એક ફિલ્મ, એક મહાત્મા અને 20 વર્ષની તપસ્યા એટલે ગાંધી

- દાસ્તાન-એ- સિનેમા-નિનાદ ગજ્જર
- આજકાલ મહિનાની અંદર ફિલ્મોનાં શૂટિંગ આટોપી લેવામાં આવે છે, પરંતુ ૧૯૬૦ના દાયકામાં એવી ફિલ્મનું સપનું જોવામાં આવ્યું, જેને પૂરું કરતાં ૨૦ વર્ષનો સમય લાગ્યો. લુઈસ ફિશર દ્વારા લખાયેલી ગાંધીજીની જીવનકથા 'ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધી' પરથી ફિલ્મ 'ગાંધી' બનાવવામાં આવી, જેણે ઇતિહાસ રચ્યો. ફિલ્મ ઓસ્કાર એવોર્ડ્સની અગિયાર કેટેગરીઝમાં નોમિનેટ થઈ, જેમાંથી આઠમાં વિજયી રહી. ડિઝાઈનર ભાનુ અથૈયાએ ભારતનો સૌથી પહેલો ઓસ્કાર એવોર્ડ જીત્યો. આ ફિલ્મના નામે સૌથી વધુ ત્રણ લાખ એકસ્ટ્રાઝનો વર્લ્ડ રેકોર્ડ પણ બોલે છે. આ ઉપરાંત ગુજરાતી મૂળના એક્ટર કૃષ્ણા પંડિત ભાણજી ઉર્ફે સર બેન કિંગ્સલે લીડ રોલમાં જોવા મળે છે.
૨ઓક્ટોબરના દિવસે ગાંધીજીને તો આપણે સૌ યાદ કરીએ છીએ. પરંતુ, બહુ ઓછાએ તેમના વિશે બનેલી ફિલ્મ 'ગાંધી'ને જોઈ છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતી ફિલ્મને થિયેટરો સુધી પહોંચાડવામાં અનેક વ્યક્તિઓએ યોગદાન આપ્યું હતું. યુકે-ભારત દ્વારા કો-પ્રોડયુસ કરવામાં આવેલી ફિલ્મનું સપનું ઈંગ્લિશ ફિલ્મ મેકર રિચર્ડ એટેનબોરોએ જોયું. પરંતુ, પ્રેરક બળ એક ભારતીયનું હતું.
ફિલ્મ માટે નિર્ણાયક એક ફોન કોલ
યોગ્ય વ્યક્તિને કરેલો એક ફોન કોલ કિસ્મત બદલી શકે. આપણે એવું સાંભળ્યું ઘણી વખત છે. પરંતુ, તેને સાચા અર્થમાં મહેસૂસ લંડનમાં સ્થિત ભારતીય હાઈ કમિશનમાં કામ કરતા મોતીલાલ કોઠારીએ કર્યું. તેમણે ૧૯૬૨ ઈંગ્લિશ ફિલ્મ મેકર રિચર્ડ એટેનબોરોને એક ફોન લગાવ્યો. તેમને કહ્યું કે, થોડો સમય હોય તો સાથે ચા પીશું. આ મુલાકાત દરમિયાન મોતીલાલે તેમને ગાંધીજીની આત્મકથા વિશે વિસ્તારપૂર્વક વાત કરી. સમજાવ્યું કે, એક વખત તમે લુઈસ ફિશર દ્વારા લખાયેલી ગાંધીજીની આત્મકથા 'ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધી' વાંચો. તમને ફિલ્મ બનાવવાનું મન ન થાય તો કહેજો. બસ..મુલાકાત અહીં સમાપ્ત થઈ. ઘણા સમય સુધી લાગ્યું કે, આ ફોન કોલ અને મુલાકાતનું કોઈ પરિણામ ન આવ્યું. પરંતુ, લગભગ ૨૦ વર્ષ બાદ મોતીલાલને આ પ્રેરણા આપવા બદલ એક ફિલ્મ સમપત કરવામાં આવી.
