અલ્લુ અર્જુને એવો તે કેવો બફાટ કર્યો કે જોરદાર વિવાદ થઈ ગયો?

- 'હું તમને એક વાત પૂછું - તમારી પાસે ૧૦૦ રૂપિયા હોય તો તમે તમને ન ગમતી ચીજ પર એ ખર્ચો ખરા? ચોક્કસપણે ન જ ખર્ચો. માટે તમને જે ગમતું હોય તેને જ તમારો સમય આપો. જો તમને કોઈ છોકરી ગમતી હોય તો તેના ઘરની સામે જઈને ઊભા રહી જાવ.'
ક્યારેક અતિ ઉત્સાહમાં આવીને માણસ ન બોલવાનું બોલી નાખે છે અને ત્યારબાદ જીભ કચડવા બદલ પસ્તાવાનો વારો આવે છે. સેલિબ્રિટીઝ પણ આવેગમાં આવીને અજાણતા આવી ભૂલ કરી બેસે છે. એનો તાજો દાખલો તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો આપી શકાય. તાજેતરમાં 'પુષ્પા' ફેમ આ એક્ટરે હૈદરાબાદમાં યોજાયેલી એક મોટી ફેન ઇવેન્ટમાં પોતાના ફેન્સને છોકરીઓનો પીછો કરવાની (સ્ટોકિંગની) અણછાજતી સલાહ આપીને નકામો વિવાદ વહોરી લીધો છે. અર્જુન ભલે મજાકમાં આવું બોલી ગયો હોય, પણ લોકોએ તેની કમેન્ટ્સને સીરિયસલી લઈને સોશિયલ મીડિયા પર તેને બરાબરનો ટ્રોલ કર્યો હતો. ખાસ કરીને યુવાન છોકરાઓના માતા-પિતાએ તેના પર પોતાના સંતાનોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મૂકીને તેને આકરા શબ્દોમાં
સંભળાવ્યું હતું.
દર વર્ષે યોજાતી 'અલ્લુ અર્જુન ફેન એસોસિએશન સમિટ'માં હાજરી આપીને અલ્લુ તાજેતરમાં પોતાના હજારો ફેન્સને પ્રેમથી મળ્યો હતો. પોતાના ટિપિકલ બ્લેક ડ્રેસમાં સજ્જ 'પુષ્પા'એ ચાહકોનો અસીમ પ્રેમ વરસાવવા બદલ આભાર માન્યો હતો. ત્યારબાદ અલ્લુએ પોતાના ફેન્સની સાથોસાથ પોતાને ધિક્કારનારા લોકોને એક સ્પેશિયલ મેસેજ આપ્યો હતો. એ મેસેજમાં તેલુગુ ફિલ્મોના આ હાઈએસ્ટ પેઈડ સુપરસ્ટારે કહ્યું હતું, 'મારે ઘણા સમયથી મારા ફેન્સ, એન્ટી-ફેન્સ અને હેટર્સને કંઈક કહેવું હતું અને હું આવા જ કોઈ પ્રસંગની વાટ જોતો હતો. હવે હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. તમને કોઈ વ્યક્તિ ન ગમતી હોય તો તેને ધિક્કારવામાં અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં તમારો સમય ન બગાડો. તમને કોઈ પસંદ ન હોય તો તેને સાવ ભૂલી જાવ, તેના પર તમારો એક ટકો સમય પણ બરબાદ ન કરો. હું તમને એક વાત પૂછું- તમારી પાસે ૧૦૦ રૂપિયા હોય તો તમે તમને ન ગમતી ચીજ પર એ ખર્ચો ખરા? ચોક્કસપણે ન જ ખર્ચો. માટે તમને જે ગમતું હોય તેને જ તમારો સમય આપો. જો તમને કોઈ છોકરી ગમતી હોય તો તેના ઘરની સામે જઈને ઊભા રહી જાવ.'
પત્યું. અલ્લુ અર્જુને મજાકમસ્તીમાં કરેલી આ છેલ્લી કમેન્ટે જ તેના માટે મોટી મુસીબત ઊભી કરી દીધી હતી!









