Chitralok

ઝિન્નત અમાન: યુવાનીમાં સેક્સી સ્ટાર, ઘડપણમાં ઈન્સ્ટાગ્રામ સ્ટાર

By GS Team
3 Sep 20264 mins read
ઝિન્નત અમાન: યુવાનીમાં સેક્સી સ્ટાર, ઘડપણમાં ઈન્સ્ટાગ્રામ સ્ટાર
  • 'પંચોત્તેર વરસની ઉંમરે હું યુવાન હોવાનો ડોળ કરવા નથી માગતી. એ પુરવાર કરવાનો પણ મારો પ્રયાસ નથી કે, 'સેવન્ટી ફાઈવ ઈઝ ન્યુ ફોર્ટી ફાઈવ.' આ ઉંમરે હું જેવી છું તેવી જ બની રહેવામાં મને વધુ રસ છે.'

ઘરડું થવું મોટા ભાગના લોકોને ગમતું નથી. એ એક નિર્વિવાદ સત્ય છે. ખાસ કરને સ્ત્રીઓને કોઈ એમની ઉમર પૂછે કે જાણે એ ગમતું નથી. યુવાન દેખાવા લોકો કોસમેટિક સર્જરી કરાવે છે, હેર કલર કરે છે વગેરે વગેરે . નવાઈની વાત એ છે કે સિત્તેરના દાયકાની હિન્દી સિનેમાની સૌથી સેક્સી હિરોઈન ઝિન્નત અમાન એમાં એક સુખદ અપવાદ છે. આ નવેમ્બરમાં ઝિન્નત ૭૫ વરસની થશે અને એ વિશે વાત કરવાનો એને રતીભાર સંકોચ નથી. એ હેર કલર કરતી નથી અને ચાલતી વખતે કોઈના હાથનો ટેકો લેતાં પણ શરમાતી નથી. એકલા હાથે હિન્દી ફિલ્મોની હિરોઈનની રૂઢિગત ઈમેજ બદલી નાંખનાર એક્ટરની વૃદ્ધાવસ્થા વિશે એક જુદી જ ફિલ્સૂફી છે.
એક અંગ્રેજી દૈનિકને આપેલી મુલાકાતમાં ઝિન્નત પાકટ વય વિશે પોતાના વિચારો શેયર કરતા કહે છે, 'પંચોત્તેરની થયા બાદ હું યુવાન હોવાનો ડોળ કરવા નથી માગતી. એ પુરવાર કરવાનો પણ મારો પ્રયાસ નથી કે સેવન્ટી ફાઈવ ઈઝ ન્યુ ફોર્ટી ફાઈવ. હું પંચોતેરની થવાની છું અને મને એ ગમે છે. વૃદ્ધાવસ્થા કોઈને માટે નિષ્ફળતા નથી. તમે નસીબદાર હો તો તમને ઘરડાં થવાનું સૌભાગ્ય મળે. મને નથી લાગતું કે સ્ત્રીઓએ વૃદ્ધ થવા વિશે મનમાં કોઈ અપરાધ-ભાવ રાખવો જોઈએ. સૌ જાણે છે કે ઉંમર વધવા સાથે વ્યક્તિને ઘણી આઝાદી મળે છે. સમાન શું કહેશે એ જાણવામાં એને રસ નથી રહેતો એને તો પોતાના વિશે પોતે શું માને છે જાણવામાં જ રૂચિ રહે છે.'
નવાઈની વાત એ છે કે ઝિન્નતને ઉગતી પેઢી એની 'ડોન', 'હરે રામ, હરે કૃષ્ણ',કે 'કુર્બાની' જેવી સુપર હિટ ફિલ્મો કરતા એની ઈન્ટાગ્રામ પરની પોસ્ટને કારણે વધુ ઓળખે છે. પ્રસિદ્ધિના આ બદલાયેલા સ્વરૂપનો અભિનેત્રી જાત અનુભવ કરી રહી છે. ઈસ્ટાગ્રામ પરની એની પોસ્ટમાં વર્તાતી પ્રમાણિકતા, ઉષ્મા અને એની વાત મુકવાની ઢબે જેન ઝીના દિલ જીતી લીધા છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું