Chitralok

દ્રૌણાચાર્યની ભૂમિકા સાર્થક કરી છે જિતેન લાલવાણીએ

By GS Team
6 Aug 20263 mins read
દ્રૌણાચાર્યની ભૂમિકા સાર્થક કરી છે જિતેન લાલવાણીએ
  • 'યંગ કલાકારોનું અભિનય પ્રાવીણ્ય, દરેક બાબત આત્મસાત કરવાની તેજ ગતિ આશ્ચર્ય પમાડે એવી છે. કોઈ પણ વાત તેઓ ઝડપથી સમજી જાય છે અને તેનો ત્વરિત અમલ પણ કરે છે.'

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટચૂકડા પડદે પૌરાણિક સીરિયલો રજૂ કરવાનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. દર્શકો પણ આવા શોને પગલે આપણા પુરાણોને જાણતા-સમજતા થયા છે. જે બાળકો કે તરૂણ-યુવાપેઢીએ તત્વજ્ઞાાનના ખજાના સમા આ ગ્રંથો વાંચવાની સ્વપ્નેય કલ્પના નથી કરી તેઓ તેની કથા રસપૂર્વક નિહાળે છે અને તેમાં કામ કરતા મોટાભાગના કલાકારો પોતાના ભાગે આવતાં પાત્રોમાં જાન રેડવાનો પ્રયાસ કરે છે. આજે આપણે આવા જ એક કિરદાર 'દ્રૌણાચાર્ય'ની વાત કરીશું.
હાલના તબક્કે ચાલી રહેલી ધારાવાહિક 'હસ્તિનાપુર કે વીર'માં કૌરવો અને પાંડવોના બચપણને રજૂ કરવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ તેમાં તેમના ગુરુ દ્રૌણાચાર્યનું પાત્ર મહત્વનું બની રહે અને આ કિરદાર અદા કરી રહ્યો છે ત્રણ દશકથી અભિનય ક્ષેત્રે કાર્યરત અભિનેતા જિતેન લાલવાણી.
અભિનેતા કહે છે કે દ્રૌણાચાર્ય આપણા પૌરાણિક ગ્રંથ 'મહાભારત'ના ટોચના કિરદારોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આ શોમાં કૌરવો અને પાંડવોના બાળપણને ઉજાગર કરવામાં આવી રહ્યું છે અને મારા ભાગે તેમના ગુરુ દ્રૌણાચાર્યની ભૂમિકા આવી છે. એ વાતમાં બે મત ન હોઈ શકે કે ગુરુ પોતાના શિષ્યોનું ભાવિ ઘડે છે. કાચી માટીના ઘડા સમા શિષ્યોને ટીપી ટીપીને, એટલે કે તેમનામાં જ્ઞાાન, શિસ્ત, વિવેકના સંસ્કારોનું સિંચન કરીને તેમને સુંદર આકારના પાકા ઘડા બનાવે છે. પોતાના શિષ્યોને સર્વગુણસંપન્ન બનાવવા 'વૃક્ષાદપિ કઠોરાની, કોમલાની કુસુમાદપિ'નો અભિગમ અપનાવે છે. જરૂર પડયે તેઓ નાળિયેરના કાચલા જેવા સખત ભલે બને, પણ તેમનું મન નાળિયેરમાં રહેલા પાણી અને કોપરા જેવું મીઠું અને કોમળ જ રહે છે. માત્ર પોતાના શિષ્યોને શિસ્તના પાઠ ભણાવવા, તેમને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ બનાવવા જ કડક અભિગમ અપનાવે છે. મને જ્યારે ગુરુ દ્રૌણાચાર્યની ભૂમિકા ઓફર કરવામાં આવી ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી