Social સર્કલ

હમ દો… હમારે હોંગે દો
આને કહેવાય સ્માર્ટ પ્લાનિંગ. દીપિકા પદુકોણ અને રણવીર સિંહની દીકરી દુઆ હજુ તો એક વર્ષ અને ૧૧ મહિનાની થઈ છે. એ ત્રીજા વર્ષમાં પગ મૂકશે ને દોઢ-બે મહિનામાં મોટી બહેન બની જશે. દીપિકાએ પોતાના વિરાટ ઉદર અને પતિ-પુત્રી સાથે એક સુંદર મજાની તસવીર થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. ઘણાં દંપતીઓનું લોજિક એવું હોય છે કે જો બે બચ્ચાં પેદા કરવાં જ હોય તો બન્ને વચ્ચે બહુ ગેપ ન રાખવો. બન્ને એકસાથે મોટાં થઈ જાય એટલે પછી નિરાંત. દીપિકા અને એની નાની બહેન અનિશા વચ્ચે પાંચ વર્ષનું અંતર છે. રણવીર અને એની મોટી બહેન ઋતિકા વચ્ચે બે વર્ષનો સમયગાળો છે. પરિવારમાં એક ભાઈ કે બહેનનું હોવું એ કેટલી મોટી ધન્યતાની વાત છે તેનો અનુભવ દીપિકા-રણવીર બન્નેને છે. વળી, બાયોલોજિકલ ક્લોક પણ ધ્યાનમાં રાખવી પડે. દીપિકા ઓલરેડી ૪૦ વર્ષ પૂરાં કરી ચૂકી છે. પદુકોણ-સિંહ પરિવાર સુખી-સ્વસ્થ રહે અને હસતોખેલતો રહે એવી જ પ્રભુપ્રાર્થના, હેં ને?
કરિશ્મા કા કરિશ્મા
માતૃત્વની જ વાત ચાલી રહી છે તો ભેગાભેગી કરિશ્મા તન્નાને પણ યાદ કરી લઈએ. હજુ ગયા મહિને ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે, ૨૯ જુલાઈએ, આ સક્સેસફુલ ટીવી-કમ-ઓટીટી સ્ટાર એક ક્યુટ ક્યુટ બાબલાની મમ્મી બની. આ ગુજરાતણને આપણે હંસલ મહેતાના વેબ શો 'સ્કૂપ' અને રાજકુમાર હિરાણીની ફિલ્મ 'સંજુ' ઇત્યાદિમાં જોઈ છે. એના હેન્ડસમ, નોન-ફિલ્મી પતિદેવ એટલે વરૂણ બાંગેરા. એનું રિયલ એસ્ટેટનું કામકાજ છે. કરિશ્મા હવે પછી જિશુ સેનગુપ્તાની ફિલ્મ 'મોમ-ટુ'માં જોવા મળશે. ઓરિજિનલ 'મોમ', તમે જાણો જ છો તે પ્રમાણે, શ્રીદેવીની ફિલ્મ હતી, અને તેની સિક્વલમાં એમની નાની દીકરી ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરિશ્મા તન્નાનો પણ તેમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે. કરિશ્મા, વરૂણ અને વરૂણ જુનિયરને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ…
જય રામજી કી!
જ્યારથી નીતિશ તિવારી ડિરેક્ટેડ અતિપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી સોશિયલ મીડિયા પર 'રામાયણ' સંબંધિત પોસ્ટ્સનો મહાસાગર ઊછળી રહ્યો છે. આ બધાની વચ્ચે એક મસ્ત તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર થઈ. તેમાં બ્લેક ગોગલ્સધારી રામ (રણબીર), ઘેઘુર દાઢીમાં પણ સૌમ્ય દેખાતો રાવણ (યશ), સેલ્ફી લઈ રહેલાં સીતામાતા (સાઈ પલ્લવી) અને સંપૂર્ણ નાક સાથેની શૂપર્ણખા (રકુલ પ્રીત સિંહ) સાગમટે સ્માઇલ કરતાં દેખાય છે. વાહ! 'રામાયણ'ની અમુક કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી અને ઇવન અમુક કાસ્ટિંગ ચોઇસ વિશે નેગેટિવ કમેન્ટ્સ થઈ રહી છે, પણ એક વાત નક્કી છે, આ અતિ બિગ બજેટ ફિલ્મ જોવા બધા જશે. ઇન્ડિયનો તો જશે જ, હોપફુલી, વિદેશી ઓડિયન્સ પણ જશે. રામાયણ જેવી અદ્ભુત રચના પશ્ચિમના ઓડિયન્સ પાસે એમને અપીલ કરે તેવા સ્વરૂપમાં પહોંચવી જ જોઈએ.
હાઇ ટાઇમ!