હતું કે ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધાના દાયકાઓ બાદ સોશ્યલ મિડીયા તમને નવી પેઢી સાથે જોડવાનું આટલું સરસ માધ્યમ પુરું પાડશે. એવું પૂછાતા ઝિન્નત જવાબમાં ઘણું બધું બોલી ઉઠે છે, 'મને તો ક્યારેય સપનામાં પણ એવો વિચાર નહોતો આવ્યો. મારા પુત્રોએ મને ઈન્ટાગ્રામ પર આવવા સમજાવી ત્યારે મનમાં ખરેખર તો એવો વિચાર આવ્યો હતો કે હું આ પ્લેટફોર્મ પર શું ઉકાળીશ? મેં ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે મારી ફિલ્મો રિલીઝ થયાના દાયકાઓ બાદ જન્મેલા યુવાનોને મારી વાત સાંભળવામાં રસ પડશે. મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે મારુ જેન ઝી સાથેનો નાતો માત્ર નોસ્ટેલ્જિયા (જુના સંસ્મરણો) પુરતો સીમિત નથી. યુવાનો જીવન વિશેના મારા વિચારોને પણ રિસ્પોન્સ આપે છે. તેઓ પ્રશ્ન કરે છે, મારી સાથે અસંમતિ દર્શાવે છે અને પોતાના અનુભવો પણ મને કહે છે. અમારી વચ્ચે વાસ્તવિક વાર્તાલાપ ચાલે છે. આમેય મારે મારા એકાઉન્ટને માત્ર જુની તસવીરોની ગેલેરી બનવા નહોતી દેવી. મારે તો એના મારફત હું જે ખરેખર માનું છું એ વ્યક્ત કરવું હતું અને કદાચ પાકટ વય મને એમાં મદદરૂપ થઈ.
'આ ઉંમરમાં તમને દરેકને રાજી રાખવાની ફિકર નથી રહેતી. તમને તમે જેવા છો એવા જ બની રહેવામાં વધુ ઈન્ટરેસ્ટ હોય છે. તમે તમારી વાત ઈમાનદારીથી કહો છો અને ખાસ કરીને યુવાનો એ પ્રામાણિકતાને જલ્દી ઓળખી લે છે. એમને મારા પેજ પર ૧૯૭૮માં મારા જુના ફોટા જોવાની સાથોસાથ ૨૦૨૬માં હું શું લખું છું એ વાંચવામાં પણ મજા પડે છે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે?'
ઈન્ટરવ્યુમાં વચ્ચે વચ્ચે વૃદ્ધાવસ્થા વિશેની પોતાની યુવાન ફિલ્સૂફી શેયર કરતાં જીવનના ઘણાં ગુંઝાત સહન કરનાર ઝિન્નત કહે છે, 'જો આ વયે હું સક્રિય રહી મને ગમે એવા ડ્રેસ પહેરી શકતી હોઉ, મારા વિચારો મુકી શકતી હોઉં, અને ક્યારેય ઈન્સ્ટાગ્રામ પર હાસ્યાસ્પદ બની જતી હોઉ અને મારામાંથી પ્રેરણાં લઈ કોઈ મહીલા પોતાની લાઈફમાં એક્ટિવ બનીજાય તો મને ખરેખર આનંદ થાય. દુનિયા એમ કહેતી હોય કે બધે યુવાનોની જ બોલબાલા છે, તો એ સાંભળીને તમારે ઘરમાં પુરાઈ રહેવાની જરૂર નથી, તમારે હજુ ઘણું, જીવવાનું બાકી છે, તો મસ્તીથી જીવો.'