Chitralok

રકુલ પ્રીત હવે બની છે રૂપાળી રાક્ષસી શૂર્પણખા

By GS Team
18 Sep 20263 mins read
રકુલ પ્રીત હવે બની  છે રૂપાળી રાક્ષસી શૂર્પણખા
  • 'રાવણની બહેનના જીવનનાં ઘણાં નવાં પાસાં જાણવા મળ્યાં…'

હિન્દી ફિલ્મ જગતના અમુક કલાકારોને ક્યારેક હિન્દુ દેવી-દેવતાઓનાં તેમજ રામાયણ અને મહાભારત જેવાં પૌરાણિક મહાકાવ્યોનાં અમર પાત્રો ભજવવાની સોનેરી તક મળતી હોય છે. ભૂતકાળમાં અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા, અરવિંદ ત્રિવેદી, દારા સિંહ, લલિતા પવાર, નીતીશ ભારદ્વાજ અને પુનિત ઈસ્સાર જેવા કલાકારોએ આ મહાગ્રંથોનાં પાત્રોને પડદા પર જીવંત કર્યાં હતાં. રામાયણ અને મહાભારત પર આધારિત એક કરતાં વધુ સફળ ટેલિવિઝન સિરિયલો પણ બની ચૂકી છે. હવે નીતીશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'રામાયણ' સિનેમાઘરોમાં રજૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. અંદાજે રૂ. ૪,૦૦૦ કરોડના મહાબજેટમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મમાં હિન્દી, તમિલ અને કન્નડ સિનેમાના ટોચના સિતારાઓ વિવિધ ઐતિહાસિક પાત્રો સાકાર કરી રહ્યા છે.
આ નવી ફિલ્મ 'રામાયણ'માં હિન્દી ફિલ્મ જગતની અભિનેત્રી રકુલ પ્રીત સિંહ શૂર્પણખાની વિશિષ્ટ ભૂમિકા ભજવી રહી છે. 'શૂર્પણખા' મૂળ સંસ્કૃત શબ્દ છે. 'શૂર્પ' એટલે અનાજ સાફ કરવાનું સૂપડું અને 'નખ' એટલે આંગળીઓના નખ. આમ, સૂપડા જેવા લાંબા નખ ધરાવતી ી એટલે શૂર્પણખા. પૌરાણિક સંદર્ભ અનુસાર શૂર્પણખાનું સાચું નામ મીનાક્ષી હતું, પરંતુ નખના મોટા કદને કારણે તેનું નામ શૂર્પણખા પડયું હતું.
આ ફિલ્મમાં ભગવાન શ્રીરામનું પાત્ર બોલિવુડ અભિનેતા રણબીર કપૂર, સીતાજીનું પાત્ર સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી, હનુમાનજીનું પાત્ર સની દેઓલ અને રાવણનું પાત્ર કન્નડ સુપરસ્ટાર યશ ભજવી રહ્યા છે.
દિલ્હીના પંજાબી પરિવારમાં જન્મેલી અને ઉછરેલી રકુલ પ્રીત સિંહ ખુશી વ્યક્ત કરતાં કહે છે, 'મેં તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અત્યાર સુધી વિવિધ ભૂમિકાઓ ભજવી છે, પરંતુ નીતીશ તિવારીની 'રામાયણ'માં શૂર્પણખા બનવાનો અનુભવ સાવ નોખો છે. આપણા લોકમાનસમાં શૂર્પણખા એટલે માત્ર એક કુટિલ, ઘમંડી અને ઝેરીલા સ્વભાવવાળી ખલનાયિકાની જ છાપ છે. જ્યારે મને આ ભૂમિકાની ઓફર મળી ત્યારે મને પણ તેના વિશે સીમિત માહિતી હતી. માત્ર એટલી ખબર હતી કે તે લંકાપતિ રાવણની બહેન હતી. પરંતુ જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી અને પાત્રનું ઊંડાણપૂર્વક સંશોધન કર્યું ત્યારે મને તેના ઘણાં અજાણ્યાં પાસાં વિશે જાણવા મળ્યું. મેં આ ભૂમિકા માટે ખાસ તૈયારી કરી છે.'
દિલ્હી યુનિવસટીમાંથી ગણિત વિષય સાથે સ્નાતક થયેલી રકુલ પ્રીત સિંહ એક રસપ્રદ દ્રષ્ટિકોણ રજૂ કરતાં કહે છે, 'સમયના વહેણ સાથે પૌરાણિક પાત્રોના અર્થઘટનમાં પણ પરિવર્તન આવ્યું છે. નવાં ઐતિહાસિક સંશોધનો દ્વારા વધુ રસપ્રદ પરિપ્રેક્ષ્ય સામે આવે છે. એક કલાકાર તરીકે મને એ જાણીને આશ્ચર્ય થયું કે શૂર્પણખા લંકાની સૌથી સ્વરૂપવાન ીઓમાં ગણાતી હતી, રૂપરૂપનો અંબાર હતી. જોકે, તેને પોતાના રૂપનું ભારે અભિમાન હતું અને તે સ્વભાવે ઘણી ઉદ્ધત હતી.'
તે આગળ ઉમેરે છે, 'રામાયણ મુજબ વનવાસ દરમિયાન પ્રભુ શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી સાથે શૂર્પણખાનો ભેટો થાય છે અને ઘટનાક્રમ એવો વળાંક લે છે કે લક્ષ્મણજી ક્રોધિત થઈને તેનું નાક કાપી નાખે છે. આ ઘટના પહેલાં અને પછીના પ્રસંગો પણ એટલા જ મહત્ત્વના છે. શૂર્પણખાના અંગત જીવનમાં અગાઉ શું બન્યું હતું અને તે કેવા સંજોગોમાં વનમાં પ્રભુ શ્રીરામ સમક્ષ પહોંચી હતી તે સમગ્ર બેકસ્ટોરી મારા માટે તદ્દન નવી અને રસપ્રદ સાબિત થઈ છે. મને પૂરી આશા છે કે પડદા પર શૂર્પણખાનું આ નવું પરિમાણ દર્શકોને ચોક્કસ પસંદ પડશે.'
ટચવુડ!