Chitralok

જે શબ્દો ન કહીં શક્યા તે મૌને કહ્યું... પુષ્પક

By GS Team
13 Aug 20266 mins read
જે શબ્દો ન કહીં શક્યા તે મૌને કહ્યું... પુષ્પક
  • દાસ્તાન-એ- સિનેમા-નિનાદ ગજ્જર
  • કોઈને પૂછો કે, કમલ હાસનની બેસ્ટ કોમેડી ફિલ્મ કંઈ? તો જવાબમાં 'ચાચી-૪૨૦' સાંભળવા મળે તો નવાઈ નહીં, પરંતુ કમલ હાસનની બેસ્ટ કોમિક ટાઈમિંગ માટે 'પુષ્પક' જોવી પડે. 'પુષ્પક' (૧૯૮૭)એક એવી સાયલન્ટ ફિલ્મ છે, જેને જોઈને ખ્યાલ આવે કે, કમલ હાસનની ગણતરી ભારતના બેસ્ટ એક્ટર્સમાં કેમ થાય છે? 'પુષ્પક' માટે ચાર્લી ચેપ્લિનની ફિલ્મ 'સિટી લાઈટ્સ' પરથી પ્રેરણા લેવામાં આવી, પરંતુ કમલ હાસને તેને પોતાના અંદાજમાં ઢાળી. એટલે જ આ ફિલ્મ તે સમયની સ્લીપર હિટ સાબિત થઈ. ફિલ્મને હિંદી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમમાં અલગ અલગ ટાઈટલ સાથે રિલીઝ કરાઈ હતી.

આવાત ૧૯૧૪ની છે. ૨૫ વર્ષનો એક આર્ટિસ્ટ કીસ્ટોન સ્ટુડિયોમાં પ્રવેશ્યો. પ્રવેશતા સાથે જ તેની મજાક ઉડાવવામાં આવી. ઘણાએ કહ્યું, બે સાઈઝ નાનો કોટ, બે સાઇઝ મોટું પેન્ટ અને માથા પર બોલર હેટ પહેરેલો જોકર શું કરી લેશે? તેણે જે કર્યું તેનાથી ઈતિહાસ રચાયો. તેણે વર્લ્ડ સિનેમાને નવી ભાષા આપી. આ ભાષામાં શબ્દો નહોતા પણ ઈમોશન્સ ભરપૂર હતા. એવા ઈમોશન્સ કે જે પેટ પકડીને હસાવે, ક્યારેક રડાવે તો ક્યારેક વિચારવા મજબૂર કરે. હવે, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે, વાત ચાર્લી ચેપ્લિનની થઈ રહી છે. આ બે સાઈઝ નાના કોટ, બે સાઇઝ મોટા પેન્ટ અને માથા પર બોલર હેટ સાથે જે શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ તેનું નામ હતું, 'કિડ ઓટો રેસિઝ એટ વેનિસ'. દુનિયા ચાર્લીના લિટલ ટ્રેમ્પ કેરેક્ટરને જાણતી થઈ. ચાર્ર્લીએ સાયલન્ટ ફિલ્મોના જમાનામાં કમાલ કરી. પરંતુ જ્યારે, બોલતી ફિલ્મો આવી ત્યારે ફરી તેની મજાક ઉડાવવામાં આવી. ઘણાએ કહ્યું કે, હવે તેની કારકિર્દીનો ધી એન્ડ. આવડે છે એને ડાયલોગ્સ બોલતા? હવે, બોલવું પડશે એટલે બધી હોશિયારી નીકળી જશે. ચાર્લીએ આ સવાલોનો જવાબ પણ મૌનથી આપ્યો. ટોકી ફિલ્મોના જમાનામાં એક પછી એક એવી ફિલ્મો આપી જેને દર્શકોએ વધાવી લીધી. આ બધી ફિલ્મો તેના જવાબ જેવી જ હતી, મૌન.
