સ્થિત રઘુવીર માર્કેટના વેપારીઓને મળ્યા હતા.