Daily Current Affairs

ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026: 1.5°Cનું તાપમાન લક્ષ્ય જાળવવું મુશ્કેલ, વર્ષ 2100 સુધી 2.8°C વધારાનો અંદાજ

By GS Team
23 Oct 20264 mins read
TukuTouch Logo
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે તેનો 17મો 'ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026' જાહેર કર્યો છે. આ રિપોર્ટ ચેતવણી આપે છે કે પેરિસ કરારના 1.5°C તાપમાન વૃદ્ધિના લક્ષ્યાંકને ઓવરશૂટ વિના જાળવવો હવે વ્યવહારિક રીતે અશક્ય છે. વર્ષ 2025માં વૈશ્વિક ઉત્સર્જન 58.4 GtCO₂e રહ્યું, અને 2100 સુધીમાં તાપમાન 2.8°C વધવાનો અંદાજ છે. ભારત 2035 સુધીમાં તેના NDCs લક્ષ્યાંકો સરળતાથી પ્રાપ્ત કરશે, પરંતુ કોલસા પર નિર્ભરતા ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026: 1.5°Cનું તાપમાન લક્ષ્ય જાળવવું મુશ્કેલ, વર્ષ 2100 સુધી 2.8°C વધારાનો અંદાજ

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા તાજેતરમાં તેનો 17મો વાર્ષિક 'ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026: ધ પોઇન્ટ ઓફ રિટર્ન' જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ઓવરશૂટ (તાપમાનમાં અસ્થાયી વધારો) કર્યા વિના પેરિસ કરારના 1.5°C તાપમાન વૃદ્ધિના લક્ષ્યાંકને જાળવવો હવે વ્યવહારિક રીતે અશક્ય બની ગયો છે.

રિપોર્ટના મુખ્ય તારણો 

વૈશ્વિક ઉત્સર્જનમાં સ્થિરતા: વર્ષ 2025માં વૈશ્વિક ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન આશરે 58.4 ગિગાટન CO₂ સમકક્ષ (GtCO₂e) રહ્યું હતું. અશ્મિભૂત ઇંધણના વધતા ઉત્સર્જનની અસર જમીનના ઉપયોગમાં ફેરફાર અને જંગલની આગથી થતા ઉત્સર્જનમાં ઘટાડાને કારણે અંશતઃ સરભર થઈ હતી.

ઉત્સર્જનમાં તાત્કાલિક ઘટાડાનાં લક્ષ્યો: તાપમાનમાં વધારાને મર્યાદિત રાખવા માટે વર્ષ 2025ની સરખામણીએ વૈશ્વિક ઉત્સર્જનમાં વર્ષ 2030 સુધીમાં 18%, 2035 સુધીમાં 45% અને 2040 સુધીમાં 69% ઘટાડો કરવો જરૂરી છે.

ઉત્સર્જનના અંતરમાં વધારો: દેશો દ્વારા વર્ષ 2035 માટે નિર્ધારિત રાષ્ટ્રીય સ્તરે નક્કી કરાયેલા યોગદાનો (NDCs) મુજબના લક્ષ્યો અને જરૂરી ઉત્સર્જન ઘટાડા વચ્ચે આશરે 16 ગિગાટન CO₂ સમકક્ષનું અંતર છે. વર્તમાન પ્રતિબદ્ધતાઓથી જરૂરી 45% ઘટાડાની સરખામણીએ માત્ર 11–15% ઘટાડો જ હાંસલ થઈ શકે છે.

વૈશ્વિક તાપમાનમાં વધારાના અંદાજ: વર્તમાન નીતિઓ ચાલુ રહે તો વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં આશરે 2.8°Cનો વધારો થઈ શકે છે. જ્યારે તમામ આબોહવા પ્રતિબદ્ધતાઓનો સંપૂર્ણ અમલ થાય તો આ વધારો આશરે 2.1°C સુધી મર્યાદિત રહી શકે છે.

કાર્બન દૂર કરવાની પ્રક્રિયા અંગે અનિશ્ચિતતા: તાપમાનમાં 1.5°Cથી વધુના વધારાને મર્યાદિત કરવા માટે આ સદી દરમિયાન વાતાવરણમાંથી આશરે 320 ગિગાટન CO₂ દૂર કરવાની જરૂર પડી શકે છે. જોકે, આ માટેની ટેક્નોલોજીની વ્યવહારિક શક્યતા, પર્યાવરણીય અસરો અને નાણાકીય ખર્ચ અંગે ચિંતાઓ છે.

નવીનીકરણીય ઊર્જાનો વિકાસ, પરંતુ અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા યથાવત્: સૌર ઊર્જાની સ્થાપનાની ગતિ વર્ષ 2015માં કરવામાં આવેલા અંદાજ કરતાં સાત ગણી ઝડપથી વધી છે. તેમ છતાં, કોલસો, તેલ અને કુદરતી ગૅસનો વધતો વપરાશ વૈશ્વિક સ્તરે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોને નબળા પાડે છે.

ભારત અને ઇમિશન ગેપ રિપોર્ટ 

લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની દિશામાં: ભારત પોતાની વર્તમાન નીતિઓ હેઠળ વધારાના પગલાં લીધા વિના પણ તેના 2030 અને 2035 ના NDCs લક્ષ્યાંકો સરળતાથી પ્રાપ્ત કરી લેશે.

