એક નહીં, બબ્બે સોંગલેસ ફિલ્મોનું હિટ સંગીત પીરસ્યું...

- 'કાનૂન' અને 'ઇત્તેફાક' બંનેની કથાનું સ્વરૂપ અલગ અલગ હતું. બંનેનો કથાપ્રવાહ અત્યંત ઝડપથી વહેતો હતો. એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકને સમજવા માટે પ્રિય વાચક, તમારે યુટયુબ પર બંને ફિલ્મો માણવી રહી. અહીં હન્ડ્રેડ પીસ ઓરકેસ્ટ્રા નથી. અત્યંત ભારે કહી શકાય એવાં વાજિંત્રોનો બેફામ ઉપયોગ પણ નથી. કથાના વેગવાન પ્રવાહમાં દર્શક મગ્ન થઇ જાય અને થોડીવાર માટે સ્થળ કાળનું ભાન ભૂલી જાય એ રીતે કથાની સાથોસાથ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વહેતું રહે છે.
- કાનૂન
- ઇત્તેફાક
કેવો અદ્ભુત યોગાનુયોગ ! બે ક્રાઇમ થ્રીલર ફિલ્મો, બંને સુપરહિટ નીવડેલી ફિલ્મો. બંને ફિલ્મો વચ્ચે લગભગ દસ વર્ષનો ગાળો. બંને ફિલ્મો એક જ બેનર તળે બનેલી. બંનેમાં પરફેક્ટ સંગીત પીરસી શકે એવા સંગીતકારની તલાશ. આમ તો બી. આર. ફિલ્મ્સના કાયમી સંગીતકાર રવિ હતા જ. બી આર ફિલ્મ્સ. બી. આર. ચોપરાની ઘોડાગાડી (પશુબળ) અને બસ (યંત્રબળ) વચ્ચેની સ્પર્ધાની વાત રજૂ કરતી ફિલ્મ 'નયા દૌર' એકમાત્ર ફિલ્મ એવી હતી જેમાં ઓ. પી. નય્યરનું સુપરહિટ સંગીત હતું. ત્યારબાદ બી. આર. ચોપરાની લગભગ બધી ફિલ્મોમાં સંગીત રવિનું હતું. પરંતુ બી. આર. ચોપરાએ જ્યારે એક પણ ગીત વિનાની ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે એમને એવા સંગીતકારની જરૂર પડી જે ફિલ્મની દરેક ફ્રેમમાં વ્યક્ત થઇ રહેલી અનુભૂતિને, સંવેદનને બેકગ્રાઉન્ડ મ્યુઝિક દ્વારા જીવંત કરે.
એ ચેલેંજ રૂપ કહો વિકટ કાર્ય કહો, સંગીતકાર સલિલ ચૌધરીએ કરી બતાવ્યું. સમર્થનવિહોણા એક અહેવાલ મજબ 'મધુમતી'માં સલિલદાનું કામ જાતે અનુભવનારા અભિનેતા દિલીપકુમારે સલિલદાનું નામ બી. આર. ચોપરાને સૂચવેલું હોઇ શકે. પશુબળ વિરુદ્ધ યંત્રબળની કથા ધરાવતી ફિલ્મમાં દિલીપકુમાર હીરો હતા. મધુમતીમાં પણ દિલીપકુમાર હીરો હતા અને આ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોમાં રહસ્યનો અહેસાસ કરાવવાનો હતો જે સલિલ ચૌધરીએ આબાદ રીતે કરી બતાવ્યો હતો.
૧૯૬૦માં બી. આર. ચોપરાએ પહેલી સોંગલેસ ફિલ્મ 'કાનૂન' બનાવી. ઐતિહાસિક દ્રષ્ટિએ આ બીજી સોંગલેસ ફિલ્મ હતી. પહેલી સોંગલેસ ફિલ્મ મુન્ના ૧૯૫૭માં કે એ અબ્બાસે બનાવેલી. 'કાનૂન' ફિલ્મ ઘણી રીતે વિશિષ્ટ હતી. એના વિશે ઘણું લખાયું છે એટલે અહીં પુનરાવર્તન કરતો નથી. આ ફિલ્મની કથાનો વેગ સડસડાટ વહેતો રહે એટલા માટે એમાં ગીતો નહીં રાખવા એવો નિર્ણય બી. આર. ચોપરાએ કરેલો. કેટલાક મિત્ર ફિલ્મ સર્જકોએ ચોપરાને ચેતવેલા કે આ નિર્ણય જોખમી સાબિત થઇ શકે. ખાસ કરીને કોર્ટના દ્રશ્યોમાં જ્યાં રહસ્યસભર નીરવતા છે, માત્ર કોર્ટની દિવાલ પરની ઘડિયાળમાં થઇ રહેલી ટક ટકનો ધ્વનિ સંભળાય છે, રહસ્ય વધુ ને વધુ ઘેરું થતું જાય છે એવા દ્રશ્યમાં ભલભલા સંગીતકારની કસોટી થઇ જાય. બાહોશ યુવાન વકીલ માને છે કે પોતે ખૂનીને ખૂન કરતાં નજરે જોયેલો. ખૂની બીજો કોઇ નહીં પણ પોતાના પાલક પિતા જેવા માનનીય જજસાહેબ છે. જજની પુત્રી અને યુવાન વકીલની પ્રિયતમા સંજોગોને સમજીને અન્ય કોઇ વ્યક્તિ ખૂનનો આરોપ પોતાના પર લઇ લે એવા પ્રયાસો પણ કરે છે. એવા પ્રચંડ ટેન્શનભર્યાં દ્રશ્યોને ઝાઝેરો ઘોંઘાટ ન સર્જે અને કથામાં વિક્ષેપ ન સર્જે એ રીતે સંગીત પીરસવાનું હતું. એમાં ઢેન ટેણેન જેવું ચીલાચાલુ અને ઘસાયેલું-પીટાયેલું સંગીત ચાલે નહીં. સલિલ ચૌધરીએ કાનૂન ફિલ્મમાં એવું ઘેરું બેકગ્રાઉન્ડ સંગીત પીરસ્યું કે ઓડિયન્સ ડઘાઇ જાય. બી.આર. ચોપરા અને સલિલ ચૌધરીએ સાથે કરેલી આ પહેલી સોંગલેસ ફિલ્મ.