ચાર્લીના મૌનની સુવાસ ચારેતરફ ફેલાઈ. પહેલા મજાક ઉડાવાઈ અને પછી કોપી થઈ. અને પછી તો વિશ્વભરમાં ચારેતરફ ચાર્લી ફેલાઈ ગયો. બધાને ચાર્લી જેવા જ કપડાં પહેરવા હતા. ચાર્લી જેવી જ એક્ટિંગ કરવી હતી. ચાર્લી જેવી સ્ટોરી સાથેની ફિલ્મો કરવી હતી. અહીં, ભૂલવું નહીં કે, પહેલા તેની મજાક ઉડાવવામાં આવી હતી. ભારતની વાત કરીએ તો તે સમયે ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં સૌથી મોટું નામ હતું, રાજ કપૂરનું. તેમણે 'આવારા' (૧૯૫૧) અને 'શ્રી ૪૨૦' (૧૯૫૫)માં ચાર્લીની સ્ટાઈલ અપનાવી. નાની સાઈઝના કપડાં, ચાર્લી જેવી ચાલ અને ફિલ્મમાં ટ્રેજિકોમિક સ્ટોરી. તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી કેમ ના પાછા પડે? તેમણે 'ચંતાબ્બાઈ' ફિલ્મમાં ચાર્લીની કોપી કરી. જે હીટ રહી. ભારતમા ચર્ચાસ્પદ એ કલાકાર રહ્યો જેણે ચાર્લીની કોપી તો કરી પણ પોતાના અંદાજમાં. સામાન્ય રીતે, કોઈને પૂછો કે કમલ હાસનની કોમેડી ફિલ્મ યાદ છે? તો સામેથી જવાબ આવશે, હા, 'ચાચી-૪૨૦' કોને યાદ ન હોય? પણ, ના 'ચાચી-૪૨૦' પહેલા પણ કમલ હાસને કમાલ કરી હતી. ૧૯૮૭માં ટ્રેન્ડ અલગ ચાલી રહ્યો હતો. ટ્રેન્ડથી અલગ તેમણે સાયલન્ટ ફિલ્મ રજૂ કરી. ચાર્લી ચેપ્લિનની કોપી કરી પણ કંઈક હટકે. જે ફિલ્મ બની તે પણ હટકે બની. સાયલન્ટ ફિલ્મ હતી પણ હિંદી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમમાં રિલીઝ થઈ. આ થયું તેના ટાઈટલને કારણે. આ સાયલન્ટ ભાષાકીય ફિલ્મનું નામ હતું, પુષ્પક.
રાવણના પુષ્પકનું નવું રૂપ
ફિલ્મના ટાઈટલમાં જ ડાર્ક કોમેડી છે. પૌરાણિક કથા અનુસાર, પુષ્પક વિમાનને ધનના દેવ કુબેર માટે સ્વર્ગના વાસ્તુકાર ભગવાન વિશ્વકર્માએ બનાવ્યું હતું. જે પાછળથી રાવણે છીનવી લીધું. માતા સીતાજીના અપહરણ માટે તેણે આ પુષ્પક વિમાનનો જ ઉપયોગ કર્યો હતો. પુષ્પક એટલે ભવ્ય પણ બીજાની માલિકીનું પડાવી-છીનવી લીધેલું વ્હીકલ. આ ફિલ્મનું મુખ્ય પાત્ર પણ કંઈક રાવણ જેવું જ છે. પણ, કોમન મેનનો રાવણ કેવો હોય..બસ એવો! તે એક નાનકડી રૂમમાં ભાડે રહે છે. હોશિયાર છે પણ બેરોજગાર છે. એક દારૂડિયાના હોટલના રૂમની ચાવી તેને અનાયાસે મળી જાય છે. અને તે સીધો જ ફાઈવ સ્ટાર હોટલ પુષ્પકના લક્ઝરી સ્યૂટમાં રહેવા જતો રહે છે. થોડા દિવસ માટે એવી લક્ઝરી લાઈફ જીવે છે, જેની તેણે કલ્પના પણ નહોતી કરી. એટલે, ફિલ્મમાં પણ રાવણના પુષ્પક જેવો રથ છે. આ રથ પર સવાર એક કોમન મેન છે. એક એવો કોમન મેન કે, જે ઝગમગ જોઈને ભાન ભૂલ્યો છે. ફિલ્મમાં કહેવામાં આવ્યું છે કે, જીવનમાં આવા અનેક પુષ્પક વિમાનો તમારી સામે આવશે, તેમને દૂરથી જયશ્રી કૃષ્ણ કહેશો તો સુખી રહેશો.
અદભુત સ્ટાર કાસ્ટ
લીડ રોલમાં કમલ હાસન સિવાય અન્ય કોઈની કલ્પના શક્ય નથી. તેમ જ દારૂડિયાના રોલ માટે સમીર ખખ્ખર પરફેક્ટ હતા. તે સમયે તેઓ દુરદર્શનની સિરીઝલ 'નુક્કડ'માં ખોપડીનો રોલ કરી રહ્યા હતા અને દારૂડિયા તરીકે ટાઈપકાસ્ટ થઈ ગયા હતા. ફિલ્મની હિરોઈન તરીકે ડિરેક્ટર એસ. એસ. રાવ નીલમ કોઠારીને લેવા માંગતા હતાં. પરંતુ, નીલમ સાથે વાત ન બનતા અમાલાની પસંદગી કરાઈ. એમાં બન્યું એવું કે, એક એવોર્ડ ફંક્શનને અમાલા હોસ્ટ કરી રહી હતી ત્યારે રાવની નજર તેના પર પડી. બીજી તરફ, કોન્ટ્રેક્ટ કિલરના રોલ માટે અમરીશ પુરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમની પાસે ડેટ્સ નહોતી. એટલે, કમલ હાસનની વાઈફ સારિકાએ ટીનૂ આનંદની ભલામણ કરી. જાદુગરના રોલ માટે પહેલા પી. સી. સરકાર જુનિયરને લેવાની તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ, ટીવી એક્ટર કે. એસ. રમેશની પસંદગી કરાઈ. આ સિવાય ફરીદા જલાલ જાદુગરની પત્નીના રોલમાં જોવા મળે છે. જ્યારે, લોકનાથ પુષ્પક હોટલના માલિક અને પી. એલ. નારાયણ ભીખારીના રોલમાં જામે છે.
