Chitralok

'રેન્જર' માં અજય દેવગનની અંદરનો ડિરેક્ટર ફરી સળવળ્યો

By GS Team
3 Sep 20263 mins read
'રેન્જર' માં અજય દેવગનની અંદરનો ડિરેક્ટર ફરી સળવળ્યો
  • 'રેન્જર'ના સેટ પર અજય ડિરેક્શન કરી રહ્યા હતા, જ્યારે ફિલ્મના ઓફિશિયલ ડિરેક્ટર એમની બાજુમાં ઊભા રહીને સેટ પર ટેકનિકલ સ્ટાફને માઇક્રોફોન પર સૂચના આપી રહ્યા હતા.

આમિર ખાનની જેમ સિનેમા અજય દેવગનના લોહીમાં વણાયેલું છે. આમિરના પિતા તાહિર હુસૈન જાણીતા ફિલ્મ પ્રોડયુસર હતા, જ્યારે અજયના પિતા વીરુ દેવગન દિગ્ગજ એક્શન ડિરેક્ટર રહી ચૂક્યા છે. અજય દેવગનની રુચિ માત્ર અભિનય પૂરતી મર્યાદિત ક્યારેય નહોતી. તેમને ફિલ્મમેકિંગના લગભગ દરેક ટેકનિકલ અને ક્રિએટિવ પાસાનું ઊંડું જ્ઞાાન છે. એ કારણે જ 'સિંઘમ' ફેમ આ સુપરસ્ટાર ડિરેક્ટર બનવા તરફ પ્રેરાયા હતા. અજય અત્યાર સુધીમાં ચાર ફિલ્મો- 'યુ, મી ઔર હમ' (૨૦૦૮), 'શિવાય' (૨૦૧૬), 'રનવે ૩૪' (૨૦૨૨) અને 'ભોલા' (૨૦૨૩)નું દિગ્દર્શન કરી ચૂક્યા છે. આ ફિલ્મોને ભલે બોક્સ ઓફિસ પર ધાર્યો કોમશયલ સક્સેસ ન મળ્યો હોય, પરંતુ એક કુશળ ડિરેક્ટર તરીકે દેવગનની છાપ ચોક્કસપણે ઉપસી આવી છે. અલબત્ત, વ્યક્તિની વધારાની આવડત ક્યારેક વિવાદ પણ નોતરે છે, અને અજય સાથે તાજેતરમાં કંઈક આવું જ બન્યું છે.
પ્રોડયુસર લવ રંજન અને અંકુર ગર્ગ પોતાના 'લવ ફિલ્મ્સ'ના બેનર હેઠળ એક બિગ બજેટ એક્શન-એડવેન્ચર મૂવી 'રેન્જર' બનાવી રહ્યા છે. માર્ચ, ૨૦૨૫માં આ ફિલ્મ ધૂમધડાકા સાથે લોન્ચ થઈ હતી, જેમાં અજય દેવગન ફોરેસ્ટ ઓફિસરના રોલમાં છે, જ્યારે સંજય દત્ત વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. 'રેન્જર'ની મુખ્ય અભિનેત્રી તમન્ના ભાટિયા છે અને તેનું દિગ્દર્શન 'મિશન મંગલ' ફેમ જગન શક્તિને સોંપાયું છે. તાજેતરમાં મુંબઈના વિલે પાર્લે સ્થિત ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં 'રેન્જર'નું શૂટિંગ શેડયૂલ ચાલી રહ્યું હતું ત્યારે મીડિયાકર્મીઓએ અજય દેવગનને ખુદ અમુક સિક્વન્સનું ડિરેક્શન કરતો જોઈ આશ્ચર્ય અનુભવ્યું હતું. તે સમયે ફિલ્મના સત્તાવાર ડિરેક્ટર જગન શક્તિ તેની બાજુમાં ઊભા રહીને સેટ પર ટેકનિકલ સ્ટાફને માઇક્રોફોન પર સૂચનાઓ આપી રહ્યા હતા. આ ડેવલપમેન્ટ સામે આવતાં જ ઇન્ડસ્ટ્રી અને મીડિયામાં જાતજાતની અટકળો શરૂ થઈ ગઈ છે.
આ પ્રકરણમાં મુખ્યત્વે બે થિયરી ચર્ચાઈ રહી છે. પહેલી એ કે જગન શક્તિ ભલે ફિલ્મના ઓફિશિયલ ડિરેક્ટર હોય, પરંતુ મેકર્સે અમુક મહત્વના એક્શન સીન્સના ડિરેક્શનની જવાબદારી દેવગનને સોંપી છે. બીજી થિયરી મુજબ, 'રેન્જર'ના ક્રેડિટ ટાઇટલ્સમાં અજય દેવગનને કો-ડિરેક્ટર તરીકે ક્રેડિટ આપવામાં આવશે. જોકે અજયની આ ટીમ આ સંભાવનાને નકારી કાઢે છે. ખેર, સાચી હકીકત તો 'રેન્જર' રિલીઝ થશે ત્યારે જ સામે આવશે. વાસ્તવમાં અજય દેવગનને ફિલ્મના અમુક સીન્સનું ડિરેક્શન સોંપાયું હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. કહે છે કે સંજય લીલા ભણસાલીએ પોતાની આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગ વખતે, ૨૦૨૧માં કોવિડકાળ દરમિયાન ફિલ્મસિટીમાં આલિયા અને અજય વચ્ચેના મહત્ત્વના સીન્સ શૂટ કરવાની જવાબદારી અજયને સોંપી હતી. ભણસાલી જેવા ક્રાફ્ટમેનને અન્ય એક્ટરને ડિરેક્શનની કમાન સોંપતા જોઈને આખું યુનિટ દંગ રહી ગયું હતું. 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં દેવગને અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા પર આધારિત પાત્રનો કેમિયો કર્યો હતો.
અજયે પોતે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'રનવે ૩૪'નું પ્રાઇવેટ સ્ક્રીનિંગ રાખ્યું હતું. અક્ષયકુમારે ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે, અજય, તારી વાર્તા ગૂંથવાની અને રજૂ કરવાની કળા મને એટલી બધી ગમી ગઈ છે કે ભવિષ્યમાં તારા ડિરેક્શન હેઠળ કામ કરવાનું મને ચોક્કસ ગમશે. ત્યારબાદ બંને ટોચના એક્ટર્સ વચ્ચે અમુક સ્ક્રિપ્ટ્સ પર પ્રાથમિક ચર્ચા પણ થઈ હતી. જોકે કોરોનાકાળ પછી બંને પોતાના જૂના પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં વ્યસ્ત થઈ ગયા હોવાથી વાત આગળ ન વધી શકી, પરંતુ ભવિષ્યમાં અજયના ડિરેક્શનમાં અક્ષય કામ કરે તેવી પૂરી શક્યતા રહેલી છે.