Chitralok

નાનાએ જ્યારે પોતાના જિગરી દોસ્ત અશોક સરાફનો જીવ બચાવ્યો...

By GS Team
22 Oct 20263 mins read
નાનાએ જ્યારે પોતાના જિગરી દોસ્ત અશોક સરાફનો જીવ બચાવ્યો...

નાના પાટેકરને દરેક ક્ષેત્રના અગ્રણીઓએ અંજલિ આપી છે. એમાં મરાઠી રંગમંચ અને મરાઠી-હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અશોક સરાફની શ્રદ્ધાંજલિ સૌથી વિશિષ્ટ છે. એટલા માટે કે સરાફ અને પાટેકર દાયકાઓથી ગાઢ મિત્રો હતા. બન્નેએ ઘણી લીલી-સૂકી સાથે જોઈ છે. એક પુતિષ્ઠિત મરાઠી દૈનિક સમક્ષ પોતાની લાગણીઓ ઠાલવતા અશોક સરાફ કહે છે, 'મારા જીવનની એક સૌથી દુ:ખદ બીના બની છે. મારો સૌથી નજીકનો જિગરજાન દોસ્ત અચાનક ચાલી નીકળ્યો. આ આઘાતજનક સમાચાર હજુ પણ માન્યામાં નથી આવતા. આટલો ફિટ, શિસ્તબદ્ધ અને પોતાની હેલ્થની કાળજી રાખનારો માણસ ઓચિંતો ચાલ્યો જશે એવી કલ્પના પણ થઈ નથી. પોતાનું બોડી બનાવ્યું હતું. પોતાના સ્વાસ્થ્યનું એ બહુ ધાયન રાખતો.
મારી અને નાનાની મૈત્રી ખૂબ જૂની. અમે લગભગ સાથે જ અભિનય કારકિર્દી શરૂ કરી. 'હમીદાબાઈચી કોઠી' નામના મરાઠી નાટકથી મેં એની યાત્રા નજીકથી જોઈ છે. એ ડ્રામામાં નાનાએ ભજવેલી દલાલની ભૂમિકા હજીય મારી આંખ સામે તરવરે છે. એ પાત્રને સ્ટેજ પર જીવંત બનાવવા નાના પોતાના અભિનયમાં જે બારીકીઓ લાવતો એ જોઈ અમે બધા છક થઈ જતા. અભિનયના જોરે એ માણસ ક્યાં ક્યાં પહોંચ્યો. એણે એક્ટિંગમાં પોતાની એક સ્વતંત્ર શૈલી વિકસાવી. સાવ સીધાસાદા રોલમાં પણ એ કાંઇક નોખું લઈ આવતો. કોમેડી હોય કે સિરીયસ રોલ દરેકને એ પોતાની રીતે જીવંત બનાવી દેતો.
નાનાનો સ્વભાવ જેટલો સરલ હતો એટલો જ ઉગ્ર હતો. પોતાને કાંઈ ગમે કે ન ગમે એ બધું મોઢામોઢ કહી દેતો. એને લીધે ઘણાંને નાનાનો સ્વભાવ ક્રોધી અને અભિમાની લાગતો. પરંતુ દિલથી એ બહું સૌમ્ય અને પ્રેમાળ વ્યક્તિ હતો. સમય આવે બધાની મદદે દોડી જાય. કોઈ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું લાગે ત્યારે નાના શાંત બેસી નહોતો શકતો. એ ફટ થઈને બોલી દેતો. સ્વભાવમાં સચ્ચાઈ એ જ એની સાચી ઓળખ હતી.
નાના સાથેની દોસ્તીની અનેક યાદો સચવાયેલી પડી છે. એક ઘટના યાદ આવે છે. એ દિવસોમાં અમે 'હમીદાબાઈચી કોઠી' નાટક મહારાષ્ટ્રના ગામેગામ જઈ ભજવતા. એક ગામમાં કોઈક કારણોસર નાટકનો પ્રયોગ રદ થયો અને પ્રેક્ષકો તોફાને ચડયા. થિયેટરની ખુરશીઓનો ખુદ્દો બોલાવ્યો, પોસ્ટરો ફાડી બધાના રોલનો ટાર્ગેટ હું હતો. લોકો મને મારી મારીને ધોઈ નાકવાના મૂડમાં છે અને મારા તરફ ધસી રહ્યા છે એ જોઈને નાનાએ રીતસર મને તેડી લીધો અને થિયેટરની બાજુથી મને બહાર કાઢ્યો. અમે ટોળાથી બચવા દોટ મૂકી. નાનાએ એક રિક્ષા રોકી મને સલામત એક રેસ્ટ હાઉસમાં પહોંચાડયો. એ દિવસે નાનાએ મારો જીવ બચાવ્યો એવું હું આજે પણ માનું છું, એ ઘટના કદી વિસરાશે નહીં.
બધાની જેમ નાના પણ મને 'મામા' કહીને બોલાવતો. મળે ત્યારે મારા હાથપગ દબાવવા માંડે. ફિલ્મોનો જાણીતો એક્ટર બન્યા બાદ પણ એની ચંપી-માલિશ ચાલુ જ રહી. હું ના પાડું તો પણ એ માને નહીં. નાનાની આત્મીયતા અને પ્રેમ આવી નાની-નાની વાતોમાં વર્તતો. છેલ્લા થોડા વરસોમાં અમે નિયમિત રીતે મળી નહોતા શકતા. કોઈક પ્રોગામમાં ભેગા થઈ જઈએ અથવા ફોન પર વાત થાય. મુલાકાતો ભલે ઓછી થઈ પણ અમારી મૈત્રીમાં ક્યારેય ઓટ ન આવી, એ એવીને એવી જ અડીખમ રહી.