Chitralok

ખુશી કપૂરને પર્સનાલિટી રાઈટ્સ કેસમાં દિલ્હી ઉચ્ચ અદાલતની રાહત મળી

By GS Team
3 Sep 20262 mins read
ખુશી કપૂરને પર્સનાલિટી રાઈટ્સ કેસમાં દિલ્હી ઉચ્ચ અદાલતની રાહત મળી
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી અભિનેત્રીના બનાવટી, અશ્લીલ અને પોર્નોગ્રાફિક, કોન્ટેન્ટ દૂર કરવાનો આદેશ અપાયો

છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર મનોરંજન જગત સાથે, ખાસ કરીને ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલી સુંદરીઓના ચહેરા-દેહનો વ્યાપારી ધોરણે કરાતો ઘૃણાસ્પદ દુરૂપયોગ વધતો ચાલ્યો છે. પોતાના ફોટાઓનો અનધિકૃત રીતે વ્યાપારિક ઉપયોગ કરવા બદલ તેમ જ તેમના સંપૂર્ણ વ્યક્તિત્વનો દુરૂપયોગ કરીને સોશિયલ મીડિયા પર અશ્લીલ કે પોર્નોગ્રાફી ફોટા-વિડિયો ફરતા કરવાના વિરોધમાં અત્યાર સુધી ઘણી લોકપ્રિય અભિનેત્રીઓએ અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. આ યાદીમાં હવે ખુશી કપૂરનો પણ સમાવેશ થયો છે.
દિલ્હી ઉચ્ચ અદાલતે તાજેતરમાં આદેશ આપ્યો હતો કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ખુશી કપૂરના ફરતા કરવામાં આવેલા વાંધાજનક અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ તેમ જ અનધિકૃત રીતે વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતા તેના ફોટા તેમ જ અન્ય સામગ્રી ખસેડી લેવામાં આવે.
ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહે ખુશી કપૂરની યાચિકા પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો, જેમાં સાર્વજનિક અને પ્રચાર અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અદાલતે જણાવ્યું હતું કે ખુશી કપૂરે કરેલા કેસમાં ખટલાની સુનાવણી જારી હોય ત્યાં સુધી અજાણી વ્યક્તિ સામે સંરક્ષણ આપવાના હેતૂથી કરવામાં આવેલી વચગાળાની અરજી સંદર્ભે આ આદેશ આપવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો આદેશ જે તે અરજદારને તેના વ્યક્તિત્વનો અજાણી વ્યક્તિ દ્વારા વ્યાપારી ધોરણે, અનધિકૃત રીતે ઉપયોગ કરવા સામે સુરક્ષા પ્રદાન કરે છે.
દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં ખુશી કપૂરના ભાગીદારો આસવ રાજન અને આભા શાહે અભિનેત્રી તરફથી આ કેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સંબંધિત આદેશ ખુશી કપૂરની બહેન જ્હાન્વી કપૂર દ્વારા કરવામાં આવેલા બિલકુલ આ પ્રકારના કેસની કરવામાં આવેલી સુનાવણીના બીજા જ દિવસે આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં દિલ્હી ઉચ્ચ અદાલતે છેલ્લા કેટલાક સમયમાં સેલિબ્રિટીઓના ફોટા, સ્વર તેમ જ તેમના વ્યક્તિત્વને લગતાં વિવિધ પાસાંનો અનધિકૃત રીતે, વ્યાપારી ધોરણે કરવામાં આવતા દુરૂપયોગ સામે કરવામાં આવેલી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરી છે. આવા કેસોમાં જે તે સેલિબ્રિટીઓના વાંધાજનક, અશ્લીલ અને ગેરમાર્ગે દોરતાં કન્ટેન્ટને એઆઈનો દુરૂપયોગ કરીને બનાવવામાં આવે છે, અને તેને નાણાં કમાવવાના બદઈરાદાથી સોશ્યલ મીડિયા પર ફરતા કરી દેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી હાઈ કોર્ટે જ્હાન્વી કપૂરની વાંધાજનક, પોર્નોગ્રાફિક, અશ્લીલ સામગ્રી ઇન્ટરનેટ પરથી દૂર કરી દેવાનો આદેશ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સને આપ્યો હતો. જોકે અદાલતે અભિનેત્રીના વિવિધ ફેન પેજ સામે કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો હતો. આ બાબતે અદાલતે કહ્યું હતું કે ફેન પેજીસ પર જે તે સેલિબ્રિટીની સરાહના પણ કરવામાં આવે છે. તેથી આ પ્રકારનો આદેશ આપીને તેમની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ ન મારી શકાય.