Daily Current Affairs

57મી GST કાઉન્સિલ બેઠક: ITC, GST વિવાદો અને કર પાલન માટે 5-મુદ્દાનો સુધારા પ્લાન

By GS Team
8 Oct 20264 mins read
TukuTouch Logo
નવી દિલ્હીના ભારત મંડપમમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં 57મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં GST વિવાદોના નિરાકરણ, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સરળ પ્રવાહ અને કર પાલનનો સમય-ખર્ચ ઘટાડવા સહિત 5-મુદ્દાના સુધારા પ્લાન પર ચર્ચા થઈ હતી. GST વ્યવસ્થાને વધુ સરળ અને વ્યવસાય-અનુકૂળ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

57મી GST કાઉન્સિલ બેઠક: ITC, GST વિવાદો અને કર પાલન માટે 5-મુદ્દાનો સુધારા પ્લાન

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે 57મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં GST વ્યવસ્થાને વધુ સરળ અને વ્યવસાય-અનુકૂળ બનાવવા માટે GST વિવાદોના ઉકેલ, ઇનપુટ ટેક્સ ક્રેડિટના સરળ પ્રવાહ તથા કર પાલનનો સમય અને ખર્ચ ઘટાડવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય અને ‘ફાઇવ-પ્રોંગ્ડ પ્લાન’

GST વિવાદોના ઉકેલ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના સરળ પ્રવાહ અને કર પાલનનો સમય તેમજ ખર્ચ ઘટાડવા માટે નાણા મંત્રાલય દ્વારા 5-મુદ્દાનો સુધારા પ્લાન રજૂ કરવામાં આવી રહ્યો છે:

  1. પ્રક્રિયાગત સુધારા: ખરીદનાર અને વેચનાર વચ્ચે ઓટોમેટિક ઇન્વોઇસ મેચિંગ સિસ્ટમ.
  2. માળખાકીય સુધારા: પ્રક્રિયાઓનું ઓટોમેશન અને વહીવટી અવરોધો દૂર કરવા.
  3. ઇઝ ઓફ લિવિંગ એન્ડ ડૂઇંગ બિઝનેસ: નાના વેપારીઓ માટે રિટર્ન ફાઇલ કરવાની ફ્રીક્વન્સીમાં ઘટાડો, નાના વ્યવસાયો માટે મલ્ટિ-સ્ટેટ રજિસ્ટ્રેશનની અનિવાર્યતા દૂર કરવી અને ITC મેળવવા માટેની કાગળની પ્રક્રિયા સરળ બનાવવી.
  4. સેવાઓની નિકાસ : સેવા ક્ષેત્રના નિકાસકારો માટે નિયમો સુગમ બનાવવા.
  5. ઈ-કોમર્સ : ઈ-કોમર્સ ક્ષેત્રે ટેક્સ પ્રક્રિયાઓનું સરળીકરણ.

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)

GST એ ભારતમાં વસ્તુઓ અને સેવાઓના પુરવઠા પર લાગતો ગંતવ્ય આધારિત, પરોક્ષ અને બહુ-સ્તરીય કર છે.  

  • આ એક મૂલ્યવર્ધિત કર (VAT) છે જેણે કેન્દ્ર અને રાજ્યો દ્વારા અગાઉ લાદવામાં આવતા અનેક પરોક્ષ કરને બદલ્યા છે.
  • GST માટેનું 122મું બંધારણીય સુધારા વિધેયક, 2014 સંસદમાં પસાર થયા બાદ 101મો બંધારણીય સુધારો અધિનિયમ, 2016 બન્યો. ત્યારબાદ 1 જુલાઈ 2017થી સમગ્ર દેશમાં GST અમલમાં આવ્યો. 

GSTના મુખ્ય હેતુઓ

①  એક રાષ્ટ્ર - એક કર - એક બજાર: ભારતમાં એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવું.

② કેસ્કેડીંગ અસર દૂર કરવો: કર પર કર એટલે કે એક કર પર ફરી કર લાગવાની અસર ઘટાડી અને તૈયાર વસ્તુની કિમત ઘટાડે. 

③ કર માળખું સરળ બનાવવું:  ઘણા પરોક્ષ કરોની જગ્યાએ એકીકૃત વ્યવસ્થા.

④ અનુપાલન વધારવું: ડિજિટલ નોંધણી, રિટર્ન ફાઇલિંગ, ઇ-વે બિલ વગેરે દ્વારા કર પાલન સુધારવું.

⑤ કર આધાર વધારવો: વધુ વ્યવસાયો કર વ્યવસ્થામાં આવે.

⑥ પારદર્શિતા: વ્યવહારોનું ડિજિટલ રેકોર્ડ હોવાથી પારદર્શિતા વધે.

⑦ સહકારી સંઘવાદ: કેન્દ્ર અને રાજ્યો મળીને GST સંબંધિત નિર્ણય લે છે.

