Chitralok

સલમાન ખાન : હીરાનો પારખુ કે નેપોટિઝમનો વાહક?

By GS Team
1 Oct 20263 mins read
સલમાન ખાન : હીરાનો પારખુ કે નેપોટિઝમનો વાહક?
  • તમને સલમાન ખાન ગમે કે ન ગમે, પણ એમના વિશે સારા-ખરાબ સમાચારો સતત આવતાં જ રહે છે. આજકાલ 'બિગ બોસ'ને કારણે ન્યુઝમાં ચમકતા સલમાન વિશે ખાસ્સી પોઝિટિવ વાતો થઈ રહી છે. જેમ કે, એમણે બોલિવુડની કેટલી પ્રતિભાઓને શોધી કાઢી યા તો એની ટેલેન્ટને તરાશવામાં મદદ કરી. લો, તમેય જુઓ.

ઋત્વિક રોશન
ઋતિક રોશન મૂળ તો ફિલ્મી પરિવારનો નબીરો છે. તેના પિતા રાકેશ રોશને ભૂતકાળમાં અનેક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી અને તેઓ બોલિવુડના ટોચના ફિલ્મમેકર્સમાં ગણાય છે. પરંતુ રાકેશ રોશનના સુપુત્રને એક કમ્પ્લીટ સ્ક્રીન હીરો તરીકે તરાશવામાં સલમાન ખાને મહત્વનો ફાળો આપ્યો છે. જ્યારે ફિલ્મ 'કરણ અર્જુન' બની રહી હતી ત્યારે તિક સેટ પર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો અને દેખાવે સાધારણ તેમજ થોડો અનઘડ લાગતો હતો. સદનસીબે તેણે ફિટનેસ અને બોડી બિલ્ડિંગ માટે સલમાનનો સંપર્ક કર્યાે. ત્વિકની ડેબ્યુ ફિલ્મ 'કહો ના.. પ્યાર હૈ' (૨૦૦૦) રિલીઝ થઈ તે પહેલાં સલમાને અંગત રસ લઈને આ નવયુવાનની ફિટનેસ અને ફિઝિકને એક સોહામણા અને આકર્ષક એક્શન હીરોમાં તબદીલ કરી દીધી હતી.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા શત્રુઘ્ન સિંહા જેવા દિગ્ગજ કલાકારની દીકરી છે, પરંતુ પિતા પોતાની દીકરી મોટી થઈ ત્યાં સુધી જે હીર ન પારખી શક્યા તે સલમાને પારખી લીધું હતું. તે સમયે લગભગ ૯૦ કિલો વજન ધરાવતી સોનાક્ષીમાં રહેલી અભિનય ક્ષમતા અને આકર્ષક ચહેરો ઓળખીને સલમાને તેને પોતાની ફિલ્મ 'દબંગ' (૨૦૧૦) માટે સાઈન કરી હતી. અલબત્ત, સલમાનના માર્ગદર્શન હેઠળ કડક ફિટનેસ ટ્રેનિંગ દ્વારા વજન ઘટાડયા પછી જ તેનું શૂટિંગ શરૂ થયું હતું. ૨૦૧૦માં રિલીઝ થયેલી આ પહેલી ફિલ્મ બાદ સોનાક્ષી લગભગ અડધા દાયકા સુધી હિન્દી સિનેમામાં ટોચ પર છવાયેલી રહી. મજાની વાત એ છે કે સોનાક્ષીના જીવનસાથી ઝહીર ઇકબાલને પણ સલ્લુ મિયાંએ જ વર્ષ ૨૦૧૯માં પોતાની ફિલ્મ 'નોટબુક' દ્વારા લોન્ચ કર્યાે હતો, કારણ કે ઝહીર સલમાનના જૂના અને અંગત મિત્ર ઇકબાલ રતનસીનો સુપુત્ર છે.
કિઆરા અડવાણી
કિઆરા અડવાણી આજે હિન્દી ફિલ્મોદ્યોગમાં ખરા અર્થમાં ઝળહળી રહી છે. 'ટોક્સિક'ની આ અદાકારાની માતા જેનેવીવ અડવાણી અને સલમાન ખાન બાળપણનાં પાકા મિત્રો છે. બંનેએ સાથે મળીને પુષ્કળ સાયકલ ચલાવી છે અને એકબીજા સાથે પોતપોતાનાં સપનાંઓની વાતો શેર કરી છે. કિઆરાએ એક મુલાકાતમાં એમ પણ જણાવ્યું હતું કે સલમાન વરસો અગાઉ તેની એક આંટીને ડેટ કરતો હતો. ખેર, એ વાત બાજુએ રાખીએ તો કિઆરાએ જ્યારે અભિનય ક્ષેત્રે આવવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે સલમાને જ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આટાપાટાથી વાકેફ કરાવી હતી. સલમાને જ તેને પોતાનું અસલી નામ 'આલિયા' બદલીને સ્ક્રીન નેમ 'કિઆરા' રાખવાની મહત્વની સલાહ આપી હતી.
આ ઉપરાંત નૂતનની પૌત્રી અને મોહનીશ બહલની પુત્રી પ્રનૂતન, આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી અને ફિલ્મમેકર મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકરની કરીઅર ઘડવામાં પણ સલમાને નક્કર મદદ કરી છે.