Chitralok

કાજલ અગરવાલ : અન્યાય સામે લડવામાં ભય શેનો?

By GS Team
27 Aug 20262 mins read
કાજલ અગરવાલ : અન્યાય સામે લડવામાં ભય શેનો?
  • 'મેં જ્યારે 'ધ ઇન્ડિયન સ્ટોરી' ફિલ્મની પટકથા પહેલીવાર વાંચી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આ સિનેમામાં માત્ર મનોરંજન કરતાં ઘણું વિશેષ તત્ત્વ સમાયેલું છે.'

તાતાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'ધ ઇન્ડિયન સ્ટોરી'માં અભિનેત્રી કાજલ અગરવાલે એક નીડર ધારાશાીની ભૂમિકા બખૂબી અદા કરી છે. ફિલ્મમાં તે ખેતીમાં રાસાયણિક જંતુનાશકોના આડેધડ ઉપયોગ પાછળ રહેલી ભયાનક વાસ્તવિકતાને ઉઘાડી પાડવા માટે એક અત્યંત શક્તિશાળી સિસ્ટમ અને કોર્પોરેટ માફિયા સામે નીડર બનીને કાનૂની લડત ચલાવે છે. અદાકારાનું કહેવું છે કે આ ફિલ્મને માત્ર એક સામાન્ય કોર્ટરૂમ ડ્રામા સમજવાની ભૂલ કરવા જેવી નથી, કારણ કે આ વિષય આપણા દેશના પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે.
કાજલ જણાવે છે, 'આ કિરદારે મારી અભિનય કારકિર્દીમાં એક મહત્ત્વનું છોગું ઉમેર્યું છે. એક નીડર વકીલ તરીકે કેમેરા સામે કામ કરવાનો અનુભવ મારા આંતરિક મનને અદભુત સંતોષ આપનારો રહ્યો. મેં જ્યારે આ ફિલ્મની પટકથા પહેલીવાર વાંચી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આ સિનેમામાં માત્ર મનોરંજન કરતાં ઘણું વિશેષ તત્ત્વ સમાયેલું છે. તેમાં આપણા દેશની પ્રત્યેક વ્યક્તિના રોજિંદા ભોજન અને જીવનને સ્પર્શતો અત્યંત ગંભીર સામાજિક મુદ્દો સચોટ રીતે વણી લેવામાં આવ્યો છે. તેનું પ્રત્યેક દ્રશ્ય એક મોટી ભાવનાત્મક જવાબદારી લઈને આવ્યું હતું.' દિગ્દર્શક ચેતન ડીકેએ સેટ પર એવો ગંભીર માહોલ ઊભો કર્યો હતો કે તમામ કલાકારો વિષયના ઊંડાણને બરાબર સમજી શકે. તેમના આ સંનિષ્ઠ પ્રયાસને પગલે કલાકારોનું કામ માત્ર યાદગાર જ નહીં, બલ્કે જ્ઞાનસમૃદ્ધ પણ બન્યું છે. કાજલે ફિલ્મમાં એવા વકીલનું પાત્ર ભજવ્યું છે જે અન્યાય સામે ચૂપ રહેવા જરાય તૈયાર નથી. શક્તિશાળી લોબી સામે ઘૂંટણિયે પડવાને બદલે સત્ય અને ન્યાય માટે અડગ રહેવાનો તેના પાત્રનો અભિગમ દર્શકોના દિલને સ્પર્શી જાય તેવો છે. તેને પૂરી ખાતરી છે કે આ ફિલ્મ સામાન્ય જનમાનસમાં ઝેરી જંતુનાશકો સામે એક અર્થપૂર્ણ ચર્ચા જગાવવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.
લગ્ન અને માતૃત્વ પછી પણ કાજલની કારકિર્દી સડસડાટ આગળ વધતી રહી છે. કમલ હાસન સાથેની બહુભાષી ફિલ્મ 'ઇન્ડિયન-ટુ' હોય કે તાજેતરની મહિલાકેન્દ્રી થ્રિલર 'સત્યભામા', કાજલ હવે મજબૂત, ગંભીર અને વિષયપ્રધાન કિરદારો પસંદ કરી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં 'ધ ઇન્ડિયન સ્ટોરી' ફિલ્મ તેના ફિલ્મી સફરનું મહત્ત્વનું પ્રકરણ બની રહેશે તેવી કમસે કમ સંભાવના તો છે.