Chitralok

કરિશ્મા કપૂર: મેં ક્યારેય મારી કરીઅરનું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું જ નથી

By GS Team
1 Oct 20263 mins read
કરિશ્મા કપૂર: મેં ક્યારેય મારી કરીઅરનું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું જ નથી
  • 'મારી પ્રત્યેક ફિલ્મે મને અનુભવસમૃધ્ધ બનાવી છે. હું દરરોજ મારી આસપાસ રહેલા લોકો અને વાતાવરણનું ધ્યાનપૂર્વક નીરિક્ષણ કરતી રહી છું અને તેમાંથી કંઈકને કંઈક આત્મસાત્ કરું છું. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે.'

સીડીનું એક એક પગથિયું ચડીને ઘરના છાપરા સુધી ચડવાની મઝા તો જેણે માણી હોય તે જાણે. તેમાંય પ્રત્યેક પગથિયે કાંઈક જોતા જવાનું, શીખતા જવાનું ધૈર્ય ખરેખર છાપરે ચડીને પોકારે. આવું જ કાંઈક કર્યું છે અભિનેત્રી કરિશ્મા કપૂરે. તેની ફિલ્મ 'પ્રેમ કૈદી' તેના ૧૭મા જન્મ દિનના ચાર દિવસ પહેલા જ રજૂ થઈ હતી. આનો અર્થ એ થયો કે તે સોળ વર્ષની સુંદરી હતી ત્યારે તેણે આ સિનેમાનું શૂટિંગ કર્યું હતું.
કરિશ્મા કહે છે કે મેં તરૂણાવસ્થામાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેથી એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે હું રીતસર સેટ્સ પર જ મોટી થઈ છું. ત્રણ દશકથી ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલી આ અદાકારા માટે ફિલ્મોના સેટ જ તેની અભિનયશાળા બની રહી. અભિનેત્રી કહે છે કે એક કલાકાર આજીવન વિદ્યાર્થી હોય છે. તે દરરોજ કાંઈક નવું શીખે છે. હું પણ તેમાંથી બાકાત નથી. મારી પ્રત્યેક ફિલ્મે મને અનુભવસમૃધ્ધ બનાવી છે. હું દરરોજ મારી આસપાસ રહેલા લોકો અને વાતાવરણનું ધ્યાનપૂર્વક નીરિક્ષણ કરતી રહી છું અને તેમાંથી કંઈકને કંઈક આત્મસાત્ કરવાની પ્રક્રિયા જારી રાખી છે. કલાકાર તરીકેના મારા વિકાસમાં મારી ચારેકોર રહેલા લોકો અને વાતાવરણે મહત્વની ભૂમિકા ભજવી છે. આજે હું પાછળ ફરીને જોઉં છું તો મને લાગે છે કે જ્યારે તમે ચીલો ચાતરીને ચાલો ત્યારે કલાકાર તરીકે તમારો વિકાસ થાય. મહત્વની વાત એ છે કે કરિશ્માએ હવે ઓટીટીને વહાલું કર્યું છે. તેણે છેલ્લા કેટલાક વખતમાં 'મેન્ટલહૂડ' અને 'બ્રાઉન' જેવી સીરિઝો કરી છે. તેને ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળતાં તે બહુ ખુશ છે. આમ છતાં તે કબૂલે છે કે પ્રારંભિક તબક્કે આ ક્ષેત્રે કામ કરવાનું તેને મુશ્કેલ લાગ્યું હતું. વેબ સીરિઝો અને ફિલ્મોના સર્જનની પ્રક્રિયા તદ્દન વેગળી છે. ખરેખર તો સીરિઝોમાં કામ કરવાનું વધારે અઘરું છે. જ્યારે તમે સંખ્યાબંધ એપિસોડમાં રજૂ થનારા શો માટે કામ કરતા હો ત્યારે તમને સતત સાવધાન રહેવું પડે. એવું પણ બને કે તમે એક જ દિવસમાં એક તબક્કે પહેલા એપિસોડ માટે દ્રશ્યો આપતાં હો અને બીજા તબક્કે સાતમા એપિસોડ માટે. અહીં તમને ઘડીના વિલંબ વિના પહેલા એપિસોડમાંથી સાતમાં એપિસોડમાં ઝંપલાવી દેતાં આવડવું જોઈએ. જેમ ટ્રાફિકમાં ગાડી ચલાવતી વખતે તમને વારંવાર ગિયર બદલવાની જરૂર પડે તેમ અહીં પણ તમને ગિયર બદલવું પડે. કરિશ્મા વધુમાં કહે છે કે ટેલિવિઝન પણ ફિલ્મો અને ઓટીટી કરતાં સાવ જુદું માધ્યમ છે.
જોકે આ અદાકારાએ કાયમ પોતાના મનની વાત સાંભળીને કામ પસંદ કર્યું છે. તે કહે છે કે મેં ક્યારેય મારી કારકિર્દીનું આયોજન નથી કર્યું. જો મને કાંઈ કરવાનું ગમે તો હું તે ચોક્કસ કરું. પરંતુ જે કરવાની ઇચ્છા ન થાય તેને ન અડું. કદાચ આ કારણે જ મેં મારી કારકિર્દીમાં કેટલીક યાદગાર ફિલ્મો આપી છે અને અવિસ્મરણીય કિરદાર અદા કર્યાં છે.
હાલના તબક્કે ટીવી પર આવતા રીઆલિટી શો 'ઇન્ડિયાસ બેસ્ટ ડાન્સર'માં નિર્ણાયકની ભૂમિકા ભજવી રહેલી કરિશ્મા કહે છે કે નૃત્ય પ્રત્યે તેનો ઝૂકાવ નાનપણથી હતો. વાસ્તવમાં ડાન્સ તેના જીવનનો અગત્યનો ભાગ રહ્યો છે. અભિનેત્રી વધુમાં કહે છે કે હું અને કરીના નાના હતા ત્યારે દિવંગત અદાકારા શ્રીદેવીના ગીતો 'તાથૈયા તાથૈયા..', 'નયનો મેં સપના..' જેવા ગીતો પર ડાન્સ કરતાં. મેં શાસ્ત્રીય નૃત્ય કથકની તાલીમ પણ લીધી છે. હું ઘૂંઘરુ બાંધીને તેની પ્રેક્ટિસ કરતી ત્યારે કરીના મારું નૃત્ય ધ્યાનથી જોતી અને ઘૂંઘરુનો તાલબધ્ધ રણકાર માણતી. અલબત્ત, અમારા પરિવારમાં શમ્મી, ઋષિ અને શશિ કપૂર જેવા અચ્છા ડાન્સરો પણ થઈ ગયા છે. તેમની આગવી નૃત્યશૈલી દર્શકોને મંત્રમુગ્ધ કરતી તે સર્વવિદિત છે.