સિદ્ધાંત કર્ણિક : દેશમાં જે ન મળ્યું એ વિદેશે આપ્યું

- 'મેં 'એનિમલ' પછી આઠ મહિના રાહ જોઈ. ઓફર્સની વાત છોડો, મને કોઈ ઇન્કવાયરી પણ ન મળી. મેં આખરે મારો પપ્રોચ બદલ્યો અને…'
સંદીપ રેડ્ડી વાંગાની સુપર સકસેસફુલ ફિલ્મ 'એનિમલ' રણબીર કપૂર, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરીને બહુ ફળી. રાતોરાત ત્રણેય એકટર્સ ડિમાંડમાં આવી ગયા. એમાંય તૃપ્તિ ડિમરીને તો રીતસર જેકપોટ લાગી ગયો. પરંતુ બ્લોકબ્લસ્ટર 'એનિમલ' (૨૦૨૩)થી સિદ્ધાંત કર્ણિકને રતીભાર ફાયદો ન થયો. ફિલ્મમાં રણબીરના બનેવીનો નેગેટીવ રોલ કરનાર એક્ટરને આજે પણ એ વાતનો રંજ સતાવે છે. સિદ્ધાંતને આશા હતી કે આ ફિલ્મ મારા નસીબ આડેનું પાંદડુ ખસેડશે અને મારા બે દાયકાના સંઘર્ષની સુખદ ફળશ્રુતિ મળશે. એને બદલે અનુભવી એક્ટરને આઠ મહિનાનો કદી ન ઇચ્છેલો અવકાશ મળ્યો.
'૨૦૨૩નું વરસ મારા માટે બહુ સારું રહ્યું હતું. 'આદિ પુરુષ', 'મેઈડ ઇન હેવન' અને 'એનિમલ'માં મારા પરફોર્મન્સની પ્રશંસા થઈ. એટલે થયું કે હવે મારા માટે વિપુલ તકો સર્જાશે. બે દાયકાનો મારો સંઘર્ષ હવે રંગ લાવ્યો છે.
આવું બધું મનોમન વિચારી મેં આઠ મહિના રાહ જોઈ. પરંતુ ઓફર્સની વાત છોડો, મને કોઈ ઇન્કવાયરી પણ ન મળી. એને કારણે મને મારો અભિગમ બદલવાની ફરજ પડી. મેં એક એક્ટર તરીકે વિચારવાનું છોડી એક પ્રોડયુસર તરીકે વિચારવાનું શરૂ કર્યું,' એમ કર્ણિક હતાશાનો એ દોર વાગોળતા કહે છે.
આકસ્મિક અડચણે 'એક થા રાજા એક થી રાની', 'રિશ્તા ડોટ કોમ' અને 'પ્યાર કી એક કહાની' જેવી ટીવી સિરિયલોમાં દમદાર પરફોર્મન્સ આપવા માટે જાણીતા કર્ણિકને પોતાના કરિઅરનો પોતાની રીતે ચાર્જ લેવા પ્રેર્યો. ત્યાર પછી બદલાવ આવ્યો અને સિદ્ધાંતે બે ફ્રેન્ચ ફિલ્મો અને એક ઇંગ્લીશ ફિચર ફિલ્મમાં લીડ રોલ કર્યો. એ ફિલ્મ ડિસેંબરમાં રિલિઝ થશે. એ વિદેશી પ્રોજેક્ટ્સ પૈકીની એક શોર્ટ ફ્રેન્ચ ફિલ્મ 'ધ ડિગ્ગર્સ' માટે એને બેસ્ટ એક્ટર તરીકેના બબ્બે એવોર્ડ્સ મળ્યા.
'ધ ડિગ્ગર્સ' ફક્ત ૨૪ મિનિટની એક સસ્પેન્સ થ્રિલર મૂવી છે. સફળતાથી ગેલમાં આવી ગયેલો સિદ્ધાંત કહે છે, 'વિદેશી ફિલ્મો માટે મને મળેલા એવોર્ડ્સ મારા માટે ચોક્કસપણે એક સુખદ અનુભૂતિ છે. પરંતુ એથી પણ વધુ મહત્ત્વની મારી ટેલેન્ટની થયેલી કદર છે. એણે એવો નિર્દેશ કર્યો છે કે હું કમર્સિયલી અને ક્રિટીકલી બંને દ્રષ્ટિએ કસોટી પર ખરો ઉતરી શકું એવો આર્ટિસ્ટ છું. મારા કરિઅરના આ તબક્કે મારા માટે એ જ અગત્યનું છે.









