ડાંગના ગિરિમથક સાપુતારામાં 'મોન્સૂન ફેસ્ટિવલ-2026'નો પ્રારંભ: 29 ઓગસ્ટ સુધી જામશે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saputara Monsoon Festival 2026: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026' નો પ્રારંભ થઈ ગયો છે. આગામી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાનો ત્રિવેણી સંગમ જોવા મળશે.ચોમાસાની ઋતુમાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે, ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અને ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
ફેસ્ટિવલ દરમિયાન શું ખાસ જોવા મળશે?
આ વર્ષના ફેસ્ટિવલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો સાથે ડાંગની આદિવાસી લોકસંસ્કૃતિને એક જ મંચ પર રજૂ કરવામાં આવી રહી છે. આ ફેસ્ટિવલમાં દેશના 8 રાજ્યોના 300થી વધુ કલાકારો અને ગુજરાતના 110થી વધુ કલાકારો પોતાની કલા અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરી રહ્યા છે. ઉદ્ઘાટન બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ પરંપરાગત ડાંગી નૃત્ય સહિત વિવિધ નૃત્યોની મનમોહક રજૂઆત કરી હતી
વિવિધ આકર્ષણો અને પ્રવૃત્તિઓ
પ્રવાસીઓ માટે આ મહોત્સવમાં અનેક વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં આર્ટ વિલેજ, નેચર ટ્રેઇલ્સ, ક્રાફ્ટ અને આદિવાસી કલા વર્કશોપ, રેઇન ડાન્સ, સેલ્ફી પોઈન્ટ તેમજ બાળકો માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થાનિક વ્યંજનો અને હસ્તકલા
પ્રવાસીઓ અહીં સ્થાનિક ડાંગી વ્યંજનોનો સ્વાદ માણી શકે છે તેમજ પરંપરાગત હસ્તકલાની ચીજવસ્તુઓની ખરીદી કરી શકે છે. આ સ્ટોલ્સના માધ્યમથી સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને રોજગારી અને વેપારની નવી તકો મળે છે.

પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ તે સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનું મોટું માધ્યમ છે. ગત વર્ષે 2025 માં યોજાયેલા ફેસ્ટિવલ દરમિયાન અંદાજે 2.61 લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી. જેમાંથી 1.43 લાખથી વધુ પ્રવાસીઓએ બોટિંગનો આનંદ માણ્યો હતો, જ્યારે 290 થી વધુ સ્ટોલ્સના માધ્યમથી આશરે 1.57 કરોડ રૂપિયાનું સ્થાનિક હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોનું વેચાણ થયું હતું. સમગ્ર વર્ષ 2025 દરમિયાન કુલ 14.67 લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી.
ચોમાસાના દિવસોમાં પરિવાર સાથે પ્રકૃતિની ગોદમાં સમય વિતાવવા અને ડાંગની લોકકૃતિઓ તથા સાહસિક પ્રવૃત્તિઓનો અનુભવ કરવા માટે આ ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થળ સાબિત થાય છે.
આ ફેસ્ટિવલ સ્થાનિક કલાકારો, લોકગાયકો, નૃત્યકારો, હસ્તકલાકારો તેમજ હોટેલ વ્યવસાય, પરિવહન અને નાના વેપારીઓને રોજગારી અને આવકની નવી તકો પૂરી પાડે છે. 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026'નો ભવ્ય પ્રારંભના પ્રસંગે ધારાસભ્યો, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









