એ ફિલ્મ જેણે યુવાનોને ક્રાંતિના રંગે રંગ્યા: રંગ દે બસંતી

- દાસ્તાન-એ-સિનેમા
- 30 એપ્રિલ, 1999ના રોજ દિલ્હીના એક પબમાં જેસિકા લાલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના કેસમાં મુખ્ય આરોપીને નિર્દોષ છોડી મુકાતાં જનતા રસ્તા પર ઉતરી હતી. રાજધાની દિલ્હીમાં કેન્ડલ લાઈટ માર્ચ કાઢવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, ફિલ્મ 'રંગ દે બસંતી'ની આ અસર હતી. ફિલ્મ જાન્યુઆરી 2006માં રિલીઝ થઈ હતી અને જેસિકા લાલ કેસનો ચુકાદો ડિસેમ્બર 2006માં આવ્યો હતો. જનતાએ અવાજ ઉઠાવતાં કેસની ફરી સુનાવણી કરાઈ હતી અને મુખ્ય આરોપીને ઉંમરકેદની સજા ફટકારાઈ હતી.
ક્યારેક સવાલ થાય કે, આપણી દેશભક્તિ પણ સિઝનલ થઈ ગઈ છે કે શું? ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી આવે ત્યારે એકદમ દેશની યાદ આવે. આ દિવસો દરમિયાન દેશભક્તિમાં ઓતપ્રોત અને પછી એકદમ જ દેશભક્તિ ગાયબ. તે સમયે દેશભક્તિના ગીતો ગાઈ લીધા, ધ્વજવંદન કરી લીધું એટલે દેશભક્તિનું એક પ્રકારનું રિચાર્જ થઈ ગયું. પછી, નોર્મલ મોડમાં આવી જવાનું. આ નોર્મલ મોડ એટલે, કચરો કચરાપેટીમાં નહીં નાંખવાથી લઈને જે પણ થઈ રહ્યું હોય તેને થવા દેવાનું. ભલે ને પછી તે ખોટું હોય તેને થવા દેવાનું. જોવાનું, જાણવાનું પણ ક્યારેય અવાજ નહીં ઉઠાવવાનો કે, ખોટું થઈ રહ્યું છે. ક્યાંક બોલીને ફસાઈ જઈશું તો..? બીજા, બોલતા હોય તો તેમને પણ અટકાવવાના. કહેવાનું કે, ભાઈ, શું વિરોધ કર્યા કરો છો, ક્યારેક તો સારું બોલો. તમને કંઈ સારું દેખાતું જ નથી. એ ભૂલીને કે એ વ્યક્તિ જોખમ લઈને દેશ પ્રત્યે પોતાની ફરજ નીભાવી રહ્યો છે. ભલે, એકલો છે, ખોટું થઈ રહ્યું છે તો ધીમા તો ધીમા અવાજે બોલી રહ્યો છે કે, આ ખોટું છે. હવે તમારો વારો છે, બોલો. અવાજ ઉઠાવો, પણ ના, ખોટાને ખોટું કહેવું ખોટું છે, એવી ધારણાથી અનેક લોકો ગ્રસ્ત થઈ ગયા છે. આ તેના જેવું છે કે, માણસ પોતાની ઉંમરને કારણે વૃદ્ધ નથી થતો. તે વૃદ્ધ તે દિવસે થાય છે જ્યારે તેના વિચારો યુવાનો સાથે મેળ ન ખાય. એટલે જ ભારતમાં જેટલાં પણ મોટાં આંદોલનો થયાં તેમાં યુવાનોનો સિંહફાળો રહ્યો. આ આંદોલનોને યુવાનો સિવાય એવા વિચારકોએ ટેકો આપ્યો જેઓ પોતાના વિચારોથી યુવાન હતા. કદાચ, એટલે જ નીટના પેપરલીક મામલે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ નોર્મલ મોડવાળા લોકોને ખૂંચ્યા. તેઓ વિદ્યાર્થીઓને જોઈને કહેવા લાગ્યા કે, હા, નીટનું પેપરલીક થયું, ખોટું થયું પણ, ખોટાને ખોટું શા માટે કહો છો? સાચે જ, આ નોર્મલ મોડ ખૂબ જ ખતરનાક છે. ખોટાને ખોટા કહેવામાં પણ વાંધો.
