Tv Talk

પ્રોડયુસર બનવું તે મારી ક્રિયેટિવિટીનો જ હિસ્સો છે: સુરભિ ચંદના
'ઇશ્કબાઝ' અને 'નાગિન-૫' જેવી સીરિયલોમાં પોતાના અભિનયની છાપ છોડનાર અદાકારા સુરભિ ચંદનાએ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું ત્યારે એવી ગુસપુસ ચાલી હતી કે તેને હવે કામ નથી મળી રહ્યું એટલે સુરભિએ નિર્માણ ક્ષેત્રે હાથ અજમાવ્યો છે. પરંતુ સુરભિ આ વાતને રદિયો આપતાં કહે છે કે મેં કામના અભાવે નહીં, બલ્કે મારી સર્જનાત્મકતાના વિકાસ માટે નિર્માત્રી તરીકેની ભૂમિકા અપનાવી છે. તે વધુમાં કહે છે કે અભિનય હમેશાંથી મારો પહેલો પ્રેમ હતો અને રહેશે. પરંતુ સમય સાથે મને નિર્માણમાં પણ રસ પડવા લાગ્યો હતો. મને સતત એવી અનુભૂતિ થતી હતી કે માત્ર વિવિધ પાત્રો ભજવવાને બદલે મારે વિભિન્ન કથાનકો રજૂ પણ કરવા જોઇએ. મને સર્જનાત્માકતાનું અથથી ઇતિ રજૂ કરવું હતું. મારા માટે નિર્માણ કયારેય બેકઅપ પ્લાન નથી રહ્યું. મને એમ પણ નથી લાગતું કે પ્રત્યેક કલાકારને બીજી કારકિર્દીની જરૂર હોય છે. જો તમે માત્ર અભિનય કરીને ખુશ રહી શકો છો તો તેમાં રમતા રહેવામાં કાંઇ ખોટું નથી. પણ મને નિર્માણમાં પણ રસ જાગ્યો અને હું તેમાં આગળ વધી. વળી આજની તારીખમાં ટીવી, ઓટીટી અને ફિલ્મો વચ્ચેની ભેદરેખા સાવ ઝાંખી પડી ગઇ છે. દર્શકોને સારા કન્ટેન્ટ જોવામાં રસ પડે છે. જો સારી સ્ટોરી જોવા મળતી હોય તો તેઓ માધ્યમને મહત્વ નથી આપતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરભિએ તેના પતિ કરણ શર્મા સાથે મળીને પોતાનું નિર્માણગૃહ શરૂ કર્યું છે. અને તેના તેમ જ એકતા કપૂરના સહિયારા બેનરો હેઠળ 'ઇશ્ક દમ ઇડલી રસમ' ધારાવાહિક રજૂ કરવામાં આવી છે. આ શોમાં દીપક માન, અભિષેક કુમાર, શાઇની દોશી મહત્વના કિરદાર અદા કરી રહ્યાં છે.
આંચલ જીએસ સિંહ: બધી વાતો કંઈ તરત શૅર કરી દેવાની ન હોય
પ્રેમની પણ કેવી વૈવિધ્યસભર વ્યાખ્યા હોય છે, તેની જાણ અભિનેત્રી આંચલ જીએસ સિંહે થોડા સમય પહેલા જ તેના ઘણાં સમયથી મિત્ર રહેલા એક ઇન્વેસ્ટર - રોકાણકાર મોહિત ચાવલા સાથે લગ્ન કર્યા તેની જાણ ઘણા સમયે થઈ. આ બંનેના લગ્ન જૂનના છેલ્લાં અઠવાડિયામાં થયા, પણ તેમણે હજુ થોડા દિવસ પહેલાં જ લગ્નની જાહેરાત લોકો સાથે શેર કરી.
