Chitralok

શીબા ચડ્ઢા રામાયણની ભવ્યતા જોઈને મંથરા બનવા પ્રેરાઈ

By GS Team
1 Oct 20263 mins read
શીબા ચડ્ઢા રામાયણની ભવ્યતા જોઈને મંથરા બનવા પ્રેરાઈ
  • 'રામાયણ'ના ડિરેક્ટર નીતેશ તિવારીનો એકટર્સ સાથેનો વ્યવહાર બહુ સાલસ હોય છે. પોતાને એક્ટર પાસેથી શું જોઈએ છે એ બાબતમાં તેઓ એકદમ સ્પષ્ટ હોય છે. મેં એક્ટર તરીકે મારું કામ નિષ્ઠાપૂર્વક કર્યું છે. ચૂકાદો ઓડિયન્સ આપશે.'

દર્શકો જેને 'સાઈડ રોલ' કહે છે એવા કેરેકટર રોલ્સમાં પણ પોતાની ટેલેન્ટના જોરે આગવી છાપ છોડનાર એકટર્સની યાદી બનાવો તો એમાં શીબા ચડ્ઢાનું નામ મુકવું પડે. શીબા વિના એ યાદી અધૂરી લાગવાની. એની સાથે કોઈ સીીન શૂટ કરવાનો હોય ત્યારે લીડ એકટર્સ પણ બરાબર હોમવર્ક કરીને સેટ પર આવે છે. ચડ્ઢાએ વેબ સીરિઝ 'ધ ટ્રાયલ'માં એક લો ફર્મની ચેન સ્મોકિંગ પાર્ટનર માલિની ખન્નાના રોલમાં કાજોલ જેવી ટોચની એક્ટરને ઝાંખી પાડી દીધી હતી. આજકાલ શીબાની ફિલ્મ 'મિર્ઝાપુર : ધ મૂવી' બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. એકટ્રેસે આ પોપ્યુલર વેબ સીરિઝ 'મિર્ઝાપુર' પરથી બનેલી ફિલ્મમાં ગુડ્ડુ અને બબલુની માતા વસુધા પંડિતનું પાત્ર સાકાર કર્યું છે. 'હૈવાન' જેવી મોટી ફિલ્મ સાથે રિલિઝ થયેલી મૂવીએ ગણતરીના દિવસમાં ૧૮૫ કરોડનું કલેક્શન કરી લીધું છે.
સામાન્યપણે ૫૪ વરસની 'બધાઈ હો' ફેમ એક્ટર પ્રોજેક્ટ પુરો કર્યા બાદ એના વિશે અનાસકત ભાવ કેળવી લે છે. શીબા પોતાના શો કે ફિલ્મની સફળતા કે નિષ્ફળતા વિશે નથી વિચારતી. એ સંદર્ભમાં એક્ટર કોઈ પ્રકારનું પ્રેશર નથી રાખતી. જો કે 'મિર્ઝાપુર' એમાં એક અપવાદ છે. પ્રોજેક્ટને મોટા પડદા પર મળેલી અદ્ભુત સફળતા એને મન સ્પેશ્યલ છે. કદાચ એટલા માટે કે 'મિર્ઝાપુર' સીરિઝનું ૨૦૧૮માં ઓટીટી પર પ્રસારણ શરૂ થયું ત્યારથી એની સાથે જોડાયેલી છે. 'મારા સહિત 'મિર્ઝાપુર'ની સમગ્ર સ્ટારકાસ્ટ એની સાથે ઇમોશનલી જોડાયેલી છે. એટલે અમને એવો વિચાર આવવો સ્વાભાવિક છે કે વેબ શોમાં તો દર્શકોએ અમને પ્રચંડ આવકાર આપ્યો પણ એના પર બનેલી મૂવીને પ્રેક્ષકો કેવો પ્રતિસાદ આપશે? પણ હું દર્શકોના જબરદસ્ત રિસ્પોન્સથી ખુશ છું. હવે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ મૂવી ઈન્ડસ્ટ્રીમાં વેબ સીરીઝનું ફિલ્મમાં રૂપાંતર કરવાનો ટ્રેન્ડ શરૂ કરશે,' એમ વર્સેટાઈટલ એક્રેસ પ્રસન્ન વદને કહે છે. શીબા ચડ્ઢાના આગામી પ્રોજેક્ટ્સ પણ ખાસ્સા ઇમ્પ્રેસિવ છે. એના વેબ શો 'બકૈતી'ની બીજી સિઝનનું પ્રસારણ શરૂ થવાનું છે. જ્યારે નવેંબ્રમાં દિવાળી ટાંકણે આ વરસથી સૌથી મોટી ફિલ્મ 'રામાયણ : પાર્ટ-૧' રિલિઝ થશે. ૪ હજાર કરોડના ખર્ચે બનેલી મલ્ટીસ્ટારર રામાયણમાં ચડ્ઢા મંથરાની ભૂમિકામાં છે. રામના વનવાસ માટે નિમિત્ત બનનાર કૈકેયીની દુષ્ટ દાસીનો રોલ તમે શા માટે સ્વીકાર્યો એવી પૃચ્છાના જવાબમાં શીબા ખુલાસો કરે છે, હું આ એપિક ફિલ્મની ભવ્યતા જોઈને એમાં કામ કરવા પ્રેરાઈ હતી. 'રામાયણ'ના ડિરેક્ટર નીતેશ તિવારીનો એકટર્સ સાથેનો વ્યવહાર બહુ સાલસ હોય છે. પોતાને એક્ટર પાસેથી શું જોઈએ છે એ બાબતમાં તેઓ એકદમ સ્પષ્ટ હોય છે. મેં એક્ટર તરીકે મારું કામ કરી દીધું છે. દર્શકો મને મંથરાના કેરેકટર્સમાં જોઈને શું કહેશે એની મને પરવા નથી. આમેય લોકોની અપેક્ષાઓ વિશે વિચારીને હું ક્યારેય વિચલિત નથી થતી. મારું પૂરેપૂરું ફોકસ પાત્રને શક્ય એટલી પ્રભાવી રીતે પડદા પર સાકાર કરવા પર હોય છે.