હતી. મને એ વાતનું ગૌરવ હતું કે મને મહાભારતના આ અત્યંત આદરણીય કિરદારને લાયક સમજવામાં આવ્યો. અલબત્ત, આ રોલ સાથે મારા શિરે આવેલી જવાબદારી નિભાવવા માટે પણ હું તૈયાર હતો અને હું આ રોલને પૂરેપૂરી ઈમાનદારીથી ભજવવામાં, દ્રૌણાચાર્યની પ્રામાણિકતા, ગંભીરતા, તેમનું ગૌરવ, તેમનું ભાવનાત્મક ઊંડાણ દર્શાવવામાં ક્યાંય કચાશ ન રહે એ બાબતે અત્યંત સાવધાન રહું છું.
જિતેન વધુમાં કહે છે કે અત્યાર સુધી મેં નોંધ્યું છે કે ગુરુ દ્રૌણને મોટાભાગે મહાભારતના યુધ્ધ દરમિયાન કે પછી તેમના જીવનના અંતિમ કાળમાં દર્શાવવામાં આવે છે. જ્યારે 'હસ્તિનાપુર કે વીર'માં તેમને બાળ કૌરવો અને પાંડવોનું ઘટતર કરતાં ગુરુ તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં છે.
એ વાત સર્વવિદિત છે કે દ્રૌણાાર્ય શ્રેષ્ઠ ગુરુ હતાં. જિતેન કહે છે કે આ રોલ અદા કરવામાં મને મારો પોતાનો અનુભવ ખપ લાગ્યો. મારા અભિનયને માંજવામાં સુધીર પાંડે, સૂરજ થાપર જેવા અદ્ભૂત દિગ્દર્શકો અને વરિષ્ઠ કલાકારોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. મને લાંબા સમય સુધી તેમને ત્યાં જવાની, તેમની સાથે વાતચીત કરવાની, તેમના વિચારો સમજવા-જાણવાની, તેમની પાસેથી અભિનયની બારીકીઓ શીખવાની તક મળી હતી. તેમના દ્વારા મળેલું માર્ગદર્શન હમેશાં મારા માટે પથદર્શક બની રહ્યું. ગુરુ દ્રૌણની ભૂમિકા ભજવતી વખતે પણ મેં એ વાત ધ્યાનમાં રાખી કે ગુરુ માત્ર કૌશલ્ય નથી અજવાળતા, બલ્કે શિષ્યોના આત્મવિશ્વાસને ઘડે છે. તેમના જીવનમાં મૂલ્યો રોપે છે.
આ શોમાં સંખ્યાબંધ બાળકલાકારો સાથે કામ કરવામાં પણ જિતેનને ભારે મોજ પડી રહી છે. તે કહે છે કે આજના ઉગતા બાળકોનું અભિનય પ્રાવિણ્ય, દરેક બાબત આત્મસાત કરવાની તેજ ગતિ આશ્ચર્ય પમાડે એવી છે. તેઓ કોઈપણ વાત બહુ ઝડપથી શીખી-સમજી જાય છે અને તેનો ત્વરિત અમલ પણ કરે છે. તેમને કોઈ પાસેથી, કશું પણ શીખવાનો છોછ નથી. ખરું કહું તો મને પણ તેમની પાસેથી ઘણું શીખવા મળે છે અને અનુભવી કલાકાર તરીકે તેઓ મને કાંઈ પૂછે તો હું ખુશીથી તેમને માર્ગદર્શન આપું છું.
અભિનેતા ઉમેરે છે કે આ શો દર્શકોને સ્પષ્ટણે જણાવે છે કે શ્રેષ્ઠ ગુરુ અને માતાપિતા સાથે મળીને બાળકોને સારા માનવી બનાવી શકે. જ્ઞાાન સાથે નમ્રતા, સન્માન, ધૈર્ય અને પ્રામાણિકતા સંકળાયેલા હોવા જોઈએ. તેમાં પ્રકૃતિ પ્રત્યેની માનવીની જવાબદારીને પણ બખૂબી દર્શાવવામાં આવી છે.