થિયેટરોમાં અવિરત જાહેરાતોનો ત્રાસ: મનોરંજન કે પછી દર્શકોના સમયની લૂંટ?

- ટિકિટ ફિલ્મના મનોરંજનની, પણ બનવું પડે છે જાહેરાતોના બંધક
- જે સમય માત્ર મનોરંજન માટે ફાળવ્યો હતો, તે જાણે બ્રાન્ડ્સના પ્રચાર પાછળ ગીરવે મુકાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે આ મુદ્દો કાનૂની અદાલતો અને ગ્રાહક સુરક્ષા ફોરમ સુધી પહોંચી ગયો છે.
ઓડિટોરિયમમાં ધીમે ધીમે અંધારું છવાય છે. હાથમાં પોપકોર્નનું ટબ પકડીને દર્શક પોતાની સીટ પર આરામથી ગોઠવાય છે. આંખોમાં મોટા પડદા પર ફિલ્મ શરૂ થવાની ઉત્સુકતા હોય છે,પણ અચાનક સ્ક્રીન પર ચમકે છે એક પછી એક કમર્શિયલ જાહેરાતો. ક્યારેક પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ અને ક્યારેક તો વીસ મિનિટ સુધી આવી જાહેરાતો ચાલે. મસાલા, જ્વેલરી અથવા કપડાની જાહેરાતોનો સિલસિલો અટકવાનું જાણે નામ જ નથી લેતો. ટ્રેલર આવતા સુધીમાં તો દર્શકનો ઉત્સાહ અડધો ઓસરી ગયો હોય છે. જે સમય માત્ર મનોરંજન માટે ફાળવ્યો હતો, તે સમય જાણે બળજબરીપૂર્વક બ્રાન્ડ્સના પ્રચાર પાછળ ગીરવે મુકાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. હવે આ મુદ્દો માત્ર દર્શકોના કંટાળા પૂરતો સીમિત ન રહેતા કાનૂની અદાલતો અને ગ્રાહક સુરક્ષા ફોરમ સુધી પહોંચી ગયો છે.
હૈદરાબાદનો કિસ્સો અને ગ્રાહક ફોરમની લાલ આંખ
તાજેતરમાં હૈદરાબાદમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ શરૂ થવામાં આશરે બાવીસ મિનિટના અસહ્ય વિલંબથી નારાજ થયેલા એક જાગૃત દર્શકે મલ્ટિપ્લેક્સ સામે કન્ઝ્યુમર ફોરમમાં એક લાખ રૂપિયાના વળતરનો દાવો ઠોકી દીધો. જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ કમિશન ટુ સમક્ષ સિનેમા ચેઈન બાવીસ મિનિટના આ વિલંબને નકારી શકી નહિ કે ન તો કોઈ દલીલ સાબિત કરી શકી.
પરિણામે કમિશને આ અન્યાયી અને પ્રતિબંધિત વેપાર પદ્ધતિ બદલ મલ્ટિપ્લેક્સને દર્શકને થયેલી અસુવિધા પેટે વીસ હજાર રૂપિયા અને કાનૂની ખર્ચ પેટે રૂપિયા પાંચ હજાર ચૂકવવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત, ગ્રાહક કલ્યાણ ભંડોળમાં દંડાત્મક નુકસાની તરીકે વધારાના રૃા. પચાસ હજાર જમા કરાવવાનો આદેશ આપ્યો. સિનેમા ચેઈને બચાવમાં દલીલ કરી હતી કે સરકારી જનહિતની જાહેરાતો (પીએસએ) લોકોના હિત માટે હોય છે, પણ કમિશને સ્પષ્ટ કર્યું કે સરકારી માર્ગદર્શિકા મુજબ આવી જાહેરાતો માત્ર બે મિનિટ સુધી જ મર્યાદિત હોવી જોઈએ. આખો સમય તેના નામે વેડફી શકાય નહિ.
ટિકિટ પર ખરો સમય કેમ છાપવામાં નથી આવતો?
મોટાભાગના સિનેમાઘરો ટિકિટ પર ક્યારેય ફિલ્મ શરૂ થવાનો વાસ્તવિક સમય દર્શાવતા નથી. તેના બદલે જે સમય લખાય છે, તેમાં પંદરથી વીસ મિનિટ માત્ર જાહેરાતો અને ટ્રેલર્સના નામે ગુપચાવી દેવાય છે. સિનેમા ચેઈનના એક કર્મચારી એનું ખરુ કારણ સમજાવતા કહે છે: 'દર્શકોને આ ટોર્ચર જેવું લાગે છે, પણ જો ટિકિટ પર ફિલ્મ શરૂ થવાનો સાચો સમય લખી દઈએ તો દર્શકો સમયસર નહિ આવે. જો દર્શકો સમયસર નહિ આવે, તો બ્રાન્ડ્સ અમને જાહેરાતો કેવી રીતે આપે?'
