Chitralok

શ્રધ્ધા કપૂર આગામી ફિલ્મની નિર્માત્રી બનીને ભાગ પડાવશે?

By GS Team
28 Aug 20264 mins read
શ્રધ્ધા કપૂર આગામી ફિલ્મની નિર્માત્રી બનીને ભાગ પડાવશે?
  • શ્રદ્ધા કપૂર ૨૦ કરોડ રૂપિયાની ફી લઈને પોતાની ફિલ્મને બોજ તળે લાદી દેવા માગતી નથી. જોકે 'ઇઠા' નામની ઔર એક આગામી ફિલ્મ માટે તેણે ૧૨થી ૧૫ કરોડની ફી જરૂર વસૂલી છે

હોલિવુડના ટોચના સ્ટાર્સ તેમજ સ્ટાર બનવાના માર્ગે આગળ વધી રહેલા કલાકારો ફિલ્મ સર્જકો પાસેથી તોતિંગ ફી લેતાં જરાય ખચકાતા નથી. અમુક અભિનેતા કે અભિનેત્રીના મહેનતાણાની જંગી રકમ જોઈને સામાન્ય માણસની આંખો પહોળી થઈ જાય. આમ છતાં, આજના અસ્થિર આથક માહોલમાં આ કલાકારો સારી રીતે સમજી ગયા છે કે ફિલ્મ સર્જકો તેમને કાયમ મોંમાગી ફી આપવા તૈયાર નહીં થાય. આવી સ્થિતિમાં તેમણે સીધી ફી ઘટાડીને પાછલે બારણેથી પોતાના સ્ટારડમની કિંમત વસૂલવા માંડી છે. કહેવાનો અર્થ એ છે કે તેઓ નિર્માતા સાથે એવો સોદો કરે છે જેથી તેમને ફિલ્મના આઈપીઆર (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ)માં મોટો હિસ્સો મળે. આ પ્રકારના બિઝનેસ સોદા કરવામાં એક્શન-કોમેડી સ્ટાર અક્ષયકુમાર પાવરધા છે. તેમણે કંડારેલી આ કેડી પર હવે બોલિવુડના અન્ય ટોચના કલાકારો પણ ચાલવા લાગ્યા છે.
થોડા સમય પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે પોતાના નામની જંગી ફી વસૂલનાર અક્ષયકુમારે પોતાની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' માટે માત્ર રૂ. ૧.૮ કરોડનું મામૂલી મહેનતાણું લીધું હતું. જ્યારે આ સિનેમાનું પ્રમોશન ચાલી રહ્યું હતું ત્યારે અક્ષયને એક પત્રકારે સીધો જ પ્રશ્ન પૂછી લીધો કે શું આ વાત સાચી છે?
આના જવાબમાં અક્ષયે બિરબલ જેવો રમૂજી ઉત્તર આપતાં કહ્યું હતું કે, 'મેં ૧.૮ કરોડ નહીં, માત્ર એક રૂપિયો જ ફી પેટે લીધો છે.' તે વખતે પત્રકારનું મોઢું તો સિવાઈ ગયું, પરંતુ ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે અક્ષયે દેખીતી રીતે કેટલું મહેનતાણું લીધું એ વાત બાજુએ રાખીએ, તો પણ તેણે આ ફિલ્મના નિર્માણ માટે લગભગ પૂરેપૂરી નાણાકીય વ્યવસ્થા કરી આપી હતી. સાથે સાથે તેણે ફિલ્મના ઓટીટી, સેટેલાઇટ, ઓડિયો તેમજ અન્ય ડિજિટલ રાઇટ્સના વેચાણમાં પણ સક્રિય સહાય કરી હતી અને તેના બદલામાં બહુ હોંશિયારીપૂર્વક ફિલ્મના નફામાંથી ૭૨ ટકા જેટલો મોટો હિસ્સો પોતાના નામે કરાવી લીધો હતો. એટલું જ નહીં, અન્ય ૮ ટકા જેટલો ભાગ તેણે પોતાના પ્રોડક્શન હાઉસના નામે રાખ્યો હતો. આમ કુલ મળીને નફામાંથી અક્ષયના હિસ્સામાં ૮૦ ટકા અને મૂળ નિર્માતાના ભાગમાં માત્ર ૨૦ ટકા કમાણી આવી.
આ મુદ્દે બોલિવુડના અન્ય સુપરસ્ટાર સલમાન ખાનની વાત કરીએ તો એવી ચર્ચા વહેતી થઈ હતી કે તેણે આગામી 'એસવીસી ૬૩' માટે નિર્માતાઓ પાસેથી માત્ર રૂ. ૭૦ કરોડ જ લીધા છે, કારણ કે આ ફિલ્મના નિર્માતા તેના અંગત મિત્ર છે. જોકે પછીથી આ અહેવાલોને ફિલ્મ સર્જકો તરફથી સત્તાવાર રીતે નકારી કાઢવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દે જે આંકડા ચર્ચાઈ રહ્યા છે તે માત્ર અટકળો છે અને તેઓ ફિલ્મની કોમશયલ ટર્મ્સ જાહેર કરવા માંગતા નથી. સાથે જ તેમણે મીડિયાને અપીલ કરી હતી કે કંઈપણ છાપતાં પહેલાં તેની યોગ્ય ચકાસણી કરી લેવી.
હવે જો આપણે તેમના આ જવાબમાંથી 'કમશયલ ટર્મ્સ' શબ્દો પર ધ્યાન આપીએ તો તે ઘણું બધું કહી જાય છે. ટૂંકમાં, સલમાન ખાન હોય કે પછી રણવીર સિંહ, અજય દેવગણ, અક્ષયકુમાર કે અન્ય કોઈ મોટા કલાકાર, તેઓ સીધી રીતે મોટી રકમ ન વસૂલે તો પણ આઈપીઆર જેવા પાછલા બારણેથી ફિલ્મના નફામાંથી જંગી હિસ્સો પોતાના નામે સુનિશ્ચિત કરી લે છે.
હવે આ કલાકારોની યાદીમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ ઉમેરાયું છે. ચર્ચા મુજબ, શ્રદ્ધાએ તેની ફિલ્મ 'ઈઠા' માટે રૂ. ૧૨થી ૧૫ કરોડ જેટલી ફી વસૂલી હતી અને હવે તે પોતાની આગામી ફિલ્મ માટે રૂ. ૨૦ કરોડ જેટલું મહેનતાણું લેવાની છે. તેની આગામી ફિલ્મ 'શાર્ક ટેંક ઇન્ડિયા'ના પૂર્વ જજ અશનીર ગ્રોવરની બાયોપિક છે, જેમાં શ્રદ્ધા અશનીરની પત્ની માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મની પટકથા અને દિગ્દર્શનનો હવાલો સ્ક્રીનરાઇટર રાહુલ મોદી સંભાળી રહ્યો છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે શ્રદ્ધા આ ફિલ્મને પોતાની રૂ. ૨૦ કરોડ જેટલી તોતિંગ ફીના બોજ હેઠળ દબાવવાને બદલે પ્રોજેક્ટમાં કો-પ્રોડયુસર બની જશે અને મહેનતાણાના બદલામાં ફિલ્મના આઈપીઆરમાંથી પોતાનો નફાનો ભાગ મેળવશે.
જોકે અભિનેત્રી તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેથી આ બાબતે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ જ અપનાવવી રહી..