Chitralok

પૂજા ચોપરા : મેં ઋષિકેશમાં અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ કરી

By GS Team
6 Aug 20262 mins read
પૂજા ચોપરા : મેં ઋષિકેશમાં અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ કરી
  • 'મારી આજુબાજુ ઘણો અવાજ આવતો હતો છતાં હું અત્યંત શાંત અને સ્થિર બેસી શકી. મેંે ફક્ત આંખ બંધ કરી અને મેડિટેશન આપોઆપ થઈ ગયું. મને સમજાયું કે શાંતિમાં પણ મન અશાંત રહી શકે છે…'

ઘણીવાર સંજોગો એવા આકાર લે છે કે આપણને આપણી મનગમતી જગ્યાએ વધુ સમય રોકાવાનું મળે. આવું જ અભિનેત્રી અને મોડેલ પૂજા ચોપરા સાથે બન્યું. તેણે ઉત્તરાખંડમાં વધારાના દિવસો ગાળવા મળ્યા કેમ કે એરપોર્ટની રનવેનું કામ ચાલી રહ્યું હતું અને તેને કારણે શેડયુલમાં વિરામ કરવો પડયો. આ વધારાના દિવસોમાં પૂજા ચોપરાએ ગંગા આરતીમાં ઉત્કંઠાથી ભાગ લીધો, જુદા જુદા મંદિરોની મુલાકાત લીધી અને સ્થાનિક ભોજનનો સ્વાદ પણ માણ્યો. આ રોકાણને કારણે પૂજાને ઘણો લાભ થયો. આટલું જ નહીં, તેણે પરમીર્થ જિકેતન આશ્રમમાં ધ્યાન કરવાથી માંડીને નદી કિનારે ગંગા આરતીમાં હાજરી આપવા સુધી, આ પ્રવાસને શાંતિપૂર્ણ અને અધ્યાત્મિક રીતે પરિપૂર્ણતાનો અનુભવ કર્યો. પૂજા કહે છે, 'મેં આધ્યાત્મિક રીતે આ પ્રવાસનું આયોજન નહોતું કર્યું, પરંતુ ક્યારેક ભાગ્યમાં કંઇક અલગ જ લખાયેલું હોય છે.'
ઋષિકેશે તો તેના મગજ પર અલગ છાપ છોડી છે. મુંબઇમાં તો હું દરરોજ સવારે ઉઠું છું અને ધ્યાન કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ તે મુશ્કેલ બને છે. મારા મનમાં અનેક વિચારો ચાલતા રહેવાથી મારા માટે તો સ્થિર બેસવું પણ મુશ્કેલ બને છે. આ શહેરના અધ્યાત્મિક મેળાવડાની ગંગા આરતીમાં ભાગ લેવાની મને તક મળી.' આ સાથે જ પૂજાએ કહ્યું કે મને લાંબા સમય પછી પહેલીવાર ધ્યાન સરળતાથી કરવાની તક મળી અને હું ધ્યાન કરી શકી. 'હું તો કીર્તન કરી રહેલા ગાયકની બરાબર જમણી બાજુ પર બેઠી હતી. મારી આજુબાજુ ઘણો અવાજ આવતો હતો છતાં હું અત્યંત શાંત અને સ્થિર બેસી શકી. મેં ફક્ત આંખ બંધ કરી અને મેડિટેશન થઈ ગયું. આખરે શાંતિમાં પણ મન અશાંત હોય છે. આ ક્ષણો મને ખૂબ જ અવાસ્તવિક લાગી.'
ઋષિકેશમાં ત્રિવેણી આરતીમાં હાજરી આપવા વિશે વાત કરતાં પૂજા કહે છે, 'હું ત્યાં કોઇ વીઆઇપી વ્યક્તિ નહોતી. હું બીજા બધાની સાથે બેઠી હતી. મારા માથા પર દુપ્પટ્ટો હતો. અને ગંગાજી મારી નજરની સામે ખુલ્લા આકાશ તળે ખળખળ ખળખળ વહેતી હતી. મેં કોઇ અપેક્ષા રાખી નહોતી, પરંતુ મારું મન છલકાઇ ગયું હતું, પેટ ભરાઇ ગયું હતું અને આથ્મામાં અનેરી શાંતિની અનુભૂતિ થઇ હતી. હું ઘણા બધા આશીર્વાદ સાથે પાછી આવી.'