દાહોદ: અનવરપુરા ગામે 23 વર્ષીય માતાએ બે માસૂમ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dahod News: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામેથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં એક 23 વર્ષીય પરિણીત માતાએ પોતાની બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. એકસાથે ઘરના ત્રણ સભ્યોના મોતના પગલે કલારા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
અગમ્ય કારણોસર પરિણીતાનું આપઘાતનું પગલું
મળતી માહિતી અનુસાર, ઝાલોદના અનવરપુરા ગામમાં રહેતી 23 વર્ષીય સુનીતાબહેન કલારાએ 16મી જુલાઈની રાત્રે કોઈ અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું હતું. તેણે પોતાની બે માસૂમ દીકરીઓ પ્રાચી (ઉંમર 3 વર્ષ) અને વંશી (ઉંમર દોઢ વર્ષ) સાથે ગામમાં જ આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને આ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડે ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઝાલોદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કૂવામાંથી માતા સુનીતાબહેન અને બંને માસૂમ બાળકીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કૂવામાંથી ત્રણેયના મૃતદેહ બહાર નીકળતા જ ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે તાત્કાલિક સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ મામલે ઝાલોદ પોલીસ મથકે અકસ્માત મોતના ગુના હેઠળ નોંધ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 23 વર્ષીય માતાએ કયા કારણોસર પોતાની વ્હાલસોયી દીકરીઓ સાથે આવું પગલું ભરવું પડ્યું, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.









