મીઝાન જાફરી પોતાની ફેશન સેન્સનો શ્રેય ડેડીને આપે છે

- આજે મીઝાનની સ્ટાઈલમાં એક પ્રકારની ઊંડી સમજ વર્તાતી હોય તો એનું એક કારણ છે બાળપણથી ફેશન એનો એક રસનો વિષય રહ્યો છે. એની પહેરવેશની પસંદગી પર ડેડી જાવેદ જાફરીનો સ્પષ્ટ પ્રભાવ છે.
હિન્દી ફિલ્મોના ટોપના સ્ટાર બનવા માટેની તમામ લાયકાત હોવા છતાં અમુક એકટર્સને ધારી સફળતા નથી મળતી. એમના નસીબનું પાંદડુ હલતુ જ નથી. ૩૧ વરસના મીઝાન જાફરી સાથે આવું જ બન્યું છે. મુંબઈના પોશ વિસ્તાર બાન્દ્રામાં ઉછરેલા મીઝાન પાસે ખાસ્સી ઇમ્પ્રેસિવ પર્સનાલિટી છે. એનો દાદા જગદીપ અને પપ્પા જાવેદ જાફરી પાસેથી એક્ટિંગ વારસામાં મળી છે. છતાં 'મલાલ' (૨૦૧૯) નામની ફિલ્મથી ડેબ્યુ કરનાર સફળતાની ચાતક નજરે વાટ જોઈ રહ્યો છે. મીઝાને ૨૦૨૫માં રિલિઝ થયેલી અંશુલ શર્મા દિગ્દર્શિત કોમેડી રોમાંટિક ફિલ્મ 'દે દે પ્યાર દે-૨'માં અજય દેવગન, આર. માધવન અને રકુલ પ્રીત સિંહ જેવા મોટા સ્ટાર્સના સંગાથમાં પોતાના પરફોર્મન્સની નોંધ લેવડાવી હતી. કમનસીબે ફિલ્મ ચાલી નહિ અને જુનિયર જાફરી ભૂલાઈ ગયો.
હમણાં મીઝાને મીડિયા સાથે એક ઈવેન્ટમાં પોતાની ફેશન સેન્સ વિશે બહુ સહજ વાતો કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અત્રે નોંધવું ઘટે કે અભિનેતા પોતાની ઓફ્ફ બિટ ફેસન સેન્સ માટે જાણીતો છે. એનો હટ કે પહેરવેશ અવારનવાર લોકો માટે કુતુહલનો વિષય બને છે. મીડિયામાંથી એ વિશે પૂછાતા મીઝાન કહે છે, 'ખરું પૂછો તો મારી સ્ટાઈલ અનુભવ સાથે વિકસી છે. હવે મેં મારી પોતાની એક નોખી ઓળખ મેળવી લીધી છે. મારી પર્સનાલિટીને શું સુટ થાય છે અને શું નથી થતું એ હું જાણુ છું. કયા પ્રકારના પહેરવેશમાં હું જામી જઈશ, કયા પ્રકારના જિન્સ મને સૂટ કરશે અને કયા વસ્ત્રોમાં મારા ફોટોગ્રાફ્સ સરસ આવશે એ બધાની સમજ મેં કેળવી લીધી છે. આ બધી વાતો તમને સમયાંતરે સમજાય છે. રેડ કાર્પેટસમાં પણ તમે ભૂલો કરી બેસો છો. ત્યાર બાદ તમને એવું જ્ઞાાન લાદે છે કે તમારું અમુક આઉટફિટ (ડ્રેસ) તમે ધાર્યો હતો એટલો કે મેરામાં જામતો નથી. એમાં તમારા ફોટાં દીપી નથી ઉઠતા.'
આજે મીઝાનની સ્ટાઈલમાં એક પ્રકારની ઊંડી સમજ વર્તાતી હોય તો એનું એક કારણ છે બાળપણથી ફેશન એનો એક રસનો વિષય રહ્યો છે. પોતાની પહેરવેશની પસંદગી પર ડેડી જાવેદ જાફરીનો પ્રભાવ હોવાનું સ્વીકારતા એક્ટર કહે છે, 'મારામાં કુદરતી રીતે ફેશન પ્રત્યે આકર્ષણ રહ્યું છે અને ક્યારેક અજાણતા જ મારા ડેડી પાસેથી ફેશન સેન્સ મેળવી લેતો હોઉં છું. ડેડીને કાયમ બધાથી જુદા પડે એવા કાબર-ચીતરા વસ્ત્રો પહેરવા ગમતા. એ માટે તેઓ વિદેશથી આઉટફિટ્સની એસેસરીઝ અને ફેબ્રિક લઈ આવતા. હું જોતો કે લોકો ડેડીના આવા ક્રેઝી આઉટફિટ્સના વખાણ કરતા. એ વાત મારામાં ઘર કરી ગઈ. અને મેં પણ ફેશનમાં બધાથી જુદો માર્ગ અપનાવ્યો.'