૨૦ વર્ષની
અતૂટ શ્રદ્ધા
સત્યાગ્રહના રસ્તા પર ચાલીએ તો અનેક અડચણો આવે. તેવું જ એટેનબોરો સાથે બન્યું. મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવવાનો વિચાર પ્રોડયુસર ગ્રેબિયલ પાસ્કલે અને ડેવિડ લીને પણ આવ્યો હતો. પરંતુ, બંને આઈડિયાને આગળ વધારી ન શક્યા. એટેનબોરો પોતાના વિચાર સાથે અડગ રહ્યા. એક-બે વર્ષ સુધી નહીં પણ ૨૦ વર્ષ સુધી. ૧૯૬૨માં તેમની મુલાકાત પીએમ પંડિત જવાહરલાલ નહેરુ સાથે થઈ. નેહરુજીએ ગાંધીજી પર ફિલ્મના વિચારને વધાવી લીધો. પરંતુ, ૧૯૬૪માં તેમનું અવસાન થતાં પ્રોજેક્ટ અટકી ગયો. છેક, ૧૯૭૬માં એટેનબોરોને લાગ્યું કે, ફિલ્મ હવે ટ્રેક પર આવશે. પરંતુ, તે સમયે ભારતમાં શૂટિંગ શક્ય ન બન્યું. તેમને થયું કે, મારે જ કંઈક કરવું પડશે. જેમ રાહત ઈન્દોરી કહેતા તેમ, 'ન હમ-સફર ન કિસી હમ-નશી સે નિકલેગા, હમારે પાંવ કા કાંટા હમીં સે નિકલેગા.' છેવટે પોતાની મિલકત ગીરવે મૂકીને ફિલ્મ બનાવી. તેમના એકલાનો ફાળો હતો તેવું પણ નહોતું. ભારતના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરશને પણ ફિલ્મ માટે અમુક ટકા ફંડ આપ્યું હતું. પરંતુ, મહત્તમ રોકાણ તેમનું હતું.
ગાંધી બનશે કોણ?
એટેનબોરો સામે એક યક્ષ પ્રશ્ન હતો. ફિલ્મ માટે ગાંધી બનશે કોઈ? એવો કોઈ એક્ટર ન ચાલે જેને કોઈ ગાંધી તરીકે સ્વીકારી જ ન શકે. એક દમદાર ચહેરો જોઈએ. એટેનબોરોએ એક પછી એક સુપરસ્ટાર્સના ઈન્ટરવ્યુ લેવાના શરૂ કર્યા. એલેક ગીનીસ, રિચાર્ડ બર્ટન અને ડસ્ટિન હોફમેન સુધીના નામો પર વિચારણા કરવામાં આવી. પછી, એવા વ્યક્તિની પસંદગી થઈ જે પાછળથી સુપરસ્ટાર બન્યો. તેનું નામ હતું, કૃષ્ણા પંડિત ભાણજી.
ગુજરાતી મૂળના એકટરની પસંદગી
તમને સવાલ થતો હશે કે, આ વળી પાછું, કૃષ્ણા પંડિત ભાણજી કોણ છે? આ એ જ કૃષ્ણા પંડિત ભાણજી છે જેમણે, 'શિન્ડલર્સ લિસ્ટ', 'સેક્સી બીસ્ટ', 'હાઉસ ઓફ સેન્ડ એન્ડ ફોગ', 'શટર આઇલેન્ડ', 'હ્યુગો', 'આયર્ન મેન-૩' અને 'શાંગ-ચી' જેવી ફિલ્મો કરી છે. જાણીને નવાઈ લાગશે કે, સર બેન કિંગ્સલેનું મૂળ નામ કૃષ્ણા ભાણજી પંડિત છે. તેમના પિતા રહીમતુલ્લા હરજી ભાણજીનો જન્મ જામનગર ખોજા વંશના પરિવારમાં થયો હતો. તેમની માતા એના લીના મેરી ઈંગ્લિશ એક્ટ્રેસ અને મોડલ હતી. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં કૃષ્ણા પંડિત ભાણજી પોતાનું નામ બદલ્યું અને બેન કિંગ્સલે રાખ્યું હતું. ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ તેમને 'ફિયર ઈઝ ધ કી' ફિલ્મમાં નાનકડો રોલ મળ્યો હતો.
