કરિશ્મા કપૂર નવા પાત્રમાં : 'ભારતનાં સુપર સ્માર્ટ બચ્ચાઓ સાથે કામ કરીને હું રાજીના રેડ થઈ ગઈ છું...'

- 'આખા ભારતમાંથી ત્રણ લાખ સ્પર્ધકોએ હિસ્સો લીધો હતો. ૧૨ અંતિમ સ્પર્ધકોએ તેજસ્વી રજૂઆત કરી હતી. આટલાં બધાં પ્રતિભાશાળી બાળકો અને કિશોરોના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણસભર વિચારો અમે જાણ્યા અને સમજ્યા હતાં…'
કરિશ્મા કપૂર હિન્દી ફિલ્મોમાં ભલે બહુ ઓછી સક્રિય હોય પણ ટેલિવિઝન સિરિઝમાં અને વેબ સિરિઝમાં ભરપૂર સક્રિય છે. હજી થોડા સમય પહેલાં જ રજૂ થયેલી બ્રાઉન સિરીઝમાં અને ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર (સિઝન - ૫)માં કરિશ્મા કપૂરને ભરપૂર સફળતા મળી છે. ત્યાર બાદ કરિશ્મા કપૂરે ફેવિક્રિએટિવ આઇડિયા લેબ્ઝ (સિઝન - ૫)માં જજ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફેવિક્રિએટિવ આઇડિયા લેબ્ઝ (સિઝન - ૫) કાર્યક્રમ વિજ્ઞાન સંબંધી નવા અને વિશિષ્ટ પ્રયોગો પર આધારિત હતો.
મનોરંજન ક્ષેત્રમાં થયેલાં નવાં અને આધુનિક પરિવર્તનનો મોટો ફાયદો ઘણાં સિનિયર કલાકારોને થયો છે. વેબ સિરિઝ અને ઓવર ધ ટોપ (ઓટીટી)ની શરૂઆતથી સંજય કપૂર, નીના ગુપ્તા, સુસ્મિતા સેન, શેફાલી શાહ વગેરે એક કે બીજી વેબ સિરિઝમાં કે ઓટીટી ફિલ્મોમાં સક્રિય છે. હવે કરિશ્મા કપૂર પણ આ જ નવા પ્લેટફોર્મ પર સક્રિય થઇ છે. કરિશ્મા કપૂરને અભિનય વારસામાં મળ્યો છે.
કરિશ્મા કપૂર ભરપૂર ઉત્સાહ સાથે કહે છે, ફેવિક્રિએટિવ આઇડિયા લેબ્ઝ (સિઝન : ૫) આમ તો ફક્ત ચાર એપિસોડનો કાર્યક્રમ હતો. જોકે આ કાર્યક્રમ વિજ્ઞાન, કલા, આરોગ્યના તેજસ્વી વિચારો પર આધારિત હોવાથી તે બહુ વિશિષ્ટ બની રહ્યો હતો . ખુશીની બાબત તો એ છે કે આ નવતર કાર્યક્રમમાં બે વય જૂથ તૈયાર કરવામાં આવ્યાં હતાં. એક ગૂ્રપ ૫ થી ૮ વર્ષનું અને બીજું ગૂ્રપ ૯ થી ૧૪ વર્ષનું હતું.
આમ તો આ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે આખા ભારતમાંથી ૩,૦૦,૦૦૦ બાળકોએ અને કિશોરોએ ઉમેદવારી નોંધાવી હતી. અમે આટલા બધા પ્રતિભાશાળી બાળકો અને કિશોરોના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણસભર વિચારો જાણ્યા અને સમજ્યા હતા સાથોસાથ તેમના વૈજ્ઞાનિક વિચારોના આધારે કેવા કેવા પ્રયોગો કરી શકાય અને સમગ્ર સમાજને અને ભારતને તે પ્રયોગો કઇ રીતે ઉપયોગી બની શકે તેની બહોળી ચર્ચા પણ કરી હતી.
કરિશ્મા કપૂર કહે છે, અમે આ ૩,૦૦,૦૦૦ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા ઉમેદેવારોમાંથી ગણીને અંતિમ સ્પર્ધા માટે ૧૨ ઉમેદવારો પસંદ કર્યાં હતા. આ તમામ ૧૨ બાળ વિજ્ઞાનીઓએ તેમના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણસભર નવા વિચારો અને નવા પ્રયોગો વિશે અદભુત રજૂાત કરી હતી. હું પણ બે સંતાનોની માતા હોવાથી મારા સુક્ષ્મ નિરીક્ષણ મુજબ દરેક બાળકમાં અને કિશોરમાં કુદરતી પ્રતિભા હોય જ છે. સાથોસાથ દરેક બાળકમાં અને કિશોરમાં જબરી જિજ્ઞાસા અને રચનાત્મક કલ્પના પણ હોય છે.
આમ તો મોટાભાગના ટીવી કાર્યક્રમોમાં જજ સ્પર્ધકોનાં કૌશલ્યને ધ્યાનમાં રાખીને તેનો નિર્ણય લેતા હોય છે. જોકે ફેવિક્રિએટિવ આઇડિયા લેબ્ઝ (સિઝન : ૫) માં તો નિર્ણાયકો( જજ) એ વિજ્ઞાન,કલા, આરોગ્ય સંબંધી વિચારો સાંભળવાની, ભારતનાં બાળકો અને કિશોરોનાં મગજમાં કેવા કેવા પ્રતિભાશાળી વિચારો ઉગતા હોય છે તેની રજૂઆત સાંભળીને તેમને ભરપૂર પ્રોત્સાહન આપવાની રચનાત્મક કામગીરી કરવાની હતી. ખરેખર કરિશ્મા કપૂરે આ નવતર કાર્યક્રમના જજ તરીકે ઉત્તમ કામગીરી કરી હોવાના અહેવાલ મળે કરિશ્મા કપૂર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, ખરું કહું તો હું આપણા દેશનાં પ્રતિભાશાળી અને રચનાત્મક વિચારો ધરાવતાં બાળકો અને કિશોરો સાથે રહીને રાજીના રેડ થઇ ગઇ છું. એમ કહો કે આ બધાં બાળકો અને કિશોરો પાસેથી મને પ્રેરણા મળી છે.




