મારા પિતાએ ક્યારેય ઝીન્નત સાથે મારપીટ નથી કરી : ફરાહ ખાન અલી

- સંજય ખાનની પુત્રીએ આખરે પોતાના પિતા અને ઝીન્નત અમાનના નિકાહની વાત કબૂલી
પીઢ અભિનેતા સંજય ખાન અને અભિનેત્રી ઝીન્નત અમાનના ૧૯૭૦ સમયના નિકટના સંબંધોને લઈને ચાલી રહેલી વિવિધ પ્રકારની અને વિરોધાભાસી વાતો પર પૂર્ણવિરામ મૂકવા માગતી હોય એ રીતે સંજય ખાનની પુત્રી અને જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીએ પહેલી વખત ખુલાસો કર્યો છે. ફરાહ ખાન અલીએ એક જાણીતા અખબારના પત્રકાર સમક્ષ કબૂલાત કરતાં કહ્યું હતું કે તેના પિતા અને ઝીન્નત અમાન વચ્ચે નિકટના સંબંધો હતાં. તેને કારણે મારા પિતા અને માતા ઝરીન કાત્રક ખાનના સંબંધો બગડયાં હતાં. ફરાહે એ વાતને પણ રદિયો આપ્યો હતો કે તેના પિતા ઝીન્નત અમાનની મારપીટ કરતા હતા.
ફરાહે વધુમાં કહ્યું હતું કે મારા પિતાએ ક્યારેય મારી માતા કે અમારા ઉપર પણ ક્યારેય હાથ ઉગામ્યો સુધ્ધાં નથી. ઝીન્નત અમાનને મારા પિતા મારતા હતા એ વાત સાવ ખોટી છે. તેઓ બિલકુલ હિંસક નહોતા. આ વાત મારી માતાએ મને કહી છે.
ફરાહે એ વાતનો પણ છેદ ઉડાડી દીધો હતો કે તેની માતા ઝીન્નત અમાન સાથે ઝગડી હતી. વાસ્તવમાં તે અમને કહેતી કે તમારા પિતા જ ઝીન્નત તરફ આકર્ષાયા હતા, આવી સ્થિતિમાં હું માત્ર ઝીન્નત પર શી રીતે આરોપ કરી શકું? બંને એકમેક પ્રત્યે એકસમાન રીતે આકર્ષાયાં હતાં. તે વખતે બંનેએ નિકાહ પણ કર્યાં હતાં.
જોકે ફરાહે તરત જ ઉમેર્યું હતું કે તેમનું વિવાહિત જીવન અલ્પજીવી નિવડયું હતું. તેમના બહુ જલદી તલાક થઈ ગયા હતા. તેમણે મુસ્લિમ પધ્ધતિથી જ નિકાહ કર્યાં હતાં અને મુસ્લિમ રીત મુજબ જ તલાક પણ લીધાં હતાં.









