Social સર્કલ

તાપસી ચલી સસુરાલ
આ જુઓ, તાપસી પન્નુ એના સાસરામાં કેવી જલસા કરે છે. તાપસીના ઓલિમ્પિક મેડલવિનર પતિદેવ મેથિઆસ બૉ વિશે મિડીયામાં બહુ ઓછી ચર્ચા થાય છે. તાપસીએ સફળતાપૂર્વક પોતાના બેડમિન્ટનવીર પતિ અને પર્સનલ લાઇફ બન્નેને મિડીયાથી દૂર રાખ્યા છે. તાપસીના સાસુ-સસરા ડેન્માર્કમાં રહે છે. તક મળે ત્યારે તાપસી ઉડીને ડેન્માર્ક પહોંચી જાય છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીર ડેન્માર્કના ઓડેન્સ શહેરની છે, કે જ્યાં ૯૯ વર્ષ જૂના વિન્ટેજ હાઉસમાં તાપસીનાં સાસુ-સસરા રહે છે. વાહ.
બિગ બીનું સિક્રેટ
શહેનશાહની સવારી પાછી આવી પૂગી છે, 'કૌન બનેગા કરોડપતિ?' સિઝન ૧૮ના સ્વરૂપમાં. પહેલી સિઝન ૨૦૦૦ની સાલમાં આવી હતી. તમે વિચારો કે એ આખી પેઢી, જે 'કૌન બનેગા કરોડપતિ?'ની પહેલી સિઝન વખતે ઊંવાં ઊંવાં કરતાં હતી તે આખી પેઢી આઠ વરસ પહેલાં એડલ્ટ થઈ ગઈ હવે તો સિનિયર જેન-ઝી બની ગઈ છે. મજાની વાત એ છે કે અમિતાભ બચ્ચનનો ચાર્મ અને ખાસ તો એનર્જી લેવલ હજુય એવાને એવો જ છે. અમિતાભ બચ્ચન ૮૩ વરસની ઉંમરે પણ કેવી રીતે આટલું બધું કામ કરી શકે છે? એનો ઉત્તર આ તસવીરમાં જ છૂપાયેલો છે. બેકગ્રાઉન્ડમાં ડમ્બેલ્સ અને કસરતનાં બીજાં સાધનો દેખાય છે? શરીર સાબૂત રાખવું પડે, સાહેબ, અઢળક શિસ્ત જાળવવી પડે. જો શિસ્તપૂર્વક શરીર સાચવી લેશો તો શરીર તમારો બુઢાપો સાચવી લેશે. સિમ્પલ.
છગ્ગે પે છગ્ગા
ખરેખર, નયનરમ્ય દ્રશ્ય છે. ગુજરાતી સિનેમાના છ-છ સફળ ફિલ્મમેકરો સૂટ-બૂટ ઠઠાડીને, સ્માઇલો કરતાં કરતાં કરતાં, સ્ટાઇલો મારતાં મારતાં એક જ ફ્રેમમાં ઊભાં છે. કોણ કોણ? સંદીપ પટેલ, અભિષેક જૈન, વિજયગિરિ બાવા, મનીષ સૈની, જય બોડા અને પ્રીતસિંહ ગોહિલ! વાત શું છે, ભઈ? હાલના તબક્કે તો આટલી જ ઘોષણા થઈ છે: છ શહેરો, છ વાર્તાઓ, છ ડિરેક્ટરો… ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર… એક અનોખી સ્ટોરીટેલિંગ પ્રોજેક્ટ… છ અલગ અલગ વાર્તાઓનો સંગમ, એક જ મંચ પર! ઇન્ટરેસ્ટિંગ! હિન્દીમાં આપણે આ પ્રકારના ઘણા સફળ પ્રયોગો જોઈ ચૂક્યા છીએ, જેમ કે 'બોમ્બે ટોકીઝ' (૨૦૧૩), 'લસ્ટ સ્ટોરીઝ' વન (૨૦૧૮) એન્ડ ટુ,(૨૦૨૩), 'ઘોસ્ટ સ્ટોરીઝ' (૨૦૨૦), 'અજીબ દાસ્તાન્સ' (૨૦૨૧), 'અનપોઝ્ડ'-વન (૨૦૨૧) અને 'અનપોઝ્ડ: નયા સફર' (૨૦૨૨), 'અનકહી કહાનિયાં' (૨૦૨૧) વગેરે. સાઉથ ઇન્ડિયન ભાષાઓમાં પણ આવા પ્રયોગો થઈ ચૂક્યા છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારની એન્થોલોજી પહેલી વાર આવી રહી છે. સરસ!




