Chitralok

સાઇ તામ્હણકર હવે બને છે પોલીસ ઓફિસર

By GS Team
23 Jul 20263 mins read
સાઇ તામ્હણકર હવે બને છે પોલીસ ઓફિસર
  • 'કારનામા : બદલા ગિયર, પલ્ટી કિસ્મત' વેબ શોમાં ચાર કડકા મિત્રો કાર ચોરે અને પછી સર્જાય છે અજીબોગરીબ ઘટનાઓનો સિલસિલો

ભારતમાં મનોરંજન ક્ષેત્રમાં ઘણા રસપ્રદ પ્રયોગ થઇ રહ્યા છે. ખાસ કરીને વેબ સિરિઝ, ઓવર ધ ટોપ (ઓટીટી), વિડિયો સિરીઝ વગેરે. આવા પ્રયોગોથી હિન્દી સહિત વિવિધ પ્રાંતીય ભાષાની ફિલ્મોના અને ટેલિવિઝનના કલાકારોને બહોળી તક મળી રહી છે. દર્શકોને ભરપૂર મનોરંજન મળે છે અને તે પણ ઘરના એરકન્ડિશન્ડ વાતાવરણમાં બેઠાં બેઠાં.
'કારનામા : બદલા ગિયર, પલ્ટી કિસ્મત' વેબ સિરિઝ મનોરંજનનો આવો જ એક મજદાર પ્રયોગ છે. વાત એમ છે કે 'કારનામા : બદલા ગિયર પલ્ટી કિસ્મત' વેબ સિરિઝમાં મરાઠી અને હિન્દી ફિલ્મ જગતની પ્રતિભાશાળી અભિનેત્રી સાઇ તામ્હણકર લેડી પોલીસ ઓફિસરની મજેદાર ભૂમિકા ભજવે છે. આમ તો સાઇ તામ્હણકરે તેની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. આમ છતાં આ વેબ સિરિઝમાં તેને પોલીસ ઓફિસરનું નવું અને મજેદાર પાત્ર ભજવવાની તક મળી હોવાથી તે ખુશખુશાલ છે.
'કારનામા: ગિયર બદલા, પલ્ટી કિસ્મત' વેબ સિરિઝ વિનય વાઇકુલના દિગ્દર્શનમાં તૈયાર થઇ રહી છે. સાઇ સાથે સિકંદર ખેર, પુરવ ઝા, નમન જૈન, સાકિબ અયુબ, પ્રેરક મહેતા વગરે કલાકારો છે.
વેબ સિરિઝની કથા એવી છે કે ચાર મિત્રો પર નાણાંકીય બોજો આવી જાય છે. તેમના પર દેવું થઇ જાય છે. દેવાના ડુંગરામાંથી બહાર નીકળવા માટે ચારેય મિત્રો મોંઘી અને વૈભવી મોટરકારની ચોરી કરવાનું શરૂ કરે છે. ચારેય મિત્રોનું આ કારનામું ચારેય તરફ ફેલાઇ જાય છે. આ સમગ્ર કારનામામાં એક પછી એક જબરા ઘટનાક્રમ થાય છે.
તુઝ્યાવીના (૨૦૦૩) ટીવી સિરિયલથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનારી સાઇ તામ્હણકર કહે છે, 'કારનામા : બદલા ગિયર, પલ્ટી કિસ્મત' વેબ સિરિઝ લગભગ આ વર્ષના અંતમાં રજૂ થવાની શક્યતા છે. આ વેબ સિરીઝના દિગ્દર્શક વિનય વાઇકુલ સાથે મને બહુ મજા આવી. મેં આમ તો વિનય સર સાથે પહેલી જ વખત કામ કર્યું હોવા છતાં મને ઘણો સારો અનુભવ થયો છે. હા, વિનય સરનાં ધર્મપત્ની અચ્છા વાર્તા લેખક અને અભિનેત્રી મૃણમયી લાગુ વાઇકુલ મારી બહુ સારી બહેનપણી છે.
સાઇ તામ્હણકર મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલનાં પ્રતિભાશાળી અને સન્માનનીય અભિનેત્રી હોવાથી તેણે હિન્દી ફિલ્મોમાં પણ મજેદાર પાત્રો ભજવ્યાં છે.
બોલિવુડના મોટા ગજાના નિર્માતા - દિગ્દર્શક સુભાષ ઘાઇની બ્લેક એન્ડ વ્હાઇટ, લવ સોનિયા, મીમી વગેરે હિન્દી ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવનારી સાઇ તામ્હણકર કહે છે, મેં ફિલ્મના મોટા પડદા પર અને ટીવીના નાના પડદા પર કામ કર્યું છે. હું મારા બહોળા અનુભવના આધારે કહું છું કે સફળતા, યશ, કિર્તી, ધન-સંપત્તિ વગેરે કાંઇ ઘરમાં બેઠાં બેઠાં નથી મળતાં કે ચપટી વગાડતામાં પણ નથી મળતાં. તેના માટે તો ભરપૂર સંઘર્ષ કરવો પડે.
અભિનય ઉપરાંત મહારાષ્ટ્ર સ્ટેટ કબડ્ડી પ્લેયર અને કરાટેમાં ઓરેન્જ બેલ્ટ ધરાવતી સાઇ તામ્હણકર બહુ જ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, વળી, ફિલ્મ જગતમાં તો નબળાં કે કાચાપોચાનું કામ નહીં. અહીં તો તમારે રાત -દિવસ મહેનત કરી પડે. બધાં સાથે સારાસારી રાખવી પડે. નિરાશા, માન -અપમાન વગેરે બાબતોને એક તરફ રાખવી જોઇએ. હા, ફિલ્મની દુનિયામાં સફળતા -નિષ્ફળતા,યશ-અપયશ, માન -સન્માન વગેરેનું ચક્ર તો ફરતુ જ રહેવાનું. ભારોભાર અનિશ્ચિતતાના આવા માહોલમાં તમારો આત્મવિશ્વાસ જ તમને નવી ઉર્જા, નવી ચેતના આપશે. તમારા જીવનનોઅને કારકિર્દીનો નિર્ણય તમારે જ લેવાનો હોય છે. ખરું કહું તો તમે પોતે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો.