Daily Current Affairs

કચ્છમાં ઘોરાડ સંરક્ષણને વેગ, ગુજરાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એક્શન પ્લાન લોન્ચ કર્યો

By GS Team
15 Sep 20263 mins read
TukuTouch Logo
13 સપ્ટેમ્બર, 2026ના રોજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભુજ, કચ્છમાં GIB સંરક્ષણ, ઘાસિયાળ જમીન પુનઃસ્થાપન અને પ્રોજેક્ટ ચિત્તાની સમીક્ષા કરી. આ બેઠકમાં 'ગુજરાત એક્શન પ્લાન ફોર GIB કન્ઝર્વેશન' લોન્ચ કરાયો, જેનો ઉદ્દેશ 30 ઘોરાડની વસ્તી સ્થાપિત કરવાનો અને 200-500 ચોરસ કિમી સુરક્ષિત આવાસ વિકસાવવાનો છે. નલિયામાં 11 ચોરસ કિમી ઘાસિયાળ જમીન પુનઃસ્થાપિત કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં ઘોરાડ સંરક્ષણને વેગ, ગુજરાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એક્શન પ્લાન લોન્ચ કર્યો

13 સપ્ટેમ્બર, 2026ના રોજ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કચ્છના ભુજ ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (GIB) સંરક્ષણ, ઘાસિયાળ જમીન (Grasslands) પુનઃસ્થાપન અને પ્રોજેક્ટ ચિત્તા જેવા મહત્વપૂર્ણ સંરક્ષણ કાર્યક્રમોની સમીક્ષા કરી. આ બેઠક દરમિયાન 'ગુજરાત એકશન પ્લાન ફોર GIB કન્ઝર્વેશન' લોન્ચ કરવામાં આવ્યો હતો.

ગુજરાત એકશન પ્લાન ફોર GIB કન્ઝર્વેશન

ગુજરાત માટે બહાર પાડવામાં આવેલી GIB સંરક્ષણ કાર્યયોજના વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) અને ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછામાં ઓછા 30 પક્ષી ઓની લઘુતમ સક્ષમ વસ્તી (Minimum Viable Population) સ્થાપિત કરવાનો અને 200થી 500 ચોરસ કિમીનો સુરક્ષિત તથા સળંગ આવાસ વિસ્તાર વિકસાવવાનો છે. 

હાલમાં લાલા–રાવા લેન્ડસ્કેપના આશરે 200 ચોરસ કિમી વિસ્તાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમાં આવાસસ્થળનું પુનઃસ્થાપન, ચરાઈનું વ્યવસ્થાપન, આક્રમક વનસ્પતિ દૂર કરવી, શિકારી પ્રાણીઓનું વ્યવસ્થાપન તથા માળખાકીય વિકાસને કારણે ઊભા થતા જોખમો ઘટાડવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

કચ્છના નાળિયા વિસ્તારમાં આશરે 11 ચોરસ કિમી ઘાસિયાળ જમીનમાંથી આક્રમક વનસ્પતિ ગાંડા બાવળ દૂર કરીને તેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. વધુમાં, 15 ચોરસ કિમી વિસ્તારને આવરી લેતી 30 કિમી લાંબી શિકારી-પ્રતિરોધક વાડ પણ બનાવવામાં આવી છે.

GIB સંરક્ષણ માત્ર આ એક પક્ષી પૂરતું મર્યાદિત નથી. કચ્છના ખુલ્લા કુદરતી પર્યાવરણીય તંત્રોનું સંરક્ષણ થતાં લેસર ફ્લોરિકન, ચિંકારા, ડેઝર્ટ કેટ, વિવિધ શિકારી પક્ષીઓ, ગીધ તથા અન્ય વિશિષ્ટ વન્યજીવોને પણ લાભ મળશે.

GIB સંરક્ષણમાં ‘જમ્પ-સ્ટાર્ટ’ પદ્ધતિ 

જંગલી માદા ઘોરાડના અફળદ્રુપ એગને કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામના ફળદ્રુપ એગ સાથે બદલવાનો પ્રયોગ સફળ રહ્યો છે. નલિયા નજીક GIB સોફ્ટ રિલીઝ સેન્ટર પણ વિકસાવવામાં આવ્યું છે. અહીં રાજસ્થાનમાંથી લાવવામાં  કેપ્ટિવ-બ્રેડ (Captive-bred) પક્ષીઓને કુદરતી પર્યાવરણ માટે અનુકૂળ બનાવવામાં આવશે અને યોગ્ય આવાસ તથા જરૂરી પ્રોટોકોલ તૈયાર થયા બાદ તેમને મુક્ત કરવામાં આવશે.

પ્રોજેક્ટ ચિત્તા અને બન્ની ઘાસમેદાન

ચિત્તા પુનઃસ્થાપન માટે ગુજરાતના બન્ની ઘાસમેદાન અને મધ્ય પ્રદેશના નૌરાદેહી વન્યજીવ અભયારણ્યને ભાવિ રીલીઝ સાઈટ તરીકે ઓળખવામાં આવ્યા છે.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ / ઘોરાડ

  • IUCN સ્થિતિ: ગંભીર રીતે ભયગ્રસ્ત (Critically Endangered - CR)
  • વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972: અનુસૂચિ-1 (Schedule I)
  • મુખ્ય આવાસ: રાજસ્થાન (ડેઝર્ટ નેશનલ પાર્ક) અને ગુજરાત (કચ્છનું નલિયા).
  • મુખ્ય સંકટ: પાવર ટ્રાન્સમિશન લાઈનો સાથે અથડામણ, આવાસનો વિનાશ અને શિકારી પ્રાણીઓ.

બન્ની ઘાસનું મેદાન (Banni Grassland)

  • એશિયાના સૌથી મોટા કુદરતી ઘાસના મેદાનોમાંનું એક (કચ્છ, ગુજરાત).
  • આ ઓપન નેચરલ ઈકોસિસ્ટમ (ONE) માલધારી સમુદાય અને સ્થાનિક વનસ્પતિ-પ્રાણીસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન

પ્રશ્ન 1: પશ્ચિમ ભારતમાં વન્યજીવ સંરક્ષણના પ્રયાસોના સંદર્ભમાં 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (GIB)' એટલે કે 'ઘોરાડ' વારંવાર સમાચારોમાં જોવા મળે છે. આ પ્રજાતિ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

  1. હાલમાં ભારતમાં ઘોરાડની સૌથી વધુ જીવંત વસ્તી ગુજરાતના અર્ધ-શુષ્ક ઘાસના મેદાનોમાં જોવા મળે છે.
  2. તે એક લાંબા અંતરનું યાયાવર પક્ષી છે, જે કઠોર શિયાળાથી બચવા મધ્ય એશિયાથી ભારતીય ઉપખંડમાં પ્રવાસ કરે છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1         (B) ફક્ત 2           (C) 1 અને 2 બંને        (D) બંનેમાંથી એક પણ નહિ