મીની માથુર : 54 વર્ષની 'યુવાન'

- મીની માથુર મીની રીઆલિટી શો 'ઓન એલાયન્સ'માં વિજયી નિવડી છે. તેણે આ વયમાં પણ રીઆલિટી શો માટે આવશ્યક શારીરિક- માનસિક સજ્જતાનો પરચો બતાવીને જીત મેળવી છે, લગીરેય બૂમાબૂમ કર્યા વિના.
સામાન્ય રીતે ટીવી પર આવતાં રીઆલિટી શોમાં યુવાન સ્પર્ધકો લડતાં-ઝગડતાં, બૂમાબૂમ કરતાં, એકમેકને ઉતારી પાડતા કે પછી પ્રેમ- પ્રેમ- દોસ્તી- દોસ્તીની રમત રમતાં જોવા મળે છે. આયખાનું અર્ધશતક વટાવી ગયેલા સ્પર્ધકોની સંખ્યા દેખાવ પૂરતી એકાદ જ હોય અને તેમની વયને ધ્યાનમાં રાખીને તેમને માન આપવાનો આગ્રહ પણ રાખવામાં આવે, પરંતુ આ હરીફો શોના વિનર બન્યા હોય એવું ભાગ્યે જ બને. જો કે એક તબક્કે ટીવી પર છવાઇ ગયેલી અભિનેત્રી સંચાલક મીની માથુરે આ બાબતે ચીલો ચાતર્યો છે. ૫૪ વર્ષીય મીની રીઆલિટી શો 'ઓન એલાયન્સ'માં વિજયી નિવડી છે. તેણે આ વયમાં પણ રીઆલિટી શો માટે આવશ્યક શારીરિક- માનસિક સજ્જતાનો પરચો બતાવીને જીત મેળવી છે, લગીરેય બૂમાબૂમ કર્યા વિના.
મહત્વની વાત એ છે કે મીની આ શોમાં આવી ત્યારે તેણે કોઇ રણનીતિ નહોતી બનાવી. તે કહે છે કે હું બહુ સહજતાથી 'ઓન અલાયન્સ'માં આવી હતી. પડદા પર દેખાઇને મારી કારકિર્દીને નવો આયામ આપવાનો કે લાખો ફોલોઅર્સ બનાવવાનો મારો કોઇ ઇરાદો નહોતો. વાસ્તવમાં હું મારી જાતને જ પડકારવા ઇચ્છતી હતી. ટીવી પર મેં ત્રણ- ત્રણ દશક સુધી કામ કર્યું છે. આ રીઆલિટી શોમાં મને એવું કશું નહોતું કરવું કે મારી ૩૦ વર્ષની મહેનત અને ઇમેજ પર પાણી ફરી વળે.
અદાકારા વધુમાં કહે છે કે મને એક જ વાત સમજાતી હતી કે પડદા પર હું ખરેખર જેવી છું એવી જ રહીશ. ડોળ કે દંભ કરવામાં મને કોઇ રસ નહોતો. હું માનું છું કે તમે લાંબો સમય સુધી મહોરું પહેરીને ન રહી શકો. છેવટે તો તમારો અસલી ચહેરો સામે આ વવાનો જ. અને તે વખતે અન્ય સ્પર્ધકો- દર્શકોનો ભ્રમ ભાંગે ત્યારે તમે તેમના મન પરથી ઉતરી જાઓ. વળી મને બૂમબરાડા પાડીને દલીલો કરવાનું બિલકુલ પસંદ નથી, અને બીજું કોઇ આવું વર્તન કરતું હોય તે જોવાનું પણ નથી ગમતું. આ કારણે જ શોમાં જ્યારે આવો સિનારિયો ઉભો થાય ત્યારે હું શાંતિથી ત્યાંથી ખસી જતી. હા, એનો અર્થ એવો નથી થતો કે મેં મારી વાત રજૂ કરવ ામાં પાછીપાની કરી હતી. હું કોઇને પણ ઉતારી પાડયા વિના, બહુ શાલીનતા અને મક્કમતા સાથે મારી વાત રજૂ કરતી. મને એ વાતની ખુશી છે કે ગેરવર્તણુંક કર્યા વિના હું આ શો જીતી ગઇ.
મીની માથુરે મનોરંજન જગતમાં મહિલાઓની વયને લઇને ચાલ્યા આવતાં વણલખ્યા નિયમોને ફગાવી દીધાં છે. તે કહે છે કે મોટાભાગે એમ કહેવાય છે કે ૫૦ વર્ષ વટાવી ચૂકેલી કોઇ સ્પર્ધક રીઆલિટી શોની વિનર ન બની શકે. પરંતુ હું માનું છું કે મારી વયની મહિલાઓ પણ હવે ઘરમાં બેસીને અથાણાં નથી બનાવતી. હું ૫૪ વર્ષે પણ શોના પડકારો ઝીલવા શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સજ્જ હતી. મેં મનોરંજન જગતની વય વિષયક માન્યતાનો ભાંગીને ભુક્કો કરી દીધો છે. મારો વિજય દર્શાવે છે કે ૫૦ વર્ષ વટાવી ગયા પછી પણ તમે યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિથી કામ કરી શકો છો, તમે જ્યારે ચાહો ત્યારે તમારી કારકિર્દી નવેસરથી ઘડી શકો છો. ૨૦ વર્ષના સ્પર્ધકો સામે ટક્કર ઝીલવા તમે ૩૦ વર્ષના હો એ જરૂરી નથી.
ફિલ્મ સર્જક કબીર ખાનની પત્ની મીમી કહે છે કે મનોરંજન જગતમાં મહિલાઓની વય વિશે નિર્ધારિત કરેલા વણલખ્યા નિયમો અનુસાર ૫૦ વર્ષ પસાર કરી ગયેલી અભિનેત્રીઓને માતા કે મોટી બહેનના રોલ જ ઓફર થાય. તે વખતે તેમનો લાંબા વર્ષોનો અનુભવ પણ ધ્યાનમાં ન લેવાય. પણ હવે મને લાગે છે કે લોકો જે તે કલાકારનું કામ જૂએ છે, તેની ઉંમર નહીં. મારો વિજય દર્શાવે છે કે ઢળતી ઉંમરે પણ યુવાની જેવો જોશ બરકરાર રાખીને તમે આગળ વધી શકો. મહિલાઓએ પણ સમયથી પહેલા 'ઘરડાં' થવાની જરૂર નથી. જો તમે ચૂપ રહેશો તો તમારા ભાગે માતા- બહેન જ બનવાનું આવશે. મારા માટે જો કોઇ એમ માનતું હોય કે હવે હું ૫૪ વર્ષની થઇ ગઇ છું એટલે એકદમ ઠરેલ, શાંત, સરળ અને જે કામ મળે તે ખુશીથી કરવા તૈયાર થઇ જાઉં એવી ડાહીડમરી થઇ ગઇ હોઇશ. ખરું કહું તો આવી ડહાપણને અને મને કાંઇ લાગતું વળગતું નથી. મને તમે કાંઇક નવું- નોખું આપો, અને હું તે ન કરી બતાવું તો મને ફટ કહેજો.