આવું શા માટે કર્યું? એવો પ્રશ્ન તેને પૂછાયો તો તેણે જણાવ્યું, 'હું રિયલ-ટાઈમમાં બધુ શેર કરવાનું દબાણ ઇચ્છતી ન હતી. અમે તેને શેર કરવા માગતા હતા, પણ તેમાં કોઈ પ્રકારનું દબાણ ઇચ્છતા નહોતા, પરંતુ પહેલા અમારા મિત્રો અને પરિવારજનો સાથે અમારી જાદુઈ ક્ષણોને માણવા ઇચ્છતા હતા-તેમાં જીવવા ઇચ્છતા હતા.'
થોડા અઠવાડિયા થઈ ગયા છે, મારા લગ્ન થયાને આ સાથે જ આંચલ આ નવા તબક્કાને ખૂબ જ પસંદ કરી રહી છે. આ કોઈ નાટકીય પરિવર્તન નથી, પણ એક સરળ સંક્રમણ રહ્યું છે. અમે બંને ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ અને એકબીજાને દુ:ખ-તકલીફોમાંથી પસાર થતાં પણ જોયા છે. મોહિત મને આગળ વધવાની શક્તિ આપે છે અને મારા અસ્તિત્વમાં મૂલ્ય ઉમેરે છે. મારા પિતા હમેશાં મારી પડખે રહ્યા હતા અને મોહિત તે ધોરણ કોઈપણ બાબતથી ઉપર રાખે છે કે આ મારું વ્યક્તિત્વ છે, લગ્ન તો ફક્ત એક ટેગ છે, એમ આંચલ કહે છે. અમારા માટે મુસાફરી કરવાનો સમય છે. જીવન જીવો અને ફક્ત એક દંપતિ તરીકે સાથે વિકાસ કરો, એમ આંચલે સમાપન કરતાં જણાવ્યું છે.
છવિ પાંડે: કોલેજ રિયુનિયનમાં સ્કૂટર પર શાનદાર એન્ટ્રી
ટીવી પર આવતી ધારાવાહિકોને રસપ્રદ, ઉત્સાહપ્રેરક અને નાટકીય બનાવવા તેમાં ફિલ્મી રંગો ઉમેરવાનું ચલણ હવે સામાન્ય થઇ પડયું છે. ધારાવાહિક 'યાદેં'માં પણ તાજેતરમાં આવું જ કાંઇક જોવા મળ્યું. આ શોમાં અભિનેત્રી છવિ પાંડેની એન્ટ્રી 'ડૉ. પ્રીતિ દેશમુખ' તરીકે નોખા અંદાજમાં થઇ. ડૉ. પ્રીતિ દેશમુખ કૉલેજના રિયુનિયનમાં ચળકતા પીળા રંગના સ્કૂટર પર સવાર થઇને પ્રવેશી ત્યારે તેના ચહેરા પર ઉત્સાહ સમાતો નહોતો. આ રીતનો પ્રવેશ તેના આત્મવિશ્વાસુ અને નિર્ભય વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડતો હતો. છવિ કહે છે કે આ દ્રશ્યને જડબેસલાક રીતે રજૂ કરવા મેં ખાસ્સું રીહર્સલ કર્યું હતું. અને અમને તેનું ધાર્યું પરિણામ પણ મળ્યું ખરૃં કહું તો મારા માટે શોમાં આ રીતની એન્ટ્રી આજીવન સંભારણું બની રહેશે. મને રિયુનિયનમાં જોતાં જ હૉલમાં એક પ્રકારની ચમક આવી ગઇ.
તે વધુમાં કહે છે કે મારું ડૉ. પ્રીતિ દેશમુખનું પાત્ર આ સીરિયલના પ્રમુખ કિરદાર 'ડૉ. દેવ' (ઇકબાલ ખાન) અને 'ડૉ. શ્રૃષ્ટિ (ગુલકી જોશી) વચ્ચેના સમીકરણોને બદલવામાં મહત્વનું યોગદાન આપે છે. મારો રોલ કહાણીને આગળ ધપાવવાનું કામ કરે છે એ પણ મારા માટે એટલું જ અગત્યનું છે.