વિચાર આવે કે, શહીદ ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન અને રાજગુરૂ જેવા ક્રાંતિકારીઓને પણ આવું કહેનારા મળ્યા જ હશે. તેમને પણ કોઈએ કીધું હશે કે, આ દેશ માટે અવાજ ઉઠાવીને શું મળી જવાનું? પરંતુ, આ ક્રાંતિકારીઓએ તેમની વાત ન સાંભળી. તેમણે ખોટાને ખોટા કહેવાનું પસંદ કર્યું. એટલે જ દેશ આઝાદ છે અને મહાન છે. વાત જ્યારે, શહીદ ભગત સિંહની આવે ત્યારે તેમના જીવન પરથી અનેક ફિલ્મો બની, પરંતુ, શહીદ ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન અને રાજગુરૂ જેવા ક્રાંતિકારીઓની કહાણી આવરી લેનારી 'રંગ દે બસંતી' કંઈક અલગ છે. આ ફિલ્મમાં આજના યુવાનો અને ક્રાંતિકારીઓ વચ્ચે એક પ્રકારનો સંવાદ બતાવવામાં આવ્યો છે.
ક્રાંતિકારીઓના ડાયલોગ્સ પરથી પ્રેરણા
આ ફિલ્મના કેન્દ્રમાં બ્રિટિશ ફિલ્મ ડિરેક્ટર સુ મેકકિન્લી (એલિસ પેટન) છે. તે શહીદ ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન અને રાજગુરુ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવા માંગે છે. આ માટે તે દિલ્હી આવે છે. અનેક ઓડિશન્સ બાદ તે ડીજે, કરણ, સુખી, અસલમ અને લક્ષ્મણ પાંડેની પસંદગી કરે છે. આ યુવાનો કે જે કોઈપણ પ્રકારે સિરિયસ નથી. તેમના જીવનમાં બદલાવ આવે છે, જ્યારે, તેઓ ડોક્યુમેન્ટ્રી બનાવતી વખતે મહાન ક્રાંતિકારીઓના ડાયલોગ્સ બોલે છે. તેમને સમજાય છે કે, દેશ પ્રેમ સિઝનલ ન હોય. દેશને પ્રેમ કરતા હોવ તો દરરોજ દેખાવું જોઈએ : તમારી વાણીમાં, વર્તનમાં, વિચારોમાં, ક્યારેક ખોટાને ખોટું કહેવામાં.
કાસ્ટિંગની અંદર કાસ્ટિંગ
ફિલ્મમાં કાસ્ટિંગની અંદર કાસ્ટિંગનો અનોખો સંયોગ જોવા મળે છે. ફિલ્મની અંદર સુ ડોક્યુમેન્ટ્રી બનાવે છે. જેમાં, ડીજે (આમિર ખાન) ચંદ્રશેખર આઝાદ બને છે. કરણ (સિદ્ધાર્થ) ભગતસિંહ બને છે. સુખી (શરમાન જોશી) રાજગુરુ બને છે. અસલમ (કુણાલ કપૂર) અશફાકઉલ્લા ખાન બને છે. લક્ષ્મણ પાંડે (અતુલ કુલકર્ણી) રામપ્રસાદ બિસ્મિલ બને છે. જ્યારે, સોનિયા (સોહા અલી ખાન) દુર્ગાવતી દેવી બને છે. ફિલ્મની ખાસ વાત એ કે, યુવાનોની કહાણી જ્યાં સુધી ઈતિહાસ સાથે જોડાય ત્યાં સુધીમાં તો દર્શકો તેમને ક્રાંતિકારીઓ સાથે જોડીને જોવા લાગે છે.
આ ફિલ્મમાં બે સ્પેશિયલ ડેબ્યુ
સિદ્ધાર્થ કે જે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર હતો, તેની આ પહેલી બોલિવુડ ફિલ્મ હતી. બીજી તરફ, એલિસ પેટન પણ પહેલી વખત હિંદી ફિલ્મમાં જોવા મળી હતી. બંને કલાકારોને જોઈને કહી શકાય કે, તેમના સિવાય અન્ય કોઈએ રોલ નિભાવ્યો હોત તો કંઈ ખાસ મજા ન આવી હોત. સાઉથના અન્ય સુપરસ્ટાર આર. માધવનને ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી પસંદ આવી કે, તેઓ ફ્લાઈટ લેફ્ટેનન્ટ અજય રાઠોડનો નાનકડો રોલ કરવા તૈયાર થઈ ગયા હતા. બીજી તરફ, આ ફિલ્મ માટે કુણાલ કપૂરની પસંદગી પહેલાથી નક્કી જ હતી. કુણાલ 'અક્સ' ફિલ્મમાં રાકેશ મહેરાના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. અસલમનો રોલ લખાયો તે પહેલાથી તે ફિલ્મ સાથે સંકળાયેલા હતા. ઓમ પુરી જેવા સિનિયર એક્ટર પણ ફિલ્મમાં માત્ર બે સીન માટે આવે છે, જે સાબિત કરે છે કે, દરેક કેરેક્ટરને ન્યાય આપવા માટે બેસ્ટ એકટર્સની પસંદગી કરવામાં આવી હતી.