ફિલ્મ 'ગાંધી' તેમની કારકિર્દી માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થઈ હતી. આ ફિલ્મ માટે તેમણે મહેનત પણ સખત કરી હતી. ગાંધીજીના જૂના વીડિયો કલાકો સુધી જોયા. તેમના અવાજ અને ચાલવાની સ્ટાઈલને આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો. માથું મુંડાવ્યું. યોગા-ડાયટ કરીને વજન ઘટાડયું. રેટિંયા પર સૂતર કાંતતા શીખ્યા. અને ગાંધીજીની જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કર્યો. તેમની મહેનત રંગ લાવી. તેમણે 'બેસ્ટ એક્ટર'નો ઓસ્કાર જીત્યો. આ સિવાય તેમને 'બેસ્ટ એક્ટર' અને 'મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમર'ની કેટેગરીમાં બાફ્ટા એવોર્ડ્સ મળ્યા. ગોલ્ડન ગ્લોબમાં તેઓ 'બેસ્ટ એક્ટર ઈન અ ડ્રામા સિરીઝ' અને 'ન્યૂ સ્ટાર ઓફ ધ યર'નો એવોર્ડ જીત્યા.
ભારતીય કલાકારોની ફોજ
આ ફિલ્મમાં ભારતીય સિનેમાના મહારથીઓની આખેઆખી ફોજ ઉતારવામાં આવી. કાસ્ટિંગ ડિરેક્ટર ડોલી ઠાકોરે કસ્તુરબાના રોલ માટે રોહિણી હટંગડી, પંડિત જવાહરલાલ નહેરુના રોલ માટે રોશન શેઠ, સરદાર વલ્લભભાઈ પટેલના રોલ માટે સઈદ જાફરી, મોહમ્મદ અલી જિન્નાના રોલ માટે અલીક પદમસી, દાદા અબ્દુલ્લાના રોલ માટે અમરીશ પુરીની પસંદગી કરી. આ સિવાય ફિલ્મમાં અન્ય રોલ માટે ઓમ પુરી, શ્રીરામ લાગુ, પંકજ કપૂર, સુપ્રિયા પાઠક, નીના ગુપ્તા સહિત હોલિવુડ એક્ટર ડેનિયલ ડે-લુઈસ જેવા મહારથીઓની પસંદગી કરાઈ. ગોવિંદ નિહલાનીએ ફિલ્મની સેકન્ડ યુનિટમાં સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર તરીકે કામ કર્યું. રોહિણી હટંગડીએ 'બેસ્ટ સપોટગ એક્ટ્રેસ'નો બાફ્ટા એવોર્ડ જીત્યો. જ્યારે, ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર પંડિત રવિ શંકર બ્રિટિશ મ્યુઝિશિયન જ્યોર્જ ફેન્ટન સાથે 'બેસ્ટ ઓરિજનલ સ્કોર' કેટેગરીમાં ઓસ્કાર માટે નોમિનેટ થયા હતા.
એક સીન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
આ ફિલ્મનું શૂટિંગ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ ભારત સરકારના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી શરૂ થયું. ફિલ્મની શરૂઆત ગાંધીજીની હત્યા અને અંતિમયાત્રાથી થાય છે. દિલ્હીના રાજપથ પર શૂટ કરવામાં આવેલા સીન માટે ૩,૦૦,૦૦૦ હા…તમે સાચું વાંચ્યું ત્રણ લાખથી વધુ એકસ્ટ્રાઝ ભેગા કરવામાં આવ્યા હતા. સિનેમાના ઈતિહાસમાં એક જ સીન માટે સૌથી વધુ ભીડનો રેકોર્ડ આજની તારીખમાં આ ફિલ્મના નામે છે.