બરાબર આઠ નવ વર્ષના ગાળા પછી બી. આર. ચોપરાએ બીજી સોંગલેસ ફિલ્મ બનાવી. એ હતી 'ઇત્તેફાક'. આ ફિલ્મ એ સમયના સુપરહિટ ગુજરાતી નાટક 'ધૂમ્મસ'ની કથા પરથી બની રહી હતી. ૧૯૬૫માં બનેલી અમેરિકન ફિલ્મ 'સાઇનપોસ્ટ ટુ મર્ડર' પરથી 'ધૂમ્મસ' નાટક બનેલું. 'ધૂમ્મસ' પરથી બી. આર. ચોપરાએ 'ઇત્તેફાક' ફિલ્મ બનાવી. 'કાનૂન'માં અશોકકુમાર, રાજેન્દ્રકુમાર અને નંદા મુખ્ય ભૂમિકામાં હતાં તો 'ઇત્તેફાક'માં રાજેશ ખન્ના, નંદા અને સુજિત કુમાર હતાં. 'કાનૂન'ની તુલનાએ આ ફિલ્મ વધુ પડકારજનક હતી. આ એક મર્ડર સ્ટોરી હતી અને એમાં પળે પળે ઉત્તેજક દ્રશ્યો દ્વારા કથા અતિ વેગે વહી જતી હતી. ફરી એકવાર બી. આર. ચોપરાને સલિલ ચૌધરી યાદ આવ્યા. સલિલદાએ મૂળ અમેરિકન ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. બી.આર. ચોપરાએ એની પણ વ્યવસ્થા કરી. એ પછી સલિલદાએ કદાચ, (યસ કદાચ જ) 'ધૂમ્મસ' નાટક જોયું. ત્યારબાદ 'ઇત્તેફાક'નાં રશ પ્રિન્ટ ફિલ્મના ડાયરેક્ટર યશ ચોપરા સાથે બેસીને શાંતિથી જોયાં. પોતાની રીતે નોંધ ટપકાવતા રહ્યા અને યશજી સાથે એની વિગતવાર ચર્ચા પણ
કરતા રહ્યા.
આટલી લાંબી પ્રસ્તાવના લખવાનું કારણ એ કે 'કાનૂન' અને 'ઇત્તેફાક' બંનેની કથાનું સ્વરૂપ અલગ અલગ હતું. બંનેનો કથાપ્રવાહ અત્યંત ઝડપથી વહેતો હતો. એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકને સમજવા માટે પ્રિય વાચક, તમારે યુટયુબ પર બંને ફિલ્મો માણવી રહી. અહીં હન્ડ્રેડ પીસ ઓરકેસ્ટ્રા નથી. અત્યંત ભારે કહી શકાય એવાં વાજિંત્રોનો બેફામ ઉપયોગ પણ નથી. કથાના વેગવાન પ્રવાહમાં દર્શક મગ્ન થઇ જાય અને થોડીવાર માટે સ્થળ કાળનું ભાન ભૂલી જાય એ રીતે કથાની સાથોસાથ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વહેતું રહે છે. દર્શકના હૃદયના ધબકારા વધારી દેવા હોય ત્યાં એ પ્રકારનું સંગીત છે અને જ્યાં દર્શકને થોડો વિચારતો કરી દેવો હોય ત્યાં સૌમ્ય સંગીત વહેતું રહે છે. દ્રશ્યમાં રહેલું સંવેદન, જે તે પાત્રની માનસિક સ્થિતિ અને હવે પછી શું થશે એવી દર્શકની ઉત્સુકતાને ધક્કો મારે, આમ ત્રણ દ્રષ્ટિએ સંગીત સલિલદાએ પીરસ્યું હતું. 'ઇત્તેફાક'ની ઔર એક ખૂબી એ હતી કે એમાં ઇન્ટરવલ નહોતો. સળંગ આખી કથા પરદા પર રજૂ થઇ હતી. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોઠાસૂઝ વાપરીને સલિલદાએ સંગીત પીરસ્યું હતું. બંને ફિલ્મો સુપરહિટ નીવડી હતી, બંને ફિલ્મોનું સંગીત ચોમેરથી ખૂબ વખણાયું હતું.




