Daily Current Affairs

સેમિકોન ઇન્ડિયા 2026: PM મોદીએ યશોભૂમિ ખાતે 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીના યશોભૂમિમાં 'સેમિકોન ઇન્ડિયા 2026' ની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને MeitY દ્વારા આયોજિત આ ત્રિદિવસીય કાર્યક્રમ 'સિલિકોન ટુ સિસ્ટમ્સ' થીમ પર આધારિત છે. આ ઇવેન્ટનો હેતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ, રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપી, ભારતને આત્મનિર્ભર હબ બનાવવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમિકોન ઇન્ડિયા 2026: PM મોદીએ યશોભૂમિ ખાતે 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના યશોભૂમિમાં 'સેમિકોન ઇન્ડિયા 2026' (SEMICON India 2026) ની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM), ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન એસોસિએશન SEMI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. 

આજથી શરૂ થયેલી આ ત્રિદિવસીય (17 થી 19 સપ્ટેમ્બર 2026) વૈશ્વિક પરિષદ અને પ્રદર્શનની મુખ્ય થીમ 'સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડીંગ ધ ઇકોસિસ્ટમ' રખાઈ છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈશ્વિક તથા ભારતીય કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ, સંશોધકો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને એક જ મંચ પર લાવીને સહયોગ, રોકાણ, નવીનતા અને નવી પ્રતિભાઓના વિકાસને વેગ આપવાનો છે. 

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન એ ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે 2021 માં શરૂ કરાયેલું એક ખાસ નોડલ મિશન છે. તે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળ 'ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય' (MeitY) ના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક મજબૂત અને સ્વનિર્ભર હબ બનાવવાનો છે.

ISM ની મુખ્ય નીતિઓ અને પ્રોત્સાહનો

1. નાણાકીય પ્રોત્સાહન 

  • ભારત સરકાર દેશમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ (Fabs) સ્થાપવા માટે પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની નાણાકીય સહાય આપે છે.
  • ડિસ્પ્લે ફેબ્સ, એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) તેમજ OSAT સુવિધાઓ માટે પણ કેપિટલ એક્સપેન્ડિચરના 50% નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે.

2. ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) સ્કીમ

  • સ્થાનિક કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને ચિપ ડિઝાઇન ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે આ યોજના હેઠળ નાણાકીય મદદ અને ડિઝાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે.

3. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.૦ (ISM 2.0)

  • આ તબક્કામાં માત્ર ફેબ્રિકેશન જ નહીં, પરંતુ ચિપ ડિઝાઇન, રો-મટીરિયલ, મશીનરી ઇક્વિપમેન્ટ્સ, એડવાન્સ્ડ પેકેજિંગ, R&D અને સ્કિલ્ડ ટેલેન્ટ તૈયાર કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

4. વૈશ્વિક ભાગીદારી (Global Partnerships)

  • ભારત સરકાર યુએસએ (USA), જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને યુરોપિયન યુનિયન જેવા દેશો સાથે સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સક્રિયપણે કરારો કરી રહી છે.

અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન 

પ્રશ્ન 1: 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM) ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો:

1. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) ની સ્થાપના 'ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન' હેઠળ એક સ્વતંત્ર બિઝનેસ ડિવિઝન તરીકે કરવામાં આવી છે, જેથી સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકાય.

2. આ મિશનનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર્સના પરંપરાગત 'ઉપભોક્તા' તરીકેની ભારતની ભૂમિકાને બદલીને તેને એક મહત્વપૂર્ણ 'ઉત્પાદક' અને ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં એકીકૃત સહભાગી બનાવવાનો છે. 

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