ભારતે જીત્યો સર્વપ્રથમ ઓસ્કાર
આ ફિલ્મને કુલ ૧૧ ઓસ્કાર નોમિનેશન મળ્યા. જેમાંથી, તે ૮ કેટેગરીઝ જેવી કે, 'બેસ્ટ ફિલ્મ', 'બેસ્ટ ડિરેક્ટર', 'બેસ્ટ એક્ટર', 'બેસ્ટ સ્ક્રીનપ્લે', 'બેસ્ટ સિનેમેટોગ્રાફી', 'બેસ્ટ એડિટિંગ', 'બેસ્ટ આર્ટ ડિરેક્શન' અને 'બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન'ના એવોર્ડસ જીતી. ભાનુ અથૈયા 'બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન'નો ઓસ્કાર જીતી. ભારતના આ પહેલા ઓસ્કાર માટે અથાગ પરિશ્ચમ કરવામાં આવ્યો હતો. ગાંધીજીના જીવનના ૫૦ વર્ષ અને તેના વિવિધ તબક્કા. આ તબક્કામાં હજારો લોકોના કપડાં ડિઝાઈન કરવાનું અભૂતપૂર્વ કામ ખૂબ કઠિન હતું. ભાનુ અથૈયાનો સાથ બ્રિટિશ ડિઝાઈનર જ્હોન મોલોએ આપ્યો. મોલોએ બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓના સામાન્ય કપડાં ડિઝાઈન કર્યા. જ્યારે, ભાનુના માથે મહા-મહેનતનું કામ આવ્યું હતું. આ માટે તેઓ દિલ્હીના મ્યુઝિયમો ખુંદી વળ્યા. તેમણે નવ આસિસ્ટન્ટ સાથે મળીને હજારો લોકોને ધોતી બાંધતા શીખવાડયું. આ પરિશ્રમ ૧૧ એપ્રિલ, ૧૯૮૩ના રોજ રંગ લાવ્યો. અને ૫૫મા એકેડમી એવોર્ડ્સમાં તેમને ભારતનો પહેલો ઓસ્કાર એવોર્ડ મળ્યો.
ફિલ્મનું પ્રીમિયર અને ખાદીની બોલબાલા
૩૦ નવેમ્બર, ૧૯૮૨ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ જ્ઞાાની જેલ સિંહ અને પીએમ ઈન્દિરા ગાંધીની હાજરીમાં 'ગાંધી' ફિલ્મનું પ્રીમિયર યોજાયું. બે દિવસ પછી પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ લંડનમાં રોયલ પ્રીમિયરમાં હાજરી આપી હતી. હિંદી-ઈંગ્લિશમાં રિલીઝ થયેલી ફિલ્મ મુંબઈ અને દિલ્હીમાં ટેક્સ ફ્રી હતી. રિલીઝ બાદ ખાદી ભંડારમાં ખાદીના કપડાની માંગ વધી ગઈ હતી. ન્યૂ યોર્કના ડિઝાઈનર્સે ધોતી-સલવાર અને નહેરુ જેકેટની સ્ટાઈલને અપનાવી હતી.
ફિલ્મમાં શું નથી જોવા મળતું?
ક્યારેક ફિલ્મમાં શું જોવા મળે છે કરતાં ફિલ્મમાં શું નથી જોવા મળતું તે અગત્યનું હોય છે. આ ત્રણ કલાકની ફિલ્મમાં ગાંધીજીની પાંચ દાયકાની સફર દર્શાવવામાં આવી છે. તેમના મોતથી શરૂ થતી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. જેમાં, તેમનો સાઉથ આફ્રિકામાં કરેલા સત્યાગ્રહ બાદથી આઝાદી સુધીની સફર જોવા મળે છે. ઈતિહાસ ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ફિલ્મ સર્વોત્તમ છે. પરંતુ, આ ફિલ્મમાં જે નથી તે તેનંમ ભાવનાત્મક ફેક્ટર છે. આ ફિલ્મમાં તેમને કોઈ મસિહા તરીકે નથી દર્શાવવામાં આવ્યા. જે પ્રેરણાદાયક અને તેમના મનપસંદ ભજનને અનુરૂપ છે. ભજનના શબ્દો આ મુજબ છે.. 'વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે…'




