દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પથ્થરમારો: પોલીસ સાથે ઘર્ષણ થતાં ટિયર ગેસના શેલ છોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Tribal Day Dahod Clash: આજે રવિવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં ભારે બબાબ થઈ હતી. ગોધરા રોડ પર આવેલા મુવાલિયા ચાર રસ્તા પર આ ઘટના બની હતી. ડીજે સંગીત અંગે પોલીસ સાથે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન અમુક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારાની આ ઘટના બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટના દરમિયાન અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાના પગલે સુરક્ષા વધારી દેવાતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ પર પોલીસનો આરોપ
પોલીસના દાવા મુજબ, 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવીને દાહોદના ગોધરા રોડ તથા ઝાલોદ રોડ પર રેલી કાઢવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ પૂજા થઈ હતી અને ત્યારબાદ રેલી પોતાના નિયમોનુસાર નિર્ધારિત માર્ગ પર ચાલતી હતી. લગભગ 2 વાગ્યાની આસપાસ રેલીએ પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી લીધો હતો. તે પછી મુવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવીને પોતાના પ્રાઇવેટ વાહનો તથા ડીજે દ્વારા રસ્તો જામ કરી દીધો હતો. આ રસ્તા જામના કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસો ફસાઈ ગઈ હતી.

પોલીસે સમગ્ર ઘટના અંગે કહ્યું કે-
આ પરિસ્થિતિ સર્જાતા પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને વારંવાર સમજાવીને રેલીની ગરિમા જાળવવા, રસ્તો ખુલ્લો કરવા અને પોતે આગળની કાર્યવાહી કરે તેવું સમજાવવામાં આવ્યું હતું. છતાં પણ લોકોએ વાત ન માનતાં અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે વારંવાર લગભગ અડધીથી પોણી કલાક સુધી સમજાવટના પ્રયાસો કર્યા હતા. તેમ છતાં લોકો માન્યા ન હતા અને હલ્લાબોલ કરવા લાગ્યા હતા. આથી પોલીસ દ્વારા નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા.
વીડિયો રેકોર્ડિંગ અને તપાસ આધારે કાયદાકીય કડક પગલાં
પોલીસે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી વોર્ન કેમેરામાં અને અન્ય સ્થળો પર રેકોર્ડિંગ કરવામાં આવેલું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આદિવાસી સમાજ દ્વારા યોજાયેલી મુખ્ય રેલી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં, સાંસ્કૃતિક પરંપરા મુજબ ઢોલ-નગારા સાથે આનંદપૂર્વક આગળ વધી રહી છે.

ઈજા અંગેની વિગતો અને સીસીટીવી તપાસ
પોલીસના દાવા અનુસાર, આ ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું હોવાનું સામે આવ્યું નથી. તેમ છતાં, ઘટનાસ્થળ પર હાજર સ્ટાફના અહેવાલો, તમામ કેમેરાના ફૂટેજ અને સીસીટીવીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ તપાસમાં અન્ય વિગતો બહાર આવશે.









