રાઘવ જુયાલ: મા-બાપે મારી ૧૬ વર્ષની સ્ટ્રગલ જોઈ છે

- 'ઘરના લોકો ઇચ્છતા હતા કે હું સરકારી નોકરી કરું અથવા પરિવારના બીજા અમુક સભ્યોની જેમ મિલીટરીમાં જોડાઈ જાઉં… પણ મારી અંદરનો કલાકાર એ માનવા તૈયાર નહોતો. એટલે પછી મારે મારા માળામાંથી ઉડી જવું પડયું.'
રિયાલિટી ટીવી શોમાં પોતાના સ્લો મોશન ડાન્સ માટે જાણીતા થયેલા રાઘવ જુયાલે એક્ટિંગમાં પણ પોતાનું કૌવત દેખાડી દીધું છે. થ્રિલર ફિલ્મ 'કિલ' અને આર્યન ખાનની વેબ સીરિઝ 'બેડ્સ ઓફ બોલિવુડ' ેની સાક્ષી પૂરે છે. છેલ્લે એક્ટર 'ભાઈ તેરા સ્ટાર' નામની ફ્લોપ ફિલ્મમાં સોલો હીરો તરીકે આવ્યો. શાહરુખ ખાનની બિગ બજેટ મલ્ટીસ્ટારર ફિલ્મ 'કિંગ'માં રાઘવ વિલનના રોલમાં જોવા મળશે.
તાજેતરમાં એક ઈવેન્ટમાં દેહરાદુનથી ભાગીને પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવેલા જુયાલે મીડિયા સાથે ખૂલીને વાત કરી. સૌપ્રથમ પોતાના મિડલ ક્લાસ પરિવાર વિશે વાત કરતા રાઘવ કહે છે, 'ક્યારેક મને એવું લાગે છે કે મારા માતા-પિતાએ મજબુરીમાં વકીલ અને ટીચર બનવું પડયું હશે. અન્યથા મૂળમાં બંને કલાકાર જ હતા. અમારા ફેમિલીમાં પહેલેથી કલા પ્રત્યે લગાવ છે. મને યાદ છે કે મારા દાદા જાણીતા કોમેડિયન કેસ્ટો મુખર્જીની મિમીક્રી કરતા. તેઓ રાઈટર હતા અને કવિતાઓ પણ લખતા. મારામાં કલા અને અભિનયના બીજ ત્યાંથી જ આવ્યા. પરંતુ મેં એક્ટર બનવાની વાત કરી તો ઘરમાં કોઈ રાજી ના થયું. ઘરના એવું ઇચ્છતા હતા કે હું સરકારી નોકરી કરું અથવા પરિવારના બીજા અમુક સભ્યોની જેમ મિલીટરીમાં જોડાઉં. પરંતુ મારી અંદરનો કલાકાર એ માનવા તૈયાર નહોતો. એટલે પછી મારે મારા માળા (ઘર)માંથી ઉડવું પડયું.'
૧૬ વરસના આકરા સંઘર્ષ બાદ બોલિવુડમાં જાણીતો થયેલો રાઘવ પોતાના પરિવાર પ્રત્યે અસીમ પ્રેમ ધરાવે છે. એણે ખાસ કરીને પોતાના મા-બાપ માટે ઘણાં સપના જોયા છે. 'ખરું કહું તો હું મારી પેઢીને લોઅર મિડલ ક્લાસના અભિશાપમાંથી મુક્ત કરવા ઇચ્છું છું. અમારા પછીની પેઢી એ અભિશાપમાં ન જીવવી જોઈએ. મેં મારા બાપ-દાદાને બે ટંકના રોટલા માટે સંઘર્ષ કરતા જોયા છે. અમારા વર્ગના લોકોને અવારનવાર એવું સાંભળવું પડે છે કે તમારી ઔકાતમાં રહો, જે મળે છે એમાં સંતોષ માનો. એ એક શ્રાપ જ છે અને એ મારે એ શ્રાપનો અંત લાવવો છે. હું એક નાનકડા શહેરના છોકરાની લાગણી વ્યક્ત કરી રહ્યો છું. મારા મા-બાપ જે બાંધ્યા પગારના ચક્રવ્યૂહમાં ફસાયેલા રહ્યા એમાંથી મારે એમને બહાર લાવવા છે. એમના માટે હું દેહરાદુનમાં પાંચ માળનું મકાન બંધાવી રહ્યો છું. મારે એમને ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરાવવો છે. એમણે મારી ૧૬ વરસની સ્ટ્રગલ જોઈ છે. હું એમને અવારનવાર કહેતો કે મારે સિંગલ હીરોવાળી ફિલ્મ કરવી છે. મારું એ સપનું સાકર થવા જઈ રહ્યું છે એટલે તેઓ બહુ ખુશ છું.'
ગ્લેમરની દુનિયામાં રહેવા છતાં રાઘવ માટે એવું કામ ટો પ્રાયોરિટી રહ્યું છે. એ વિવાદોમાં પડવાને બદલે પોતાના કામ પર ફોકસ કરવામાં માને છે. 'હમેશા મેરા કામ બોલા હૈ. હું જ્યારે ડાન્સર હતો ત્યારે બેસ્ટ હતો. હોસ્ટ બન્યો ત્યારે પણ વખણાયો. હવે એક્ટિંગ કરું છું. તો એમાં પણ બેસ્ટ જ બનીશ. હું સુપરસ્ટાર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છું. મેં આજસુધી કોઈ પ્રોડયુસરને કદી એવું નથી પૂછ્યું કે પેકઅપ ક્યારે થશે? વેનિટી વેન છે કે નહિ? મને તમે કેટલી પ્રાઈસ ચુકવશો? મારો એમને એક જ સવાલ હોય છે કે શુટિંગ માટે કયાં અને ક્યારે આવવાનું છે. કદાચ આ જ કારણસર પ્રોડયુસરો મારી સાથે કામ કરવા તત્પર છે,' એમ જુયાલ ગર્વથી કહે છે.









