દિલ પે જૈસે કટારિયા, ઓ તેરી તિરછી નજરિયા...

- સિને મેજિક- અજિત પોપટ
- નાયકનાં મોટા ભાગનાં ગીતો કિશોરકુમારે પોતે ગાયાં છે. નાયિકા માટેનાં ગીતોમાં વચ્ચે એકાદ ગીત કિશોર સાથે ગીતા દત્તને મળ્યું છે. એ ગીત બંને મુખ્ય કલાકારો વચ્ચે છેડછાડનું ગીત છે. સલિલ ચૌધરીએ અહીં કમાલ કરી છે. કર્ણાટક સંગીતના એક અત્યંત મધુર રાગ જનસંમોહિની અને દુર્ગાના સમન્વય વડે આ ગીતની તર્જ રચી છે.
૧૯૬૦ના દાયકામાં બે ટોચના કોમેડિયન અદાકાર હતા- મહેમૂદ અને કિશોરકુમાર. છેલ્લાં પચાસ સાઠ વર્ષની દસ સર્વશ્રેષ્ઠ ગણાયેલી કોમેડી ફિલ્મોની વાત કરીએ ત્યારે આ બે કલાકારોના ઉલ્લેખ વિના ચાલે નહીં. મહેમૂદે 'ભૂત બંગલા' ફિલ્મ બનાવી ત્યારે એક મુલાકાતમાં સરસ વાત કરેલી. મહેમૂદના શબ્દોમાં કહીએ તો કોમેડીમાં ટાઇમિંગ, ડાગલોગ થ્રો અને આ બંનેને પૂરક બની રહે એવું સંગીત હોવું અનિવાર્ય છે. ત્રણમાંથી એક પણ બાબત નબળી હોય તો ફિલ્મ ધાર્યો બિઝનેસ કરે નહીં. મહેમૂદના આ અભિપ્રાયની દ્રષ્ટિએ જોઇએ તો ૧૯૬૨માં રજૂ થયેલી ફિલ્મ 'હાફ ટિકિટ' ત્રણે પાસાંમાં સબળ નીવડે છે. ફિલ્મનું ટાઇટલ સૂચવે છે એમ બસ કે ટ્રેનની બાળક માટેની અર્ધી ટિકિટની વાત છે. સુરીદ કાર અને રમેશ પંતની કથા પરથી નિર્દેશક કાલિદાસે આ ફિલ્મ બનાવેલી. ખરું પૂછો તો આ ફિલ્મ બફૂનરી ટાઇપની કોમેડી હતી. તમારે દિમાગ પર જોર નહીં આપવાનું, લોજિક ભૂલી જવાનું. પરદા પર જે દેખાય એ માણવાનું અને હસવાનું. બહુ સ્થૂળ કોમેડી હતી પરંતુ આજે કલ્ટ ફિલ્મ ગણાય છે.
એક અલ્લડ અને અટકચાળા યુવાન વિજયને 'સીધોદોર' કરવા એના પિતા શેઠ લાલચંદ (અભિનેતા મોની ચેટરજી) દીકરાનાં લગ્ન માટે એક કન્યાના પિતા સાથે મુલાકાત ગોઠવે છે. વિજય અટકચાળા કરીને પેલાને ભગાડી દે છે.
પિતા લગ્નનો વધુ પડતો આગ્રહ કરે છે ત્યારે વિજય પોતાની માતાની છબીને પગે લાગીને ઘર છોડી દે છે. મજા અહીં છે. માતાની છબીમાં મહિલાવેશમાં ખુદ કિશોરકુમાર દેખાય છે. જોકે ડબલ રોલ નથી. માતા સ્વર્ગસ્થ છે એવું સૂચન છે.
