Chitralok

મનોજ વાજપેઇને ગમે આમ આદમી બની રહેવું

By GS Team
29 Oct 20263 mins read
મનોજ વાજપેઇને ગમે આમ આદમી બની રહેવું
  • 'આજે કઈ ફિલ્મ ચાલશે તેનો સચોટ અંદાજ કોઈ લગાવી શકતું નથી. આવી અનિશ્ચિત સ્થિતિમાં માત્ર સ્ટાર્સના ચહેરા પર કરોડોનો જુગાર ખેલાય છે, જેના કારણે ફિલ્મની મૂળ વાર્તા ક્યારેક પાછળ ધકેલાઈ જાય છે.'

વિશ્વમાં વસતા કોઈપણ સામાન્ય માનવીનું મન વાસ્તવમાં અસામાન્ય જ હોય છે. બહારથી શાંત, સરળ અને સમજદાર દેખાતા આમ આદમીની ભીતર કાયમ એક પ્રકારનો સંઘર્ષ, ચિંતા અને અવઢવનું વાવાઝોડું ફૂંકાતું રહે છે. ૭૦ એમએમના રૂપેરી પડદા પર આવા સામાન્ય માણસની મનોવ્યથાને રજૂ કરવામાં માહિર ગણતરીના કલાકારોમાં અભિનેતા મનોજ વાજપેયીનું નામ મોખરે આવે છે.
થોડા સમય પહેલાં રજૂ થયેલી ફિલ્મ 'લાસ્ટ મેન ઇન ટાવર'માં પણ મનોજ વાજપેયી એક સામાન્ય નાગરિકના કિરદારમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં મનોજે અસાધારણ પરિસ્થિતિઓમાં અટવાયેલા સામાન્ય માનવીના કિરદારો પર પસંદગીની મહોર મારી, ત્યારથી આ પ્રકારનાં સંવેદનશીલ પાત્રોને પડદા પર જીવંત કરવાનું તેનું કૌશલ્ય ફિલ્મ સર્જકોની નજરમાં વસી ગયું. મનોજ કહે છે, 'જૂના-નવા તમામ દિગ્દર્શકોએ મારા પર ભરોસો મૂકીને મને એવાં પાત્રો ઓફર કર્યાં જેમાં માનવીય મનની જટિલતાઓ ઉજાગર કરવાની હોય. તેમને કદાચ મારામાં એવું કંઈક દેખાયું હશે એટલે જ મને આવા કિરદારો ભજવવાની તકો મળતી રહે છે. મને પણ સામાન્ય માણસની ભીતર વલોવાતી ભાવનાઓને અભિનય દ્વારા સપાટી પર લાવવાનું ગમે છે. આમ છતાં એક વાત ચોક્કસ છે કે જ્યારે તમે આવું ગંભીર પાત્ર ભજવતા હો ત્યારે તમારો મૂળભૂત સ્વભાવ હંગામી 'ધોરણે બદલાઈ જાય છે. તે કિરદારની અસર તમારા વાસ્તવિક જીવન પર પણ પડે છેત એ પાત્ર તમારા મનોજગત પર કબજો જમાવી લે છે અને શૂટિંગ પૂરું થયા પછી સભાન પ્રયત્ન કરીને તેમાંથી બહાર આવવું પડે છે.'
મનોજને આવાં સંઘર્ષપૂર્ણ કિરદારો ગમે છે તેનું એક કારણ એ પણ છે કે તેણે અંગત જીવનમાં ભારે સંઘર્ષ જોયો છે. મુંબઈ આવ્યા પછી તે એક જ નાનકડા ઓરડામાં અન્ય પાંચ જણા સાથે રહ્યો હતો - લારી-ગલ્લા પર મળતો સસ્તો ખોરાક તેનો રોજિંદો આહાર હતો અને ક્યારેક તો એ પણ મળશે કે કેમ તેવી કટોકટી તેણે વેઠી છે. આ કપરા સંજોગો વચ્ચે અભિનય ક્ષેત્રે ટકી રહેવાના તેના અદમ્ય જુસ્સાએ જ તેને આજના સર્વોચ્ચ મુકામે પહોંચાડયો છે.
આજદિન સુધી ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતાને કોઈ ફિલ્મ સફળ થાય તેનો અતિરેક હરખ કે નિષ્ફળ જાય તેનો રંજ નથી હોતો. તે કહે છે કે ઇન્ડસ્ટ્રીમાં એવો કોઈ સમય નથી રહ્યો જ્યારે ફિલ્મો ફ્લોપ ન ગઈ હોય. કોઈ પણ ફિલ્મ સર્જક નબળી ફિલ્મ બનાવવા નથી માંગતો, પરંતુ જ્યારે સર્જક અને કલાકારોનું કન્વિક્શન પડદા પર યોગ્ય રીતે વ્યક્ત ન થાય ત્યારે ફિલ્મ ઊંધા માથે પટકાય છે.
બોલિવુડનું છેલ્લાં કેટલાંક વર્ષોનું ખુલ્લું રહસ્ય એટલે ટોચના સ્ટાર્સનું જંગી મહેનતાણું અને ફિલ્મના નફામાં મોટો હિસ્સો. આ મુદ્દે મનોજ વાજપેયી કહે છે, 'સ્ટાર્સે પોતાના મહેનતાણા સાથે ફિલ્મના નફાને જોડી દીધો છે, પરંતુ તેમાં નુકસાનનું જોખમ પણ રહેલું છે. આજે બોક્સ ઓફિસ પર કોઈ ફિલ્મ ચાલશે કે કેમ તેનો સચોટ અંદાજ મોટા મોટા વિશ્લેષકો પણ લગાવી શકતા નથી. આવી અનિશ્ચિત સ્થિતિમાં માત્ર સ્ટાર્સના ચહેરા પર કરોડોનો જુગાર ખેલાય છે, જેના કારણે મૂળ વાર્તા પાછળ ધકેલાઈ જાય છે. સિનેમામાં આ વલણના કેવાં માઠાં પરિણામો આવે છે તેનાથી આજના જાગૃત દર્શકો સહેજેય અજાણ નથી.'