Chitralok

સુધાંશુ પાંડે: તાલીમ નહીં, ઝનૂને મને બનાવ્યો અભિનેતા-ગાયક

By GS Team
1 Oct 20263 mins read
સુધાંશુ પાંડે: તાલીમ નહીં, ઝનૂને મને બનાવ્યો અભિનેતા-ગાયક
  • 'આજે પણ લોકો મને 'અનુપમા'ના વનરાજ શાહ તરીકે ઓળખે છે. હું હવે આ સીરિયલમાં નથી તેનું મને કોઈ દુ:ખ નથી. આ ધારાવાહિક સાથે મારો સંગાથ આટલો જ લખાયો હશે.'

અભિનેતા સુધાંશુ પાંડેએ લોકપ્રિય ધારાવાહિક 'અનુપમા' છોડી તેને લાંબો સમય થઈ ગયો છે. આમ છતાં આ કલાકારનું નામ પડતાં જ લોકો તેને આ ધારાવાહિકના 'વનરાજ શાહ'ના કિરદારમાં સંભારે છે. સુધાંશુ પાંડે જેટલો સોહામણો અભિનેતા છે એટલો જ અચ્છો ગાયક પણ છે, અભિનય ક્ષેત્રે અઢી દાયકા સુધી કાર્યરત રહેવા છતાં તેના ગીત-સંગીત પ્રેમમાં લગીરેય ઓટ નથી આવી. વર્ષો અગાઉ સુધાંશુ 'બેન્ડ ઓફ બોયઝ' સાથે પણ જોડાયેલો હતો. મહત્વની વાત એ છે કે તેમણે ન તો સંગીતમાં કે ન અભિનયમાં કોઈપણ પ્રકારની તાલીમ લીધી છે. તેનું કળા પ્રત્યેનું જનૂન જ તેની સફળતાની હોડી છે. અભિનેતા માને છે કે તમારામાં જો કોઈ કળા છે તો તે તમારા કર્મોનું ફળ ગણાય.
મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલો સુધાંશુ બાળપણથી જ ગાવાનો શોખીન હતો. તે ઘરમાં ગીતો ગાતો રહેતો. જોકે તે વખતે તેની માતા સુધાંશુને વઢી કાઢતી. 'શું આખો વખત ગીતો ગાયા કરે છે?' સાંભળીને મોટો થયેલો સુધાંશુ કહે છે કે મધ્યમ વર્ગના પરિવારોમાં સંતાનો પાસેથી વધારે પડતા શિસ્તની અપેક્ષા રાખવામાં આવે છે. તેમને એમ લાગે છે કે અભ્યાસ કરવા સિવાય તેઓ બીજું કાંઈ કરશે તો વંઠી જશે. અને મોટા થઈને તેમને નોકરી કરવાની હોવાથી છેવટે તો ભણતર જ ખપ લાગશે. અભિનેતા વધુમાં કહે છે કે આજે એ લોકો જ મને કહે છે કે હું બહુ સારો ગાયક છું. જોકે જ્યારથી લોકો મારા કંઠની પ્રશંસા કરવા લાગ્યા ત્યારથી મને સમજાયું કે હા, હું ખરેખર સારું ગાઉં છું, ત્યાર પછી ૧૯૯૬માં હું દિલ્હીથી મુંબઈ આવ્યો. વિવાહ પછી અહીં વન-બેડરૂમનું ઘર ખરીદીને મારો સંસાર વસાવ્યો, સાથે સાથે મારા સંઘર્ષનો આરંભ પણ કર્યો.
પોતાના સંઘર્ષ વિશે સુધાંશુ કહે છે કે તે વખતે ઝાઝા નાણાં નહોતા. પરંતુ વિજ્ઞાાપનોમાં કામ મળ્યા પછી ધીરે ધીરે અભિનય તરફ આગળ વધ્યો. ૧૯૯૯માં મારી પહેલી ફિલ્મ 'ખિલાડી ૪૨૦' સાઈન કરી અને તે વર્ષ ૨૦૦૦માં રજૂ થઈ. આ સમય દરમિયાન જ મેં 'બેન્ડ ઓફ બોયઝ'ની વાતચીત શરૂ કરી. અમારા જૂથે ૧૭ મહિના સુધી ડાન્સિંગ, સિંગિંગ, વર્કઆઉટ જેવી તૈયારીઓ કરી. વર્ષ ૨૦૦૨માં અમે આ બેન્ડ લોંચ કર્યું. આજની તારીખમાં પણ વર્કઆઉટની લત યથાવત્ છે. હું એક્સસાઈઝ કરતી વખતે બહુ ખુશ હોઉં છું.
પોતાના અતિ કપરા સમયની વાત કરતાં સુધાંશુ કહે છે કે જીવનમાં ચડાવ-ઉતાર આવ્યા કરે, પણ તમે મુશ્કેલીમાં ત્યારે મૂકાઓ, જ્યારે તમારું મગજ અને વિચારો સામાન્ય સ્થિતિમાં કામ ન કરી શકે. મારા મતે આવો તબક્કો કોઈના પણ જીવનમાં, ગમે ત્યારે આવી શકે. આવી સ્થિતિનો સામનો કરવા દરેક જણે માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત રહેવું જોઈએ. અભિનેતા વધુમાં કહે છે કે વર્ષ ૨૦૦૭માં મને તીવ્ર પેનિક એટેક આવ્યો અને હું નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયો. મિત્ર સાથે બેઠાં બેઠાં વાતો કરી રહ્યો હતો ત્યારે અચાનક આ એટેક કેવી રીતે આવ્યો તે મને ન સમજાયું. પરંતુ તેમાંથી બહાર આવતાં મને ચાર વર્ષ લાગ્યાં. જોકે મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો જ મારા માટે છેવટે સોનેરી સમય બની ગયો. મને મારી જાત સાથે વાત કરવાનો, આત્મમંથન કરવાનો સમય મળી રહ્યો. હું મારા અંતરાત્મા સાથે જોડાયો અને મહાકાલ પ્રત્યેની મારી આસ્થા અડગ બની. આજે મને કોઈ વાતનો રંજ નથી થતો. તે ઉમેરે છે કે આજે પણ લોકો મને 'અનુપમા'ના 'વનરાજ શાહ' તરીકે ઓળખે છે. પરંતુ હું આ સીરિયલમાં નથી તેનું કોઈ દુ:ખ પણ નથી. મારા મતે આ ધારાવાહિક સાથે મારો સંગાથ આટલો જ હશે.