Chitralok

સની દેઉલે આમિર ખાનને કદી પોતાનો હરીફ ગણ્યો નથી

By GS Team
6 Aug 20263 mins read
સની દેઉલે આમિર ખાનને કદી પોતાનો હરીફ ગણ્યો નથી
  • ભૂતકાળમાં આમિરની 'દિલ' સામે સનીની 'ઘાયલ', 'રાજા હિન્દુસ્તાની' સામે 'ઘાતક' અને 'લગાન' સામે 'ગદર: એક પ્રેમ કથા' સામસામી ટકરાઈ હતી.

સની દેઉલ પાકટ વયે પૂરેપૂરો ખીલ્યા છે. સીધી ઓટીટી પર સ્ટ્રીમ થયેલી તેની ફિલ્મ 'ઈક્કા'ને દર્શકોનો મસ્તમજાનો પ્રતિસાદ મળતા હમણાં મુંબઈમાં તેની ગ્રાન્ડ સક્સેસ પાર્ટી ઉજવાઈ હતી. હવે ૧૫મી ઓગસ્ટે રિલીઝ થનારી સનીની આગામી ફિલ્મ 'બટવારા ૧૯૪૭'ની રાહ જોવાઈ રહી છે. આવતા વર્ષે સિત્તેર વર્ષ પૂરા કરનાર સની પાજી એક ફિલ્મ માટે રૂ. ૨૫ કરોડ ચાર્જ કરે છે અને પ્રોડયુસરો પણ તેમને આટલી ઊંચી રકમ હોંશેહોંશે ચૂકવે પણ છે.
સિનિયર દેઉલની લોકપ્રિયતામાં આવેલા પ્રચંડ ઉછાળાને વટાવી લેવા માટે તેમની ત્રણ જૂની યાદગાર ફિલ્મો 'ઘાયલ' (૧૯૯૦), 'દામિની' (૧૯૯૩) અને 'ઘાતક' (૧૯૯૬) ૨૪મી તારીખથી થિયેટરોમાં ફરી રિ-રિલીઝ થઈ છે. આ ત્રણેય ફિલ્મો 'બટવારા ૧૯૪૭'ના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ જ નિર્દેશિત કરી છે.
પોતાની ત્રણ ફિલ્મોની રિ-રિલીઝ ટાંકણે સની અને સંતોષીએ મીડિયા સાથે રસપ્રદ ઈન્ટરેક્શન કર્યું હતું. સની કહે છે, 'અમારી સફર 'ઘાયલ'થી શરૂ થઈ અને અન હવે 'બટવારા ૧૯૪૭' આવી રહી છે. અમે એકબીજાને ઝાઝા શબ્દોની આપ-લે કર્યા વિના પણ બહુ સારી રીતે સમજીએ છીએ અને એટલે જ અમારી પાર્ટનરશીપ સફળ રહી છે.'
આગલી ત્રણેય ફિલ્મોમાં સનીએ અન્યાય સામે લડવા શ ઉપાડતા નાયકનું પાત્ર ભજવ્યું હોવાથી તેમાં એક્શનનું પ્રમાણ વધુ છે. શું તમને એક્શન વધુ ફળી છે? આ સવાલના જવાબમાં સની કહે છે, 'લોકોને ભલે એક્શન યાદ રહી જતી હોય, પરંતુ મારું માનવું છે કે મારી ખરી તાકાત કાયમ ઇન્ટેન્સ લાગણીઓને સ્ક્રીન પર પેશ કરવામાં છે. મારી ફિલ્મોમાં આક્રોશ ચાલ્યો, કારણ કે એની પાછળ પીડા, પ્રેમ અથવા અન્યાયનો ભાવ હતો.'
રાઈટર-ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ પોતાના ફેવરિટ એક્ટર સાથે ત્રણ દાયકા પછી 'બટવારા ૧૯૪૭' જેવી ફિલ્મ કરવાનો અનુભવ શેર કરતાં કહ્યું, 'મને ક્યારેય એવું લાગ્યું જ નથી કે ૩૦ વર્ષનો લાંબો સમય વીતી ગયો છે. કદાચ એટલા માટે કે અમારો અંગત વિકાસ પણ સાથે થયો છે અને અમે સફળતા તથા નિષ્ફળતા એકબીજાના સંગાથે અનુભવી છે. સની સાવ સરળ વ્યક્તિ છે, તે ક્યારેય બીજાને પ્રભાવિત કરવાનો કૃત્રિમ પ્રયાસ નથી કરતો. સની બોલવા કરતાં વધુ સાંભળે છે અને ક્યારેય મહોરું પહેરીને નથી ફરતો.'
સની સાથેની પોતાની પહેલી મુલાકાતનો અનુભવ શેર કરતાં સંતોષીએ કહ્યું, 'સાચું કહું તો હું તેની ખડતલ બોડી કે સ્ક્રીન ઈમેજથી નહોતો અંજાયો. મને તેની પ્રામાણિકતા સ્પર્શી ગઈ હતી. લોકોને સનીની એક્શન અને આક્રોશ ગમે છે, પરંતુ મને તેની શારીરિક શક્તિ પાછળ હંમેશાં એક સંવેદનશીલ માણસ દેખાયો છે. 'ઘાયલ'નો અજય મિશ્રા, 'દામિની'નો ગોવિંદ કે 'ઘાતક'નો કાશીનાથ-ત્રણેયમાંથી કોઈ સુપરહીરો નહોતો. એ બધા અસાધારણ સંજોગોમાં ભીંત સરસા ચંપાયેલા સામાન્ય માણસો હતા.'
સની દેઉલની આગામી ફિલ્મ 'બટવારા ૧૯૪૭'ના પ્રોડયુસર આમિર ખાન છે. પહેલીવાર તેઓ એક્ટર-પ્રોડયુસર તરીકે સાથે આવ્યા છે. એમનું આ કોલાબોરેશન એક ખાસ કારણસર વધુ રસપ્રદ બની જાય છે, કારણ કે ભૂતકાળમાં આમિર અને સનીની સફળ ફિલ્મો બોક્સ ઓફિસ પર સામસામે ટકરાતી રહી છે. 'દિલ' સામે 'ઘાયલ', 'રાજા હિન્દુસ્તાની' સામે 'ઘાતક' અને 'લગાન' સામે 'ગદર: એક પ્રેમ કથા' સ્પર્ધામાં ઉતરી હતી. આ બાબતનો ઉલ્લેખ કરી પત્રકારોએ પૂછયું કે, આજે તમારા સંબંધો કેટલા જુદા છે? સ્માઈલ સાથે સની દેઉલ કહે છે, 'ખરું પૂછો તો મેં આમિરને ક્યારેય હરીફ તરીકે જોયો જ નથી. અમારી ફિલ્મોએ ભલે બોક્સ ઓફિસ પર સ્પર્ધા કરી હોય, પણ અમે અંગત રીતે ક્યારેય હરીફાઈમાં ઉતર્યા નથી. વળી, અમે વ્યક્તિ તરીકે ભલે એકબીજાથી જુદા હોઈએ, પણ અમારો સિનેમા પ્રત્યેનો પ્રેમ એકસરખો જ છે.' વાત તો સાચી.