Chitralok

મહિમા મકવાણા ચાખી રહી છે ધીરજનાં મીઠાં ફળ

By GS Team
24 Sep 20263 mins read
મહિમા મકવાણા ચાખી રહી છે ધીરજનાં મીઠાં ફળ

ટેલિવિઝન પર 'મિલે જબ હમ તુમ', 'બાલિકા વધૂ' જેવા શોમાં બાળકલાકાર તરીકે કામ કર્યા પછી 'સપને સુહાને લડકપન કે' સહિત સંખ્યાબંધ સીરિયલોમાં પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવનાર અભિનેત્રી મહિમાં મકવાણાએ લાંબી મજલ કાપી છે. અદાકારાએ ટીવી પછી ફિલ્મો અને ઓટીટી પર પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું.
ઓટીટી પર આવેલા શો 'મુસાફિર કાફે'માં મહિમાના કિરદાર 'પ્રીતિ'ને દર્શકોએ ખૂબ પસંદ કર્યો અને હવે આ સીરિઝની બીજી સીઝન શરૂ થવાની જાહેરાત થઇ છે. મહિમા ફરી એક વખથ તેમાં 'પ્રીતિ' બનીને આવી રહી છે.
અભિનેત્રી કહે છે કે 'મુસાફિર કાફે'ની પ્રીતિ સાથે મારું લાગણીશીલ જોડાણ થઇ ગયું છે. વળી દર્શકોએ મને આ રોલમાં વધાવી લીધી એટલે આ પાત્ર પ્રત્યેનો મારો લગાવ વધુ ગાઢ બન્યો છે. હવે હું પણ દર્શકોની જેમ જ બીજી સીઝનના મારા રોલ વિશે જિજ્ઞાાસુ બની છું.
જોકે મહિમાં બીજી વખત 'પ્રીતિ' બનવાની તૈયારીમાં લાગી ગઇ છે. તે કહે છે કે હું મારી આ ભૂમિકામાં નાહકની નાટકીયતા લાવવા નથી માગતી. હું 'પ્રીતિ'ની ભાવનાત્મક સ્થિતિ સમજવાનો પ્રયાસ કરી રહી છું. વાસ્તવમાં મને મારું કિરદાર સારી રીતે સમજ્યા પછી જ ભજવવું ગમે છે. હું મારા ભાગે આવેલા પાત્રને શાંતિથી સમજું છું, ત્યાર પછી તે કેમેરા સામે રજૂ કરું છું. મને લાગે છે કે આ સીરિઝની બીજી સીઝનમાં પ્રીતીને ઘણું વધુ કરવાનું છે, તેથી હું તેનું એ પાસું સમજવાનો પ્રયાસ કરી રહી છું. હું દર્શકોની અપેક્ષાઓ પર ઊણી ઉતરવા નથી માગતી. કદાચ એવું પણ બને કે દર્શકો મારી પાસેથી એ જ ભાવનાત્મક અભિનયની અપેક્ષા રાખે. પરંતુ સમયાંતરે જે તે પાત્ર જુદા જુદા સંજોગોમાંથી પસાર થાય ત્યારે તેની લાગણીઓમાં બદલાલ આવે તે સહજ છે. વળી આ સીરિઝની પહેલી સીઝનમાં પ્રેમ, પસંદગી અને આપણે આપણા સંબંધો પાસેથી ખરેખર શું ઇચ્છીએ છીએ એ બાબતે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. બીજી સીઝનમાં આ લાગણીઓ આગળ વધવાની છે.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે મહિમાએ 'અંતિમ' દ્વારા ૭૦ એમએમના પડદા પર પદાર્પણ કર્યું. વર્ષ ૨૦૨૧માં આવેલી આ ફિલ્મ પછી તેને ઓટીટી પર કામ મળવા લાગ્યું. એક ફિલ્માં કામ કરવા સાથે તે હિન્દી ફિલ્મોદ્યોગને સમજવા લાગી. ફિલ્મોજદ્યોગમાં પગ મૂકવાની જગ્યા તલાશતી વખતે જ મહિમાએ નોંધી લીધું હતું કે ટીવી પરથી આવતા કલાકારો પ્રત્યે તીવ્ર પૂર્વાગ્રહો રાખવામાં આવે છે. તેમનું ઓડિશન જોવાથી પહેલા જ તેમના વિશે મનગમતી ધારણાઓ બાંધી લેવામાં આવે છે. અભિનેત્રી કહે છે કે ધારવા વાળાઓને જે ધારવું હોય તે ધારે.
મારો ટીવી પ્રત્યેનો લગાવ યથાવત રહેવાનો છે. આજે હું જે છું તેનો સઘળો યશ આ માધ્યમને ફાળે જાય છે. અભિનેત્રી વધુમાં કહે છે કે હવે દર્શકોનો કલાકારો પ્રત્યેનો અભિગમ બદલાયો છે. તેઓ વિવિધ માધ્યમોમાંથી આવતાં કલાકારોને જોવાનું પસંદ કરે છે. હા, ચોક્કસ માધ્યમમાં તમે ચોક્કસ છબિમાં કેદ થઇ ગયા હો તો તેમાંથી બહાર આવવા આકરા પ્રયાસો કરવા પડે. તેવી જ રીતે નવા માધ્યમમાં કામ કરતી વખતે તેની રીતભાતને અનુકૂળ થઇ જવું પડે. ફિલ્મોદ્યોગમાં આવ્યા પછી મેં જોયું કે તે તેની ગતિથી ચાલે છે. તેથી તમને ધીરજ ધરવી રહી. અલબત્ત, મેં ન તો કોઇ મોટી અપેક્ષાઓ રાખી છે કે ન લઘુતાગ્રાંથિ અનુભવી છે. હા, હું સારી પેઠે જાણું છું કે મને શું જોઇએ છે અને તેને માટે મને શું કરવાનું છે.
મહિમાં મનોરંજન જગતને બચપણથી જોતી આવી છે તેથી તેની બાહ્ય ઝાકમઝોળથી અંજાતી નથી. અભિનેત્રી કહે છે કે પ્રત્યેક કલાકારને અનેક વખત રિજેકશનનો સામનો કરવો પડે છે. આ પ્રક્રિયા પીડાદાયક હોવા છતાં સહેવી પડે છે. કોઇપણ પ્રોજેક્ટનું પ્રીમિયર રંગેચંગે રજૂ થાય તેનાથી પહેલા જે તે કલાકારોને લાંબા સમય સુધી કામ મેળવવા રાહ જોવી પડી હોય છે. જ્યાં સુધી કામ ન મળે ત્યાં સુધી કેવા અધ્ધરતાલ રહેવું પડે તેની તેમને જ ખબર હોય છે.