ઉત્સર્જનની તીવ્રતા: ભારતનો ભાર  જીડીપી દીઠ ઉત્સર્જન ઘટાડવાપર છે, તેથી આર્થિક વિકાસ સાથે કુલ ઉત્સર્જન વધશે પરંતુ ગ્રીનહાઉસ ક્ષમતા સુધરશે.

માથાદીઠ ઓછું ઉત્સર્જન: વર્ષ 2035 સુધીમાં ભારતનું પ્રોજેક્ટેડ માથાદીઠ ઉત્સર્જન 3.6 tCO₂e રહેશે, જે ચીન (9.3), રશિયા (11.5) અને સાઉદી અરેબિયા (15.2) ની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું છે.

કોલસા પર નિર્ભરતા: 2030 સુધીમાં 500 GW નોન-ફોસિલ વીજળી ક્ષમતાના લક્ષ્ય તરફ આગળ વધવા છતાં વધતી વીજ માગ પહોંચી વળવા ભારત હજુ પણ કોલસા આધારિત ઉત્પાદન પર નિર્ભર છે.

મુખ્ય પડકારો 

  1. ભૂ-રાજકીય પીછેહઠ : અમેરિકાનું પેરિસ કરારમાંથી સત્તાવાર રીતે બહાર નીકળવું જેવા વૈશ્વિક રાજકીય ફેરફારો વૈશ્વિક તાપમાનમાં ~0.1°C થી 0.25°C નો વધારો કરી શકે છે.
  2. મોટા પાયે CDR ની તકનીકી મર્યાદાઓ: BECCS અને ડાયરેક્ટ એર કેપ્ચર (DAC) જેવી અપ્રમાણિત ટેકનોલોજીઓ જમીન, પાણી અને ગ્રીન એનર્જીની અછત ઊભી કરે છે.
  3. ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો: કોલસાનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો છતાં LNG ટર્મિનલ્સ અને ઓફશોર ઓઇલ ઉત્ખનનમાં નવું રોકાણ ચાલુ છે.
  4. જંગલોના વિનાશનો દર : 2030 સુધીમાં જંગલોની કાપણી સંપૂર્ણ બંધ કરવાના લક્ષ્યને આંબવા વર્તમાન દરે 10 ગણી ઝડપ લાવવી જરૂરી છે.

મુખ્ય ભલામણો 

  • 2035 NDCs ને વધુ મહત્વાકાંક્ષી બનાવવું: 2025 ના સ્તરથી 2035 સુધીમાં અર્થતંત્રમાં 45% ઉત્સર્જન ઘટાડાનું લક્ષ્ય રાખવું.
  • નવીનીકરણીય ઊર્જા અને ઇલેક્ટ્રિફિકેશન: 2035 સુધીમાં વૈશ્વિક સ્તરે 35% ઇલેક્ટ્રિફિકેશન દર હાસલ કરવો અને રિન્યુએબલ એનર્જી ક્ષમતા 3 ગણી કરવી.
  • અશ્મિભૂત બળતણ નીતિઓ: નવા ફોસિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાયસન્સિંગ પર રોક લગાવીને સબસીડી રદ કરવી અને ગ્રીન હાઇડ્રોજન તથા ગ્રીડ સ્ટોરેજ તરફ રોકાણ વાળવું.
  • CDR ગવર્નન્સ: કાર્બન રિમૂવલ તકનીકો માટે કડક પર્યાવરણીય નિયમો અને જવાબદારીઓ નક્કી કરવી.

ભારતના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન (NDCs) 

NDC એ પેરિસ કરાર હેઠળ આબોહવા પરિવર્તન સામે લડવા માટે દેશે વિશ્વ સમક્ષ રજૂ કરેલી પોતાની પ્રતિબદ્ધતા અને કાર્યયોજના છે. 

  • ભારતે તેનો પ્રથમ NDC 2 ઓક્ટોબર 2015 ના રોજ સબમિટ કર્યો હતો. 
  • ભારતે COP26 માં વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલ પંચામૃત ને ધ્યાનમાં રાખીને ઓગસ્ટ 2022 માં તેના NDC ને અપડેટ કર્યા હતા.  
  • ભારતની 2031–2035 માટેની નવી NDCને કેન્દ્રીય મંત્રીમંડળે 25 માર્ચ 2026ના રોજ મંજૂરી આપી હતી અને ભારતે તેને 24 એપ્રિલ 2026ના રોજ UNFCCC સમક્ષ રજૂ કરી હતી.
image.png

ભારતના લાંબા ગાળાના સંકલ્પો

  • નેટ ઝીરો: 2070 સુધીમાં નેટ-ઝીરો હાંસલ કરવું.
  • LiFE - Lifestyle for Environment: NDC માં હવે LiFE મિશનને મુખ્ય થીમ બનાવવામાં આવી છે. એટલે કે વ્યક્તિગત અને સામૂહિક ટકાઉ જીવનશૈલી દ્વારા પર્યાવરણનું રક્ષણ.

ભારતનો અભિગમ એ છે કે તેનું NDC એ વિકાસ અને ક્લાયમેટ જસ્ટિસ વચ્ચે સંતુલન છે - ભારત વૈશ્વિક ઉત્સર્જનમાં ઐતિહાસિક રીતે ઓછો ફાળો ધરાવે છે પણ અત્યારે ત્રીજો સૌથી મોટો ઉત્સર્જક છે.