એક્ઝિબિટર્સનું માનવું છે કે જો આવી ફરિયાદો વધશે, તો ભવિષ્યમાં ટિકિટ પર એવી પ્રમાણભૂત લાઈન લખવી પડશે કે શો પહેલા પંદરથી વીસ મિનિટ જાહેરાતો દર્શાવવામાં આવશે. કેટલાક સિનેમાઘરો હવે એડ-ફ્રી શોનો પ્રીમિયમ વિકલ્પ પણ વિચારી રહ્યા છે, જ્યાં દર્શકો વધારાના પૈસા ચૂકવીને જાહેરાત વિના સીધી ફિલ્મ માણી શકે.
દર્શકોનું ગણિત: મુશ્કેલી કે બફર ટાઈમ?
નિયમિત સિનેમામાં જતા દર્શકો હવે આ સમયગાળાથી ટેવાઈ ગયા છે અને પોતાની રીતે ગણતરીઓ માંડે છે. એક પચાસ વર્ષીય મહિલા જણાવે છે કે 'હું આ જાહેરાતોને બફર ટાઈમ માનું છું. ટ્રાફિકને કારણે મોડું થાય તો મને ગભરાટ નથી થતો. હું જાહેરાતો સહન કરવા નથી માગતી, એટલે થોડી મોડી પહોંચું છું. જો કે આ એક જુગાર જેવું છે, ઘણીવાર ફિલ્મના શરૂઆતના સીન ચૂકી જવાય છે.'
બીજી તરફ વીસ વર્ષીય યુવતીના મતે મોડી રાતના શોમાં આ વિલંબ મુશ્કેલી ઊભી કરે છે: 'જો રાત્રે દસ વાગ્યાનો શો હોય અને ફિલ્મ અડધો કલાક મોડી શરૂ થાય, તો રાત્રે ઘરે જવા માટે વાહન મળવું મુશ્કેલ બને છે.'
વળી અન્ય અનેક દર્શકો આ જાહેરાતોથી ત્રાસી જાય છે, પણ હોલની બહાર જઈ શકતા નથી કારણ કે બહાર જવામાં ફિલ્મની શરૂઆત ચૂકી જવાનો ડર રહે છે.
સિનેમાઘરોનો વેપાર અને દર્શકોની પરેશાની
સિને જગતના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર થિયેટરોમાં ટિકિટના ભાવ વધુ વધાર્યા વિના આવક જાળવી રાખવા માટે જાહેરાતો અનિવાર્ય સ્રોત છે. ફિલ્મ શરૂ થતા પહેલાંનો સ્લોટ સૌથી મોંઘો હોય છે, કારણ કે ત્યારે હોલમાં હાજર તમામ દર્શકોનું સંપૂર્ણ ધ્યાન સ્ક્રીન પર હોય છે. ટીવી કે સ્માર્ટફોન પર લોકો જાહેરાતો સ્કીપ કરે છે અથવા અવગણે છે, પણ થિયેટરમાં બેઠેલો દર્શક સ્ક્રીન સામે મજબૂર હોય છે. તેને કોઈ જ્વેલરી, રાજ્યના પ્રવાસન અથવા કપડાની જાહેરાતમાં રસ હોય કે ન હોય, પણ જોવી જ પડે છે. ઈન્ટરવેલ વખતે મોટાભાગના દર્શકો બહાર નીકળી જતા હોવાથી શરૂઆતનો સમય જાહેરાતદાતાઓ માટે સોનાની ખાણ સમાન હોય છે.
થિયેટર માલિકોએ સમજવું જોઈએ કે સિનેમા એ માત્ર વેપાર નથી, દર્શકોના મૂલ્યવાન સમય અને મનોરંજન સાથે જોડાયેલો સંબંધ છે. કમાણી ચોક્કસ જરૂરી છે, પણ દર્શકોને ટિકિટના પૈસા ચૂકવ્યા પછી પોતાની સીટ પર બંધક દર્શક બનાવી રાખવો એ ગ્રાહકના અધિકારો પર સીધો પ્રહાર છે. પારદર્શક સમયપત્રક અને વાજબી મર્યાદા જ આ વિવાદનો કાયમી ઉકેલ લાવી શકે છે.




