Daily Current Affairs

SCOની 25મી CHG બેઠક: આતંકવાદ વિરોધી કાર્યવાહી, પ્રાદેશિક કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ પર ભાર

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 19-20 ઓક્ટોબર, 2026ના રોજ તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં યોજાયેલી SCO CHGની 25મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ બેઠકમાં વેપાર, અર્થતંત્ર, રોકાણ, કનેક્ટિવિટી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પર ભાર મુકાયો. ભારતે આતંકવાદ સામે સખત કાર્યવાહી અને પ્રાદેશિક જોડાણના મહત્વ પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

SCOની 25મી CHG બેઠક: આતંકવાદ વિરોધી કાર્યવાહી, પ્રાદેશિક કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ પર ભાર

ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહકાર સંગઠન (SCO) ના કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG) ની 25મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ બેઠક 19 અને 20 ઑક્ટોબર, 2026ના રોજ તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં યોજાઇ છે. 

બેઠકનો એજન્ડા 

  • મહત્વના ક્ષેત્રો: વેપાર, અર્થતંત્ર, રોકાણ, કનેક્ટિવિટી, ઇનોવેશન અને સાંસ્કૃતિક-માનવતાવાદી આદાનપ્રદાનમાં બહુપક્ષીય સહયોગ.
  • સંસ્થાકીય સમીક્ષા: પૂર્વે ચાલી રહેલી સહયોગી પહેલોની સમીક્ષા અને SCO ની નાણાકીય તેમજ સંસ્થાકીય કામગીરી અંગેના નિર્ણયો.
  • ભારતનું ધ્યાન: ભારતે SCO મંચ પર મુખ્યત્વે સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો છે.

મુખ્ય મંચ પર ભારતના પ્રહાર અને સૂચનો 

આતંકવાદ: આતંકવાદના સમગ્ર માળખાને નાબૂદ કરવા અને આતંકવાદીઓને નાણાકીય સહાય કે આશ્રય આપનારાઓ સામે કાર્યવાહી કરવાની હાકલ કરી.

પ્રાદેશિક જોડાણ: તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરીને પ્રોજેક્ટ્સ વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) અને ચાબહાર બંદરના મહત્વ પર ભાર મૂક્યો. 

આર્થિક સહકાર: 2026–2030ના બહુપક્ષીય વેપાર અને આર્થિક સહકાર કાર્યક્રમની કાર્યયોજનાને ભારતનો ટેકો આપ્યો.

નવી સંસ્થાઓ: તાશ્કંદમાં યુનિવર્સલ સેન્ટર અને દુશાન્બેમાં એન્ટી-ડ્રગ સેન્ટરને SCOની કાયમી સંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાના નિર્ણયને આવકાર્યો.

ભારતની પહેલો: ડિજિટલ જાહેર માળખાગત સુવિધા (DPI), નાણાકીય સમાવેશ, સ્ટાર્ટઅપ્સ, સ્વચ્છ ઊર્જા અને જૈવ ઇંધણ પર ભાર મૂક્યો છે.

બેઠકના મુખ્ય નિર્ણયો અને પરિણામો 

પ્રતિનિધિમંડળના વડાઓએ સંયુક્ત ઘોષણાપત્ર, વર્ષ 2027નું SCO બજેટ, નાણાકીય-વહીવટી નિર્ણયો અને 2026–2030 માટે વેપાર અને આર્થિક સહયોગ એક્શન પ્લાન ને મંજૂરી આપી. 

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન

SCO એ રાજકીય, આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ માટેનું એક આંતરસરકારી યુરેશિયન સંગઠન છે. SCOની સ્થાપના 2001ના રોજ શાંઘાઈ (ચીન) ખાતે થઈ હતી.  

  • SCOની સ્થાપના પહેલાં આ વ્યવસ્થા ‘શાંઘાઈ ફાઇવ’ તરીકે ઓળખાતી હતી, જેની શરૂઆત 1996માં થઈ હતી. તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન અને તાજિકિસ્તાન સામેલ હતા. 2001માં ઉઝબેકિસ્તાન જોડાયા બાદ ‘શાંઘાઈ ફાઇવ’નું રૂપાંતર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં થયું. 

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં કુલ 10 સભ્ય દેશો સામેલ છે, જે વિશ્વની કુલ GDPના લગભગ 25% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠન આંતરરાષ્ટ્રીય નિયમો અને પરસ્પર હિતોના આધારે સભ્ય દેશો વચ્ચે મિત્રતા, ભાઈચારો અને લાંબાગાળાના સહયોગને મજબૂત કરવાનું કામ કરે છે. ભારત, રશિયા, ચીન ઉપરાંત પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને બેલારુસ આ સંગઠનનો હિસ્સો છે.

વડું મથક અને સંસ્થાઓ

  • સચિવાલય (Secretariat): બેઇજિંગ, ચીન.
  • RATS (Regional Anti-Terrorist Structure): તે ત્રાસવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટેનું મુખ્ય વિંગ છે, જેનું કાર્યાલય તાશ્કંદ (ઉઝબેકિસ્તાન) ખાતે આવેલું છે.

મુખ્ય નિર્ણય લેતી સંસ્થાઓ 

  1. કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ (CHS): દેશના વડાઓનું પરિષદ, જે SCO ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે.
  2. કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG): સરકારના વડાઓનું પરિષદ, જે આર્થિક સહયોગ અને બજેટને મંજૂરી આપવાનું કામ કરે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: . SCOની 25મી CHG બેઠકનું આયોજન કયા દેશની રાજધાનીમાં થયું છે?

(A) ઉઝબેકિસ્તાન
(B) કઝાકિસ્તાન
(C) તાજિકિસ્તાન
(D) કિર્ગિઝસ્તાન