Chitralok

સુનિતા ગોવિંદા આહુજા : હું 'જીવો અને જીવવા દો'માં માનું છું

By GS Team
8 Oct 20264 mins read
સુનિતા ગોવિંદા આહુજા : હું 'જીવો અને જીવવા દો'માં માનું છું
  • તાજેતરમાં ગોવિંદા અને એની કો-સ્ટારકોમલે 'લાલબાગ ચા રાજા'ના 'સજોડે' દર્શન કર્યાં હતાં. તે વખતે કોમલના સેંથામાં સિંદૂર પૂરેલું હોવાથી એમ માની લેવામાં આવ્યું છે કે તેમણે ચૂપચાપ લગ્ન કરી લીધાં છે.

છેલ્લા એકાદ વર્ષથી ગોવિંદાનું અંગત જીવન સતત જાહેરમાં ચર્ચાઈ રહ્યું છે. પત્ની સુનિતા સાથેના તેના સંબંધો 'કભી હાં કભી ના' જેવા ચાલી રહ્યાં છે. વાસ્તવમાં ગોવિંદાનું નામ સ્ટાર કલાકારોની યાદીમાં સામેલ થયું તેનાથી પહેલા તેણે અને સુનિતાએ ગૂપચૂપ લગ્ન કરી લીધાં હતાં. અને જ્યારે તેમના ઘરે પુત્રી અવતરી ત્યારે તેમણે વિવાહિત હોવાનું જાહેર કર્યું હતું. જોકે હવે ગોવિંદાનું નામ તેની સહકલાકાર કોમલ રાની સ્વર્ણકાર સાથ સંકળાયું છે ત્યારે સુનિતાએ કહ્યું હતું કે તેને ગોવિંદા સાથે લગ્ન કરવાનો કોઈ રંજ નથી.
એક યુ ટયુબ ચેનલ સાથેની વાતચીત દરમિયાન સુનિતાએ કહ્યું હતું કે ગોવિંદાને પરણવાનો મને જરાય અફસોસ નથી. હું ગોવિંદાને મળી ત્યારે તે એકદમ ઈમાનદાર અને ભલો હતો. હું અત્યંત લાગણીશીલ મહિલા છું. લોકોને ભલે એમ લાગે કે મારો સ્વભાવ કડક છે, પરંતુ હું જે કહું છું તે મારા ખરા હૃદયની વાત હોય છે. જોકે મેં જોયું છે કે લોકો મને સમજી નથી શકતા.
સુનિતાએ વધુમાં કહ્યું હતું કે મને ગોવિંદા સાથે સંસાર વસાવવાનો લગીરેય અફસોસ નથી. હું 'જીવો અને જીવવા દો'માં માનું છું. અને અમે હવે અમારા જીવનના ેવા તબક્કે આવી પહોંચ્યા છીએ કે ગોવિંદા તેનું જીવન જીવે છે અને મેં પણ મારું વેગળું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. ગોવિંદા પાસે કાંઈ નહોતું ત્યારથી હું તેને પ્રેમ કરું છું. આજે પણ મારો તેના પ્રત્યેનો પ્રેમ અકબંધ છે. હા, તેને મારા પ્રત્યે લાગણી રહી છે કે નહીં તે હું નથી જાણતી. જોકે તેણે તરત જ એમ પણ કહ્યું હતું કે હું સ્વયં નથી જાણતી કે હું ગોવિંદાને ફરીથી મારા જીવનમાં સ્થાન આપીશ કે કેમ. હું કોઈને અંતહીન મોકા આપવામાં નથી માનતી. હું અત્યંત સ્વાભિમાની છું. તેથી જો કોઈ મને સતત દુભવ્યા કરે તો તેમને મારા જીવનમાંથી જાકારો આપી દઉં છું. જે પુરુષ મહિલાઓને માન ન આપી શકે તેમનું મારા જીવનમાં કોઈ સ્થાન ન હોઈ શકે. જો કોઈ પુરુષ સારી સ્ત્રીની કદર ન કરે તો તે તેનું દુર્ભાગ્ય છે, જે તે મહિલાના કમનસીબ નહીં.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં એવી વાતો વહેતી થઈ હતી કે સુનિતાએ ફેમિલિ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. અને વર્ષ ૨૦૨૫માં સોશ્યલ મીડિયા પર સતત ચર્ચા ચાલી હતી કે ગોવિંદા-સુનિતા ત્રણ દશકના વિવાહિત જીવન પછી છૂટાં પડી રહ્યાં છે. જોકે તે વખતે સુનિતાએ આ વાત નકારી કાઢી હતી. અને બંનેએ સાથે મળીને ગણેશોત્સવ પણ ઉજવ્યો હતો. જોકે સુનિતાએ ગોવિંદાને ઘણી યુવતીઓ સાથે ગાઢ સંબંધ હોવાના દાવા કર્યાં હતાં. અને હાલના તબક્કે ગોવિંદાનું નામ કોમલ રાની સ્વર્ણકાર સાથે જોડાયું છે. બંને એક વખત એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા ત્યાર પછી તેમના સંબંધો ચર્ચામાં આવ્યાં હતાં. તેમને એકસાથે જોયા પછી સુનિતાએ કહ્યું હતું કે કોમલ તેની દીકરી થવાને યોગ્ય છે.
જોકે તાજેતરમાં સુનિતાએ તેમની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યાર પછી તેણે રાખી સાવંતને ફોન પર કહ્યું હતું કે ગોવિંદા અને કોમલ લગ્ન કરવાનું આયોજન કરી રહ્યાં છે. જોકે સુનિતાની આ વાતને ગોવિંદાના મેનેજરે રદિયો આપતાં કહ્યું હતું કે અભિનેતાના બીજા લગ્નનો સવાલ જ પેદા નથી થતો.
આ સઘળી ચર્ચાઓ વચ્ચે સુનિતાએ પોતાની કરિઅર બનાવવાનું શરૂ કરી દીધું છે. તેણે પોતાની યુ ટયુબ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ પર તે દરરોજ વ્લોગ મૂકવા સાથે સેલિબ્રિટીઓ સાથેની વાતચીત પણ રજૂ કરવા માંડી છે. તેણે બે રીઆલિટી શોઝમાં પણ ભાગ લીધો હતો. મહત્વની વાત એ છે કે સુનિતા સાજિદ ખાનની કોમેડી ફિલ્મ 'હીરો કી હોરરોઈન' દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. આવતા વર્ષે આવનારી આ મૂવીથી તેનો પુત્ર યશવર્ધન પણ શુભારંભ કરી રહ્યો છે.
સુનિતા આહુજાના 'જીવો અને જીવવા દો'ના બયાનને માનતો હોય તેમ ગોવિંદા ખરેખર કોમલ સાથે 'જીવી' રહ્યો હોય એમ જણાય છે. બંનેએ તાજેતરમાં મુંબઈના લાડકા ગણપતિ બાપા 'લાલબાગ ચા રાજા'ના 'સજોડે' દર્શન કર્યાં હતાં. તે વખતે કોમલના સેંથામાં સિંદૂર પૂરેલું હોવાથી એમ માની લેવામાં આવ્યું છે કે તેમણે ચૂપચાપ લગ્ન કરી લીધાં છે.