જેન-ઝીને લાગી હોલિવુડિયા હોરર ફિલ્મોની લત

'ઑબ્સેશન'ને મળેલી અપ્રતિમ સફળતા પાછળ એક મહત્વનું પરિબળ કામ કરી રહ્યું છે અને તે છે જેન-ઝી. હોરર ફિલ્મો ઉગતી પેઢીની ભીતર ધરબાયેલી ઉત્તેજનાને ટપારે છે
છેલ્લા બે વર્ષથી ભારતીય દર્શકોને હોરર ફિલ્મો જોવાનો ભારે ચસકો લાગ્યો છે. ખાસ કરીને જેન-ઝીને આવી ફિલ્મોની લત લાગી ગઈ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. તેમાંય હોલિવુડની હોરર મૂવીઝ તેમને વધુ પસંદ પડે છે. કેરી બેકરની 'ઑબ્સેશન'ની જ વાત કરીએ તો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ સિનેમાએ ભારતમાં તેની રજૂઆતના દિવસથી લઈને ૯૧ કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરી લીધી છે. આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હોલિવુડની ફિલ્મોમાં 'ઑબ્સેશન' પણ સામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસના આંકડાઓ અનુસાર આ સિનેમાની કમાણી તેની રિલીઝ પછી એકેય દિવસ ઓછી નથી થઈ. વાસ્તવમાં તેની કમાણી લાગલગાટ વધતી રહી હોવાથી 'ઑબ્સેશન' ભારતમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હોલિવુડ હોરર ફિલ્મ બની ગઈ છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે આવી ફિલ્મોમાં ટોચ પર 'કોન્જ્યુરિંગ' અને 'કોન્જ્યુરિંગ-ટુ' એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
હોલિવુડની હોરર ફિલ્મો પર ભારતીય દર્શકો ઓળધોળ થઈ રહ્યાં છે તેનું કારણ આવી ફિલ્મોનું લાજવાબ નિર્માણ, તેની સાઉન્ડ ડિઝાઈન અને સિનેમાઘરોમાં તેની બહોળી પહોંચ છે. ફિલ્મોના પ્રદર્શકો કહે છે કે 'ઑબ્સેશન'ને મળેલી અપ્રતિમ સફળતા પાછળ ઉપરોક્ત કારણો સિવાય એક મહત્વનું પરિબળ પણ કામ કરી રહ્યું છે અને તે છે જેન ઝેડ. આ નવી ઉગતી પેઢીને હોરર ફિલ્મોનું રીતસરનું ઘેલું લાગ્યું છે.
જાણકારો કહે છે કે હોલિવુડની હોરર ફિલ્મો ઉગતી પેઢીની ભીતર ધરબાયેલી ઉત્તેજનાને ટપારે છે. તે તેમની અંદર રહેલી અસલામતીની લાગણી તેમ જ ભાવનાત્મક અવલંબનને જગાડે છે. છેવટે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન, તેના વિશે ચર્ચાઓ કરવા માંડે છે. આમ એક મુખેથી બીજા મુખે થતી ફિલ્મની પબ્લિસિટી તેની સફળતામાં સૌથી મોટો ફાળો આપે છે.