વિજય રેલવે સ્ટેશન પહોંચે છે ત્યારે ગજવામાં ટિકિટના પૂરતા પૈસા નથી. એ એક મેદસ્વી મહિલા (ટુનટુન) અને એના એવા જ મેદસ્વી પુત્રને જુએ છે. પેલી મહિલા પુત્રની અડધી ટિકિટ ખરીદે છે એ જોઇને વિજય ચહેરા પરની મૂછ કાઢી નાખીને હાફ પેન્ટ તથા એવું જ શર્ટ પહેરીને હાફ ટિકિટ માગે છે. યોગાનુયોગે એે સમયે હીરાચોર રાજાબાબુ (પ્રાણ) પોતાની પાછળ પડેલી પોલીસથી બચવા ચોરેલો હીરો વિજયના હાફ પેન્ટના પાછલા ગજવામાં સરકાવી દે છે. બસ, પછી શરૂ થાય છે દોડાદોડ અને ધમાલ. પોતાનો હીરો પાછો મેળવવા રાજા સતત વિજયની પાછળ ફરે છે. ટ્રેનમાં બાળ-સ્વરૂપી વિજયને નાયિકા (મધુબાલા)ની મુલાકાત થાય છે. રાજાબાબુની અસલિયત જાણી ગયેલો વિજય એને દોડાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે સતત પચીસ વર્ષ લગી ખૂંખાર વિલન તરીકે પંકાયેલા પ્રાણ પાસે આ ફિલ્મમાં સરસ ડાન્સ કરાવાયો છે. એક નહીં બબ્બે ગીતમાં પ્રાણે સરસ તાલબદ્ધ ડાન્સ કર્યો છે.
અહીં શૈલેન્દ્રનાં ગીતો અને સલિલ ચૌધરીનું સંગીત છે. કાં તો ફિલ્મ સર્જકે એવો આગ્રહ રાખ્યો હશે કે 'મધુમતી'ના 'દિલ તડપ તડપ કે કહ રહા હૈ' ગીત જેવું જ ડિટ્ટો ગીત આપો અથવા એવું પણ બન્યું હોઇ શકે કે સંગીતકાર સલિલ ચૌધરી 'મધુમતી'માં જે સિલેશિયન લોકગીત આધારિત ગીત આપેલું એ સિલેશિયન લોકગીતના પ્રભાવમાંથી બહાર ન આવ્યા હોય. અહીં એક ગીત એવું છે જે આંખ બંધ કરીને સાંભળો તો 'દિલ તડપ તડપ કે…' યાદ આવે. માત્ર તર્જ નહીં, લય પણ એ ગીતનો જ છે. લતા અને કિશોરકુમારના કંઠે રજૂ થતું એ યુગલગીત આ રહ્યું- 'ચાંદ રાત, તુમ હો સાથ, ક્યા કરેં, અબ તો દિલ મચલ મચલ ગયા…' પુરુષ કંઠે ગવાયેલા આ શબ્દોના જવાબમાં નારી કંઠ કહે છે- 'દિલ કા એતબાર ક્યા ક્યા કરોગે જી, પલ જો યે બદલ બદલ ગયા…' આ ગીત નાયક-નાયિકા પર ફિલ્માવાયું છે. 'ચલતી કા નામ ગાડી'ની જેમ અહીં કિશોરકુમાર સાથે મધુબાલા જમાવટ કરે છે. આ બંનેની આ છેલ્લી ફિલ્મ હતી. ત્યાર બાદ બંને સાથે આવ્યાં નથી.
