પૂર્ણિમા તિવારીનો ભક્તિભાવ: 'હનુમાન અંશ'માં મારી જાતને રેડી દીધી હતી

- મજાની વાત એ છે કે 'હનુમાન અંશ' ફિલ્મની હિરોઇન પૂર્ણિમા તિવારીએ તેના પાત્ર માટે રાતી પાઇ પણ નથી લીધી. ફિલ્મમાં પૂર્ણિમા તિવારીએ નીમ કરોલી બાબાનાં ધર્મપત્નીની ભૂમિકા ભજવી છે.
- 'હું ૨૦૨૪માં બાબાના કૈંચી ધામનાં દર્શને ગઇ હતી. ફક્ત એક જ વર્ષમાં મને આવી સુંદર ફિલ્મમાં અભિનયની તક મળી તેને હું મારું સૌભાગ્ય સમજું છું…'
હનુમાન અંશ ફિલ્મની લોકપ્રિયતાએ આખા ભારતમાં આશ્ચર્ય સર્જ્યું છે. હનુમાન અંશ ફિલ્મમાં બોલીવુડનું એક પણ મોટું માથું કે નામ નથી. બોલીવુડની ફિલ્મની જેમ હનુમાન અંશ ફિલ્મનો કોઇ જ જબરો પ્રચાર પણ નથી થયો. આમ છતાં આ ફિલ્મે એમ કહો કે બોક્સ ઓફિસ પર રીતસર ટંકશાળ પાડી છે. છેલ્લા સમાચાર મુજબ હનુમાન અંશ ફિલ્મે ૩૦૦ કરોડની જબરી કમાણી કરી છે.
વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ હનુમાન અંશનું બીજું આશ્ચર્ય તો એ છે કે આ ફિલ્મની હીરોઇન પૂર્ણિમા તિવારીએ તેના પાત્ર માટે રાતી પાઇ પણ નથી લીધી. ફિલ્મમાં પૂર્ણિમા તિવારીએ નીમ કરોલી બાબાનાં ધર્મપત્નીની ભૂમિકા ભજવી છે. આખી ફિલ્મ નીમ કરોલી નામના પરમ પવિત્ર સંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે. ફોડ પાડીને કૈહીએ તો પૂર્ણિમા તિવારીએ આ ફિલ્મમાં સેવાદાન આપ્યું છે. નિર્માતાકે દિગ્દર્શક પાસેથી વળતરરૂપે કોઇ જ રકમ નથી લીધી.
ટેલિવિઝન સિરિયલ ગુમ હૈ કિસી કે ે પ્યાર મેં (૨૦૨૦) અને ફિલ્મ રાત અકેલી હૈ( ૨૦૨૦) ની અભિનેત્રી પૂર્ણિમા તિવારી કહે છે, મેં હનુમાન અંશ ફિલ્મમાં સંત નીમ કરોલી બાબા( જેઓ મહારાજ જી ના નામથી પણ જાણીતા છે) નાં ધર્મપત્ની રામ બેટી દેવીનું પાત્ર ભજવ્યું છે. હું ૨૦૨૪માં નીમ કરોલી બાબાના કૈંચી ધામનાં દર્શને ગઇ હતી. હું ત્યારબાદ દરરોજ સવારે પ્રાર્થના કરું છું.
મને ૨૦૨૫માં હનુમાન અંશ ફિલ્મની કથા -પટકથા મળી ત્યારે મને બેહદ આશ્ચર્ય થયું હતું. ફક્ત એક જ વર્ષમાં બાબાના આટલા બધા આશીર્વાદ મળશે તેવી તો કલ્પના પણ નહોતી. એટલે કે હું નીમ કરોલી બાબાના જ જીવનપર બની રહેલી ફિલ્મનો હિસ્સો બની તે ખરેખર ખુદ બાબાના જ આશીર્વાદ છે. હવે કહો, હું બાબાના જ જીવન પર બની રહેલી ફિલ્મમાં અભિનય કરવા માટે કઇ રીતે પૈસા માગી શકું ? ખરું કહું તો મેં આ ફિલ્મમાં મારી સેવા આપી છે. હા, ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલી ટીમે મારા પ્રવાસની, અને રહેવા -ભોજનની વ્યવસ્થા જરૂર કરી છે. બસ, મારે આ ફિલ્મમાં મારું યોગદાન આપવું હતું. પૂર્ણિમા તિવારી કહે છે, મને ફિલ્મની પટકથા મળી ત્યારે બાબાની મૂર્તિ પાસે જઇને મારી જાતને પૂછ્યું હતું, હું આ ફિલ્મમાં મારા પાત્રને ભજવવા અને તેને ન્યાય આપવા માટે લાયક છું ખરી ? મારા આશ્ચર્ય વચ્ચે હૃદયમાંથી અવાજ આવ્યો, બેટા, આ તારું કર્મ છે. બસ, તું ફક્ત તારું કર્મ કર.બાકી બધું ઇશ્વરનાં ચરણોમાં અર્પણ કરી દે.
હું ટીવી - ફિલ્મ જગતમાં લગભગ ૧૦ વર્ષથી મારું યોગદાન આપી રહી છું. હનુમાન અંશ ફિલ્મમાં ભૂમિકા ભજવવાની તક મારા માટે ભક્તિભાવ છે.