જાણકારો વધુમાં કહે છે કે સામાન્ય રીતે કોઈપણ સિનેમા રજૂ થાય ત્યારે વીક-એન્ડમાં સારી કમાણી કરી લે. ત્યાર પછી બુધવાર સુધીમાં તેની આવક ઘટતાં ઘટતાં બોક્સ ઓફિસ પર દમ તોડી દે. જ્યારે 'ઑબ્સેશન'માં તેનાથી ઊંધુ જોવા મળ્યું છે. આ ફિલ્મના દિગ્દર્શકે દિગ્દર્શન ક્ષેત્રે આ સિનેમાથી જ કદમ માંડયા હતા. આમ છતાં તેમનું સર્જન એવું કમાલનું છે કે સિનેમાઘરોથી બહાર આવ્યા પછી પણ આ ફિલ્મ દર્શકોના મન-મગજ પર લાંબા સમય સુધી છવાયેલી રહે છે અને આ દર્શકો તેમના અન્ય સંબંધીઓ, મિત્રોને 'ઑબ્સેશન' જોવાની ભલામણ કરે છે. દર્શકોને હોરર ફિલ્મો જે રીતે પસંદ આવી રહી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેની જગ્યા કોઈ ન લઈ શકે. દર્શકો થિયેટરમાં પોતાની સીટ પરથી ઊભા થઈ જાય, પાછળની બેઠકો પરતી ચીસાચીસ સંભળાય, તેઓ પરાણે હસે, આમ સમગ્ર સિનેગૃહમાંથી વિવિધ પ્રકારની ભાવનાઓ વહેતી થાય અને અન્ય દર્શકો પર પણ તેની છાપ છોડે.
હવે તમે જ કહો કે આટલા મિશ્રભાવ અન્ય કોઈ પ્રકારની મૂવીમાં જોવા મળે ખરાં? કદાચ આ કારણે જ છેલ્લા બે વર્ષથી યુવાપેઢીને રુંવાડાં ખડાં કરી દે એવી ડરામણી ફિલ્મો ગમવા લાગી છે. તેઓ ઉમેરે છે કે હોરર સિનેમાને થિયેટરોમાં જે રીતે પ્રતિસાદ સાંપડી રહ્યો છે તે જોતાં લોકો, ખાસ કરીને યુવાદર્શકો સિનેગૃહોમાં ફિલ્મો જોવા નથી જતાં, તેમને ઘરમાં જ ફિલ્મો જોવાનું પસંદ છે એ માન્યતાનો ભુક્કો બોલી ગયો છે અને તેને પગલે થિયેટરમાં દર્શકો વધવા લાગ્યા છે તે છોગામાં.
જેન-ઝી હોરર સિનેમા જોવા થિયેટરોમાં જાય છે તેનું એક કારણ એ પણ છે કે આવી મૂવીઝ એકલા નહીં, બલ્કે મિત્રવર્તુળ સાથે જોવાની વધુ મઝા આવે છે. ડહામણા દ્રશ્યો જોતી વખતે લાગતો ભય, ડરના માર્યા કરવામાં આવતી બૂમાબૂમ, પાંપણ ઝપકાવવાનું પણ વિસરી જવાય એવું ભયનું લખલખું શરીરમાંથી પસાર થાય ત્યારે કોઈકનું પોતિકાઓનું પાસે હોવું જરૂરી બની જાય. મઝાની વાત એ છે કે ડરામણા સિનેમા જોતી વખતે પેદા થતી ઉત્તેજના અને ઉચાટ એટલાં તીવ્ર હોય છે કે જેન-ઝી વારંવાર તેની અનુભૂતિ કરવા લલચાય છે. આમ તેઓ એક જ હોરર ફિલ્મ જોવા ફરી ફરીને સિનેગૃહોમાં પહોંચી જાય છે. જેન-ઝીની અન્ય એક વાત પણ નોંધવા જેવી છે. તેઓ કહાણીની વિશ્વસનીયતાને વિશ્વસનીયતાને વધુ મહત્વ આપે છે.
સમીક્ષકોના મતે 'ઑબ્સેશન'ને પગલે ભારતમાં હોલિવુડ ફિલ્મો માટે જાણે કે નવા પ્રકરણો લખાઈ રહ્યાં છે. અલબત્ત, આપણે ત્યાં હોરર ફિલ્મો હમેશાંથી વધુ પસંદ કરવામાં આવે છે, પણ રજૂઆત પછી લાંબા સમય સુધી બોક્સ ઓફિસ પર વૃધ્ધિ નોંધાવવી અલગ જ ચિત્ર રજૂ કરે છે.