જે વાત સત્યજીત રેને સ્પર્શી
ફિલ્મમાં હીરો અને હીરોઈનના પ્રેમને સાંકેતિક ભાષામાં ખીલતો બતાવવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, પ્રેમની કોઈ ભાષા ન હોય. સત્યજીત રેને આ ફિલ્મનો એક ડાર્ક સીન ખૂબ ગમ્યો હતો. જેમાં, હોટલ પુષ્પકના માલિકની અંતિમયાત્રામાં હીરો-હીરોઈન જોડાય છે. તેઓ એકબીજા સાથે થોડી વધુ મિનિટો વિતાવવા મળે તે માટે વારંવાર મૃતદેહની પ્રદક્ષિણા કરે છે.
એક સ્લીપર હિટ ફિલ્મ
પહેલા પહેલા તો આ ફિલ્મને કોઈ પ્રોડયુસર ન મળ્યા. એટલે, ફિલ્મના ડિરેક્ટર રાવે જ પ્રોડયુસરની જવાબદારી લીધી. ત્યારબાદ, કન્નડ અભિનેતા શ્રૃંગાર નાગરાજ જોડાયા અને રાવને મદદ મળી. તે સમયે આશરે રૂ. ૩૫ લાખના ખર્ચે બનેલી ફિલ્મે રૂ. ૧ કરોડથી વધુની કમાણી કરી. આ ફિલ્મ બેંગલુરુમાં ૩૫ અઠવાડિયા ચાલી. તે સમયની સ્લીપર હિટ ફિલ્મ રહી. ફિલ્મે લોકપ્રિય ફિલ્મનો નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ્સ સાઉથમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.
ભીખારીના રોલ સાથે ધન કી બાત
સામાન્ય માન્યતા એવી કે, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. આ માન્યતાને ભીખારીના રોલ સાથે ડાર્ક કોમેડીમાં ભેળવવામાં આવી છે. ફિલ્મમાં ભીખારીનું પાત્ર દર તબક્કે તેને આગળ લઈ જાય છે. એક દિવસ ફિલ્મનો હીરો ભીખારી પાસે ઊભો હોય છે. ભીખારીના હાથમાં ૫૦ પૈસાનો સિક્કો જોઈને તેને ટીખળ સૂજે છે. તે પોતાના પાકીટમાંથી ૧ રૂપિયાનો સિક્કો બહાર કાઢે છે. સિક્કા સાથે રમવા લાગે છે. તે સિક્કો ઉછાળીને ભીખારીનો મજાક ઉડાવવા માંગે છે. ત્યારે, ભીખારી પોતાના ફાટેલા પાથરણા નીચે તેને નોટોનો ખજાનો બતાવે છે. હીરોની હીરોગીરી અહીં નીકળી જાય છે.
જ્યારે, હીરો પુષ્પક વિમાનના આભાસી રૂપિયાની મજા માણતો હોય છે ત્યારે, ફરી એકવાર તેનો સામનો ભીખારી સાથે થાય છે. તે ભીખારીને પોતાની પાસેના નોટોના બંડલો બતાવીને તેની મજાક ઉડાવે છે અને આનંદ માણે છે. કટ ટુ, હીરો આભાસી પુષ્પક વિમાનમાંથી ઉતરીને પાછો જમીન પર આવે છે ત્યારે, ફરી એકવાર ભીખારીના ઠેકાણે પહોંચે છે. જુએ છે કે, ભીખારીનું મોત થયું છે. ભીખારીના મૃતદેહને લઈ જતાં ૧૦થી વધુ લોકોને જુએ છે. પહેલા મનમાં ખુશી થાય છે કે, વાહ…માનવતા હજી પણ જીવિત છે. માનવતા પર તેનો વિશ્વાસ વધે છે. પણ, જેવા ભીખારીના ખીસામાંથી રૂપિયાની નોટો પડવા લાગે છે આ વિશ્વાસ ડગમગે છે. ભીડ ભીખારીને નીચે ઉતારીને રૂપિયા ઉઠાવવા લાગી જાય છે. એક તરફ, ભીખારીનો દેહ પડયો રહે છે અને ભીડ રૂપિયા ભેગા કરવા લાગી જાય છે.
મૌનની ભાષા સમજાવતી ફિલ્મ
આપણે શબ્દોની જાદુગરીને માન આપીએ છીએ પણ ક્યારેક ભૂલી જઈએ છીએ કે, મૌન પાસે પણ તાકાત છે. અમુક સંજોગોમાં અભૂતપૂર્વ તાકાત છે. એટલે જ કહેવાય છે ને કે, 'હઝારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરુ
રખતી હૈ..'