નાયકનાં મોટા ભાગનાં ગીતો કિશોરકુમારે પોતે ગાયાં છે. નાયિકા માટેનાં ગીતોમાં વચ્ચે એકાદ ગીત કિશોર સાથે ગીતા દત્તને મળ્યું છે. એ ગીત બંને મુખ્ય કલાકારો વચ્ચે છેડછાડનું ગીત છે. સલિલ ચૌધરીએ અહીં કમાલ કરી છે. કર્ણાટક સંગીતના એક અત્યંત મધુર રાગ જનસંમોહિની અને દુર્ગાના સમન્વય વડે આ ગીતની તર્જ રચી છે. પરદા પર બંને મુખ્ય કલાકારોની છેડછાડ ઓડિયન્સને જકડી રાખે છે. ગીતના શબ્દો છે- 'આંખોં મેં તુમ, દિલ મેં હો તુમ, તુમ્હારી મરજી માનોં કે ના માનોં અરે…'
કિશોરકુમારને અહીં ધમાચકડી મચાવવાની સોનેરી તક મળી છે. છ માત્રાના દાદરા તાલમાં એક ગીત એવું અદ્ભુત બન્યું છે કે સાંભળ્યા કરો. સેમિ-ક્લાસિકલ મ્યુઝિકમાં વધુ વપરાતા રાગ કાફીમાં આ ગીત શબ્દોને સરસ લાડ લડાવે છે- 'આ કે સીધી લગી દિલ પે, જૈસે કટારિયા, ઓ સાંવરિયા ઓયે ઓ તેરી તિરછી નજરિયા, લે ગઇ મેરા દિલ તેરી જુલ્મી નજરિયા…'
એક સરસ સિનારિયો પરદા પર સર્જાય છે. રાજા બાબુ વિજયની પાછળ પડયા છે. વિજય અકસ્માતે એક સ્ટેજ પર પહોંચી જાય છે જ્યાં હેલનનો ડાન્સ રજૂ થઇ રહ્યો છે. વિજય ચાલુ ડાન્સમાં ઘુસી જાય છે અને હેલનને સંબોધીને ગાય છે- 'વો મેરે પીછ હાથ ધો કે પડા હૈ, બચા લે મુઝે…' અહીં કિશોર અને પ્રાણ વચ્ચે હેલન છે અને બાકીના ડાન્સર્સ પણ હેલનના ઇશારે કિશોરની સહાય કરે છે, એવું આ ગીત જબરું રમતિયાળ બન્યું છે.
કિશોરને સપડાવવાના એક ખેલ રૂપે પ્રાણ અને એની ગર્લફ્રેન્ડ (શમ્મી) એને પાગલ ઠરાવીને પાગલખાનામાં મોકલી દે છે. જાતજાતના પાગલો વચ્ચે ફરી એક તોફાની ગીત માણવાની તક સાંપડે છે. 'અરે વાહ મેરે માલિક, ખૂબ હૈ તેરે ખેલ, પાગલ સારે છૂટ્ટે ઘૂમે, સમજદાર કો જેલ…' આ ગીતમાં શૈલેન્દ્રે પણ કમાલ કરી છે. તદ્દન સહજપણે ગીતને આગળ ધપાવ્યું છે- 'અરે અરે, જૂતે પે પઘડી, પઘડી પે જૂતા, ચદરી કો ગમછા, સર કો પૈર બતાયે, આંખ કે અંધે કમલનયન કહલાયે….' આગળ કહે છે- 'તન બિન કપડા, કપડા બિન તન, ધડકન બિન દિલ, દિલ બિન ધડકન…' પાગલખાના જેવા દ્રશ્યમાં ક્લાસિકલ રાગ આધારિત ગીત તો ક્યાંથી હોય? સંગીતકારે અહીં પોતાની સર્જનકલાનો જીવંત નમુનો પેશ કર્યો છે. એક તરફ આમ તેમ ઘુમતા અને અસંગત વર્તન કરતા પાગલો અને બીજી તરફ આપણો નટખટ વિજય…
અન્ય બે ગીતો પણ એ જ રીતે ફ્યૂઝન ટાઇપ તર્જ-લય ધરાવે છે અને પરદા પર ધમાચકડી મચાવે છે. એમાંય 'અરે લે લો જી યે દિલ કા હીરા સચ્ચા…' ગીતમાં કિશોર મહિલા વેશમાં અને પ્રાણ રાજસ્થાની દેશી યુવકના વેશમાં સરસ ડાન્સ રજૂ કરે છે. 'ના કચ્ચા હૈ, ના પક્કા હૈ, માલ સબ સે સચ્ચા, યે દિલ કા હીરા સચ્ચા…'
કહેવાની જરૂર ખરી કે ફિલ્મ અને સંગીત બંને જબરદસ્ત હિટ નીવડયાં હતાં. ફિલ્મનાં દ્રશ્યની કોમેડી સાથે સલિલદાના સ્વરલયે સરસ સમન્વય સાધ્યો હતો. ગીતોની સરવાણી સ્વાભાવિક અને સહજ રહી હતી.