GST અંગે કાયદો બનાવવાની વિશેષ સત્તા 

Article 246A સંસદ અને રાજ્ય વિધાનસભાઓને GST અંગે કાયદો બનાવવાની સત્તા આપે છે. પરંતુ આંતર-રાજ્ય સપ્લાય સંબંધિત GST માટે સંસદ ને વિશિષ્ટ સત્તા છે.

GSTના પ્રકાર

ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના GST છે - કેન્દ્રીય વસ્તુ અને સેવા કર (CGST) માં કેન્દ્ર સરકારનો હિસ્સો હોય છે અને રાજ્ય વસ્તુ અને સેવા કર (SGST) માં રાજ્ય સરકારનો હિસ્સો હોય છે જ્યારે સંકલિત વસ્તુ અને સેવા કર (IGST) આંતર-રાજ્ય સપ્લાય પર લાગુ થાય છે, જે કેન્દ્ર સરકાર વસૂલ કરે છે અને ત્યારબાદ આવક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાય છે. 

ઇનપુટ ટેક્સ ક્રેડિટ સિસ્ટમ 

વેપારી કે વ્યવસાયીએ માલ અથવા સેવા ખરીદતી વખતે ચૂકવેલો GST, પોતાની વેચાણ પર ચૂકવવાના GST (Output Tax) સામે ઘટાડવાની કે સરભર કરવાની સુવિધાને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સિસ્ટમ કહે છે. પરંતુ વ્યક્તિગત ઉપયોગ માટેની  વસ્તુઓ અને સેવાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી હોતી નથી.

GST કાઉન્સિલ

બંધારણના અનુચ્છેદ 279A હેઠળ સ્થાપિત GST કાઉન્સિલ, કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે અને તે GST નીતિનિર્માણ અને દર નિર્ણયો માટે પ્રાથમિક સંસ્થા છે.

રચના: કેન્દ્રીય નાણામંત્રી GST કાઉન્સિલના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ હોય છે, જ્યારે મહેસૂલ અથવા નાણાંના પ્રભારી કેન્દ્રીય રાજ્યમંત્રી સભ્ય હોય છે. આ ઉપરાંત, દરેક રાજ્ય સરકાર તરફથી નાણાં અથવા કરવેરાના પ્રભારી મંત્રી અથવા રાજ્ય સરકાર દ્વારા નામાંકિત અન્ય કોઈ મંત્રી સભ્ય તરીકે હોય છે. હાલમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ GST કાઉન્સિલના અધ્યક્ષ છે. 

નિર્ણય પ્રક્રિયા: GST કાઉન્સિલમાં કોઈપણ નિર્ણય લેવા માટે ઉપસ્થિત અને મતદાન કરતા સભ્યોના 3/4મા ભાગની (75%) બહુમતી જરૂરી છે (જેમાં કેન્દ્ર સરકારનું વજન 1/3 અને તમામ રાજ્યોનું મળીને 2/3 હોય છે). 

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

પ્રશ્ન 1: GST વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કરની કેસ્કેડિંગ અસરને દૂર કરે છે અને એક રીતે તૈયાર વસ્તુઓની કિંમત ઘટાડવામાં મદદ કરે છે.

2. વ્યક્તિગત ઉપયોગ માટે વસ્તુઓ અને સેવાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી નથી.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

પ્રશ્ન 2: ભારતમાં જીએસટી (GST)કાઉન્સિલ વિષે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?

(A) ભારતના કેન્દ્રીય નાણાપ્રધાન જીએસટી (GST) કાઉન્સિલના અધ્યક્ષ છે.

(B) રાજ્યના નાણાપ્રધાનો જીએસટી (GST) કાઉન્સિલના સભ્યો છે.

(C) જીએસટી (GST) કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન કરે છે.

(D) જીએસટી (GST) કાઉન્સિલ રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી.

પ્રશ્ન 3: જીએસટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભારતમાં જીએસટી (GST)નો અમલ એ લાંબા ગાળે મોંઘવારી ઘટાડશે.

2. ભારત સહિત GST ધરાવતા મોટાભાગના દેશોમાં ફક્ત એક એકીકૃત જીએસટી (GST) વ્યવસ્થા છે.

ઉપરોક્ત વિધાન/વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) એક પણ નહિ

પ્રશ્ન 4: નીચેનામાંથી કયો GSTનો મુખ્ય ઉદ્દેશ્ય છે?

(A) વિદેશી વસ્તુઓની કિંમત વધારીને સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવું

(B) ટકાઉ વસ્તુઓની કિંમતમાં વધારો અને નાશવંત વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવો

(C) કાચા માલના તબક્કાથી અંતિમ ઉત્પાદન સુધી વારંવાર કર ચૂકવવાનું ટાળવું

(D) સ્થાનિક અને રાજ્ય સરકારોની કર આવકમાં વધારો કરવો