મહેશ ભટ્ટે હવે 77 વર્ષની ઉંમરે રંગભૂમિ પર ઝંપલાવ્યું

મહેશ ભટ્ટ એક મલ્ટી-ટેલેન્ટેડ પર્સનાલિટી છે. સિનેમામાં પાંચ દશકની પોતાની યાત્રા દરમિયાન એમણે પ્રોડયુસર, ડિરેક્ટર, મેન્ટર અને નિર્ભીક સ્ટોરી રાઇટર તરીકે બહુવિધ કામગિરી બજાવી છે. એમાંથી ભટ્ટસાહેબે ડિરેક્શનને કાયમ માટે અલવિદા કરવાની સત્તાવાર ઘોષણા કરી દીધી છે. ૭૭ વરસની વયે તેઓ થિયેટર (રંગમંચ) તરફ વળ્યા છે. આલિયા ભટ્ટના ડેડીએ 'વો સુબહ હમી સે આયેગી' નામના હિન્દી ડ્રામાથી નાટકોના નિર્માણમાં ઝંપલાવ્યું છે. કોઈ પ્રકારનો સંકોચ રાખ્યા વિના પોતાની ફિલ્મોમાં લાગણીઓને એમના મૂળ અને વિશુદ્ધ સ્વરૂપમાં રજુ કરનાર ભટ્ટ જેવા ફિલ્મમેકર થિયેટર તરફ ન આકર્ષાય તો જ નવાઈ કહેવાય. એટલા માટે કે તેઓ માને છે કે થિયેટર વાર્તા માંડવાનું સૌથી શુદ્ધ માધ્યમ છે. 'થિયેટર ઈઝ ધ મધર ઓફ સ્ટોરીટેલિંગ. જીવનના આ તબક્કે હું સત્યને એના મૂળ સ્વરૂપમાં પેશ કરવા પ્રેરાયો છું. થિયેટર તમામ મશીનરીને કોરાણે મૂકી દે છે. નાટકોમાં કોઈ રિટેક્સ, વિજ્યુઅલ ઇફેક્ટ્સ કે એઆઈ નથી હોતું. ડ્રામામાં શેષ રહે છે માત્ર એક્ટર અને ઓડિયન્સ વચ્ચેનું એન્કાઉન્ટર. કલાકારે કોઈ પણ પ્રકારની બીજી મદદ વિના માત્ર પોતાના સંવાદો અને હાવભાવથી પ્રેક્ષકો સાથે જોડાઈ જવાનું છે. આજના જમાનામાં માહિતી સુનામીની જેમ ઠલવાય છે અને સત્ય આપણી આંગળીઓ વચ્ચેથી નીકળી જાય છે. આપણા કહેવાતા જખમો પણ કૃત્રિમ અને રંગરોગાન કરેલા હોય છે. તમે માર્ગ ભૂલ્યા હો ત્યારે થિયેટર જ એવી જગ્યા છે જ્યાં તમારે જવાની જરૂર રહે છે,' એવી કેફિયત મહેશબાબુ આપે છે.
આજના ફિલ્મમેકર્સ મોટા બજેટ અને બોક્સ ઓફિસ પ્રેશરને કારણે શું સલામત ગણાતી કમર્ર્શિયલ ફોર્મ્યુલા જ પસંદ કરે છે એવું પૂછાતા ભટ્ટ એ વાત સાથે અસમંતિ દર્શાવતા કહે છે, 'આપણે હમણાં જ 'મૈં વાપસ આઉંગા' જોઈ. એ અદ્ભુત ફિલ્મ છે. હું તો એને ફિલ્મમેકરનો બળવો જ ગણાવું. મેં ભલે ફિલ્મો બનાવવાનું મુકી દીધું, પરંતુ હૃદયના ધબકારા પર કબજો જમાવતી સ્ટોરીઝ કહેનારા ઈન્ડસ્ટ્રીમાં હજુ પડયા છે.'
પોતાના મતના સમર્થનમાં હોલિવુડના જાણીતા ફિલ્મમેકર ફ્રાંસિસ ફોર્ડ કોપોલાને ટાંકતા તેઓ ઉમેરે છે, 'જો કલામાં જોખમો લેવાની હિંમત ન હોય તો એ કળા કહેવાય જ નહિ. માર્કેટમાં સતત એવું ધુપલ ચલાવાય છે કે સામાન્યમાં સામાન્ય માણસને ગમે અને એનું મનોરંજન કરે એવી ફિલ્મો જ ચાલે. એવી ફિલ્મોનું પોતાનું એક સ્થાન છે, પણ સફળ થવામાં એમની મોનોપોલી નથી. મેં તો નખશીખ કમર્સિયલ અને પોતાની આત્મકથા જેવી ઉત્કટ અને ગંભીર બંને પ્રકારની મૂવી જ બનાવી છે અને મને બંનેમાં સફળતા મળી છે.'
'અર્થ', 'સારાંશ' અને 'નામ' જેવી આઇકોનિક ફિલ્મો આપનાર ભટ્ટસાહેબને પછી એક અંગત સવાલ કરાય છે, 'સર, ઈતિહાસ તમને કેવા ફિલ્મમેકર તરીકે એવું તમે ઇચ્છો છો?' પ્રશ્ન સાંભળીને હસી પડતા તેઓ કહે છે, 'સર્જક તરીકે આપણે એવું ઇચ્છીએ છીએ કે આપણું કામ, આપણું પ્રદાન ચિરસ્મરણીય બની જાય પણ એવું વિચારવું યોગ્ય નથી. હું જેમ લોકોને કઈ રીતે યાદ રાખવા એ નક્કી કરું છું એમ એમને પણ મને કઈ રીતે યાદ રાખવો એ પસંદ કરવાનો હક છે. દુનિયા મને કઈ રીતે સંભારે એનો નિર્ણય લેવાનો એને વિશેષાધિકાર છે.
આયોજકો મને પોતાની ઇવેન્ટસમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે કારણ કે તેઓ એવું માને છે કે હું દેશવાસીઓનો અવાજ છું. મેં એમની વાત કરતી ફિલ્મો આપી છે. પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી. મેહબુબ ખાન, ગુરુદત્ત અને બિમલ રોય જેવા ઘણા ંડિરેક્ટર્સે પોતાની મૂવીજમાં સામાન્ય માનવી અને સમાજનું ચિત્રણ આપ્યું છે. લોકોને સ્પર્શી જાય એવી કેટલીક ફિલ્મો બનાવી શક્યો એ માટે હું પોતાને લકી ગણું છું. પરંતુ હું કોઈ ઐતિહાસિક સ્મારક નથી. હું તો માત્ર ભીંત ચણવા મૂકાયેલી એક ઇંટ જેવો છું.'




