મૌન જેવું શક્તિશાળી સાધન બીજું એકેય નથી: તાન્યા 'બિગ બોસ' મિત્તલ

- 'હું એટલી બધી કમાણી કરવા માગું છું કે હું મારા પતિને લાખ રૂપિયા આપી શકું. જો શક્ય હોય તો કરોડ પણ! હું તેને કાર, ઘર વગેરે ભેટમાં આપવા માગું છું.'
'બિગ બોસ-૧૯'માં કામ કર્યા પછી ઉદ્યોગ-સાહસિક અને રિયાલિટી ટીવી પર્સનાલિટી તરીકે વિખ્યાત બનેલી તાન્યા મિત્તલ હવે તો ઘરે-ઘરે જાણીતી બની ગઈ છે. જોકે રિયાલિટી સ્પેસમાં પાછા ફરવા માટે તે ઘણી ડરતી હતી. તેણે જણાવ્યું, 'મને લાગ્યું કે લોકો મારી પાસેથી ટીઆરપી ઇચ્છે છે. પછી ભલે તે માટે મને અપમાનિત કરવામાં આવે કે પછી ઉશ્કેરવામાં આવે.'
તાન્યાની માતા સુનીતાએ તેનામાં જુસ્સો ભરતા એવી પણ શીખ આપી કે 'જો તું બધી વસ્તુઓથી ડિસ્ટર્બ થતી રહીશ તો ક્યારેય આગળ આવી નહીં શકે. ડરનો મનને મક્કમ રાખી હિંમતથી સામનો કર. હું તારી પડખે ઊભી રહીશ.' તાન્યા એ વાત સ્વીકારે છે કે 'મા હૈ ના' શો દરમિયાન એક વેળા એવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી કે જ્યારે તેણે તેની માતાને આવી જ દુશ્મનાવટનો સામનો કરતા જોઈને છોડી દેવા માગતી હતી. 'હું માનસિક રીતે થાકી ગઈ હતી. હું શો ચાલુ રાખવા ઇચ્છતી નહોતી, પરંતુ મારી માતાએ મને હાર માનવાનો દ્રઢતાથી ઈનકાર કર્યો અને મને યાદ અપાવ્યું કે ભાગી જવાથી ક્યારેય લોકોને વાતો કરતા અટકાવી શકાશે નહીં.'
વારંવાર ઓનલાઈન ટીકાનો સામનો કર્યા પછી તાન્યા એવું વ્યક્ત કરે છે, 'મૌન એ જ શક્તિશાળી સાધન છે, જેને તમે અપનાવી શકો છો. લોકો માને છે કે મૌન મારી નબળાઈ છે, પરંતુ એવું નથી… મારા કરતાં વધુ કોઈને પૂછપરછ કરવામાં આવતી નથી છતાં તે મને અસર કરતું નથી કારણ કે હું જાણું છું કે હું મારા જીવનમાં શું કરી રહી છું. મોટાભાગની ટીકા લિંગ-પૂર્વગ્રહથી ઉદ્ભવે છે - આવે છે. મને સમજાયું છે કે હું લોકો માટે એટલી હદે હઠીલી છું કે તે બધુ પચાવી જાણું છું. લોકો સ્ત્રીઓને આ રીતે જીવતા જોવા માટે ટેવાયેલા નથી - ખાસ કરીને મહિલા વ્યાવસાયિક હોય, બોડીગાર્ડ્સ હોય કે સફળતા સાથે જીવન માણતી હોય.'
તાન્યા પોતાના ભાવિ પતિને આર્થિક રીતે ટેકો આપવા માગતી હોવાના વાઈરલ થયેલા નિવેદન પર પણ અડગ છે. આ સંદર્ભે તે કહે છે, 'હું એટલી બધી કમાણી કરવા માગું છું કે હું મારા પતિને લાખો રૂપિયા આપી શકું. જો શક્ય હોય તો કરોડ પણ! હું તેને કાર, ઘર અને તે જેનું સ્વપ્ન જુએ છે તે વધુ જ ભેટમાં આપવા માગું છું.'
ટીકા છતાં તાન્યા કહે છે કે 'તે ભવિષ્યમાં કામ માટે પસંદગીયુક્ત છે અને અર્થપૂર્ણ તકો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. હું ટીઆરપી કે કામ માટે સાવ મરી રહી નથી. 'બિગ બોસ-૧૯' પછી મેં ઘણી ઓફર ઠુકરાવી દીધી કારણ કે મને ફક્ત એવા પ્રોજેક્ટ જોઈએ છે જે મૂલ્ય ઉમેરે છે,' એમ તાન્યા વધુમાં ઉમેરે છે.