ફિલ્મના ક્લાઈમેક્સ માટે વિદ્યાર્થીઓનો મત
રાકેશ ઓમપ્રકાશ મહેરાએ પોતાની આત્મકથા 'ધી સ્ટ્રેન્જર ઇન ધ મિરર'માં લખ્યું છે કે, શૂટિંગ શરૂ કરતાં પહેલાં તેઓ એનડીટીવીની ક્રૂ સાથે દેશભરની કોલેજોમાં ગયા હતા. ત્યાં તેમણે વિદ્યાર્થીઓને ફિલ્મનો કલાઈમેક્સ સંભળાવ્યો હતો. જેમાં, ફિલ્મના હીરો ઓલ ઈન્ડિયા રેડિયો પર લાઈવ આવીને એક કબૂલાત કરે છે. આ ક્રાંતિકારી ક્લાઈમેક્સ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોની પસંદ બન્યો તેનું કારણ જ આ હતું.
ફિલ્મનું ટાઈટલ અને ભગત સિંહ
'રંગ દે બસંતી'નો અર્થ થાય છે, વસંતના રંગોની હોળી. બસંતી એટલે રાયડાના ખેતરોનો પીળો અને સૂચક કલર. આ એ જ કલર છે જે શહીદ ભગત સિંહે પોતાની ફાંસી વખતે પહેર્યો હતો. આમ, ટાઈટલમાં ઋતુ સાથે જોડાયેલા શબ્દને બલિદાન સાથે જોડવામાં આવ્યો છે.
પોપસ્ટાર નેલી ફર્ટાર્ડોનું સોંગ
આ ફિલ્મ માટે મહેરા અને રહેમાને નેલી ફર્ટાર્ડોને ફીચર કરવા અંગે વિચારણા કરી હતી, પરંતુ પ્રોડયુસર્સ બદલાતા જ નેલીને લેવાનો પ્લાન કેન્સલ થયો. બીજી તરફ, લતા મંગેશકરે 'લુકા છુપી' સોંગ માટે રહેમાન સાથે જુગલબંધી કરી હતી. પુત્રના શોકમાં ડૂબેલી માતાની મનોવ્યથાને વ્યક્ત કરતું હાલરડું દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ સિવાય હર્ષદીપ કૌરે ગાયેલું 'એક ઓમકાર' આજે પણ ટોપ ટ્રેન્ડિંગ સોંગ છે. દલેર મહેંદી અને કે.એસ. ચિથ્રાનું 'રંગ દે બસંતી', નરેશ ઐયર અને મોહમ્મદ અસલમનું 'મસ્તી કી પાઠશાલા', મોહમ્મદ અસલમ અને નાસીમનું 'ખલબલી' સિવાય 'પાઠશાલા', 'તુ બીન બતાયે', 'લલકાર' જેવાં સોંગ્સ સાથેનું આલ્બમ તે સમયે ખૂબ જ વેચાયું હતું.
ફિલ્મ માટે આમિરે ૧૦ કિગ્રા વજન ઘટાડયું
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ૪૦ વર્ષના થવાના હતા. આ ફિલ્મના હીરો ડીજેને કોલેજનો વિદ્યાર્થી બતાવવામાં આવ્યો છે. આ માટે આમિરે ડાયટિંગ કરીને ૧૦ કિગ્રા વજન ઘટાડયું હતું. એટલે જ આમિરને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે.
બંપર ઓપનિંગ અને રેકોર્ડ ડીવીડી સેલ્સ
ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. પહેલા અઠવાડિયામાં જ ફિલ્મે રૂ. ૩૪.૫૫ કરોડની કમાણી કરી હતી. ફિલ્મે સિંગલ ડે ઓપનિંગનો હિંદી ફિલ્મનો રેકોર્ડ પણ તોડયો હતો. ૨૦૦૬માં સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મના રેકોર્ડની સાથે ફિલ્મે સૌથી વધુ ડીવીડી સેલ્સનો પણ રેકોર્ડ તોડયો હતો.









