જેમી લીવર: હાસ્યની પાછળ સંઘર્ષ અને લગાતાર શીખતા રહેવાની કોશિશ

- 'હાસ્ય કલાકાર કાયમ ખુશ હોય તે જરૂરી નથી. મંચ પર તેઓ આત્મવિશ્વાસ અને રમૂજી દેખાય છે, પણ મંચની બહાર તેઓ ભાવુક હોય છે. મારા અનુભવોએ મારા હાસ્યને વધુ સંવેદનશીલ બનાવ્યું છે.'
- પિતાને પગલે પુત્રી પણ કોમેડીમાં ચેમ્પિયન
જોની લીવરની પુત્રી હોવું સ્વયં એક મોટી ઓળખાણ છે, પણ જેમી લીવરે સાબિત કર્યું કે કોઈ પ્રસિદ્ધ કલાકારનું સંતાન હોવાથી સફળતાની ગેરન્ટી નથી મળતી. તેને પિતા પાસેથી કોમિક ટાઈમિંગ અને અભિનયની કલા જરૂર વારસામાં મળી છે, પણ પોતાનું આગવું સ્થાન બનાવવા તેણે પોતાને સંઘર્ષ કરવો પડયો છે. તેના માટે કોમેડી માત્ર લોકોને હસાવવાનું માધ્યમ નથી, પણ માનવીય ભાવનાઓને સમજવા અને તેની સાથે જોડાઈ રહેવાની પદ્ધતિ છે.
જેમી કાયમ એવું માનતી કે પિતાનું નામ હોવાને કારણે જિંદગી આસાન રહેશે. સાંજે તે કોમેડી ક્લબોમાં સ્ટેન્ડ-અપ કલાકારોને જોતી અને મનોમન તેમના જોક્સ પર ટિપ્પણી કરતી. આખરે તેણે પિતા સમક્ષ મનની વાત રજૂ કરી કે તે એક કોમેડિયન બનવા માગે છે. જોની લીવરે તેને દસ મિનિટ મંચ પરથી બોલવાની તક આપી, પણ શરત રાખી કે તેણે દર્શકો સમક્ષ પોતે જોની લીવરની પુત્રી હોવાની જાણકારી નથી આપવાની. આ પરફોર્મન્સને દર્શકોની શાનદાર પ્રતિક્રિયા મળી અને જોની લીવરે માનવું પડયું કે તેણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
મિમિક્રીમાં જેમીની પ્રતિભા પણ અસાધારણ રહી છે. તેણે પ્રથમ ચર્ચિત સેલિબ્રિટી નકલ આશા ભોંસલેની કરી હતી. કોમેડી સર્કસમાં જ્યારે તેની પાસે પોતે જેની નકલ કરી શકે છે તેવા લોકોની યાદી મંગાવવામાં આવી ત્યારે તેમાં આશા ભોંસલેનું નામ જોઈને સંચાલકોએ તુરંત તેને રજૂ કરવાની મંજૂરી આપી. જેમીએ આશા ભોંસલેના અવાજની નકલ કરવા ઉપરાંત તેમના હાવભાવ, અભિવ્યક્તિ અને શારીરિક ભાષાને પણ પોતાના અભિનયમાં ઉતારી લીધા. લતા મંગેશકરે પણ જેમીની આશા ભોંસલેની નકલની પ્રશંસા કરી જેને જેમી પોતાનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સન્માન માને છે.
જોની લીવર અનુશાસિત અને અત્યંત મહેનતી વ્યક્તિ છે. હવે તે ફિલ્મોથી થોડી ફુરસદ કેળવીને પરિવાર સાથે વધુ સમય વિતાવવાનું પસંદ કરે છે. જેમીએ ઉમર શરીફ અને મોઈન અખ્તર પાસેથી પણ ખૂબ પ્રેરણા લીધી છે, જ્યારે રોબિન એટિકસન તેનો સૌથી મનપસંદ કલાકાર છે. જેમીને પિતા પાસેથી સૌથી મોટો બોધ મળ્યો છે, જેમીએ પોતાની સફરમાં અસુરક્ષા અને આલોચનાનો સામનો પણ કરવો પડયો છે. એક નિર્માતાએ ક્યારેક તેના વજન અને સ્ટાઈલ બાબતે ટિપ્પણી કરીને તેને જીમ જવાની તેમજ પોતાના લૂક અને ફેશન સુધારવાની સલાહ આપી હતી. આ વાત જેમીને ખૂંચી, કારણ કે તેના અભિનય અને પ્રતિભાની બદલે તેના દેખાવને મહત્ત્વ અપાઈ રહ્યું હતું. જેમીના મતે મેકઅપ અને સ્ટાઈલ બદલી શકાય છે, પણ કલાકારની અસલી ઓળખ તો તેની પ્રતિભા અને તેની અવાજમાં હોય છે. એ કહે છે, 'અન્યોને હસાવનાર કલાકાર કાયમ પોતે ખુશ હોય તે જરૂરી નથી. મંચ પર તેઓ આત્મવિશ્વાસ અને રમૂજી દેખાય છે, પણ મંચની બહાર તેઓ ભાવુક હોય છે. પરિવારના કઠિન તબક્કા, ખાસ કરીને ભાઈની બીમારીએ મને તેમજ મારા પરિવારને ભીતરથી બદલી નાખ્યા. આવા સમયમાં મને આત્મવિશ્વાસ અને પરિવારના સહારે મજબૂતી આપી. કદાચ આ જ અનુભવે મારા હાસ્યને વધુ સંવેદનશીલ બનાવ્યું છે.'
આજે જેમી પોતાની કારકિર્દીને સૌથી લાંબી રિલેશનશીપ માને છે. લગાતાર મહેનત અને સંઘર્ષ પછી હવે તે વ્યાવસાયિક રીતે વધુ સંતુષ્ટ અને ખુશ છે. રસપ્રદ બાબત છે કે ક્યારેક કારકિર્દી પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહેનારી જેમી હવે પ્રેમ અને સંબંધ માટે પણ વધુ રુચિ રાખતી થઈ છે. જેમીની કહાની દર્શાવે છે કે વિરાસત તમને શરૂઆત તો કરાવી શકે, પણ મંઝિલ સુધી પહોંચવા માટે પોતાની પ્રતિભા, મહેનત અને સાહસની જરૂર પડે છે. જોની લીવરની પુત્રીના રૂપમાં ઓળખાતી જેમી લીવર હવે એવા તબક્કે પહોંચી છે જ્યાં તેનું નામ આપોઆપ હાસ્ય, કલા અને આત્મવિશ્વાસની ઓળખ બની રહ્યું છે.




